૫૫૨ - સંતો સાથે બાપાશ્રી રામપુર આવ્યા
હવે દહીંસરાથી જે સંતોને રામપુર આવવાનું હતું તેઓ મંદિરમાં જઈ ઠાકોરજીને થાળ જમાડી પરવારવા મંડ્યા ને હરિભક્તોની પણ પંક્તિઓ થઈ. એ વખતે બાપાશ્રીએ પણ ઉતાવળા ઠાકોરજીને જમાડી લીધા ને પંક્તિમાં સહુને દર્શન દઈ રાજી કર્યા. પછી પોતે રતિલાલભાઈને કહેવા લાગ્યા જે, ‘માસ્તર! તમારે ભૂજ જવું છે કે રામપુર આવવું છે?’ ત્યારે તે કહે, ‘બાપા! મારે તો રામપુર આવવું છે.’ પછી તેમને પણ સાથે લીધા. એ વખતે મુક્તરાજ કેસરાભાઈના પૌત્ર નારાયણભાઈ ગાડી જોડીને લાવ્યા, તેમાં બાપાશ્રી બેઠા. એ ટાણે હરિભક્તો જમી રહ્યા હતા તે સર્વે વળાવવા આવ્યા, તેમને પાછા વાળીને બાપાશ્રીએ નારાયણભાઈને ગાડી ચલાવવાનું કહ્યું, તેથી તે ઉતાવળા ગાડી ચલાવતા હતા, પણ આગળ ગયા ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી માર્ગમાં ઊભેલા જોઈ બાપાશ્રીએ તેમને ગાડીમાં બેસાર્યા. પછી પોતે તેમની સાથે દિવ્યભાવ ને મનુષ્યભાવ એક જાણવા સંબંધી વાતો કરવા લાગ્યા. એ સાંભળી તેઓ બહુ રાજી થતા હતા, ત્યાં તો રામપુર આવી ગયું. એ જોઈ બ્રહ્મચારી કહે, ‘બાપા! આજ તો જાણે દહીંસરાથી રામપુર સાવ ઢૂકડું લાગ્યું.’ ત્યારે બાપાશ્રી કહે, ‘વાતો થતી હોય ત્યારે એમ લાગે.’ એમ કહી ગાડીમાંથી ઊતર્યા એટલે બાપાશ્રી તથા આ બન્ને નિર્ગુણ સંતને જોઈ હરિભક્તો ઘણા રાજી થયા ને દંડવત્ કરી મળ્યા. પછી રાત્રે કથાવાર્તા થતાં સૌ આનંદ પામ્યા. પછી બીજે દિવસ દહીંસરાથી સંતો આવ્યા ત્યારે વચનામૃતની કથા બેઠી અને દેવરાજભાઈ, શામજીભાઈ, લાલજીભાઈ આદિ આગેવાન હરિભક્તોએ ગામોગામ ઉત્તરકાર્ય ઉપર આવવાના કાગળો લખાવ્યા. રામપુરમાં આ પારાયણ વંચાતાં હરિભક્તો સહુ શાંતચિત્તે કથા સાંભળતા હતા. વચમાં ક્યારેક બાપાશ્રી તથા સંતો વાતો કરે, કથા ઊઠ્યા પછી સંતોની પંક્તિઓ થાય, હરિભક્તો પણ સવાર-સાંજ જમે, ગંગાજીએ કે વાડીઓમાં નાહવા જાય, કથાવાર્તા સાંભળે, પણ મુક્તરાજ ધનબા ધામમાં ગયાનો ભાવ કોઈને ભુલાય નહિ.