૧૫૬ - આશીર્વાદ અને આજ્ઞા
એક દિવસ જાદવજીભાઈની વાડીએ બપોરના આંબા નીચે હરિભક્તોએ સહિત અનાદિ મુક્તરાજ ભાઈશ્રી બેઠા હતા; ત્યાં ધનજીભાઈનો દીકરો લાલજી દર્શન કરવા આવ્યો. તેણે દંડવત્ કરી ‘જય સ્વામિનારાયણ’ કર્યા, ત્યારે પોતે રમૂજ કરતા હાથમાં રેતીની ચપટી ભરીને કહું જે, ‘લાલજી! બચ્ચા! લે પ્રસાદી.’ આ તો પ્રસાદી જાણી તરત ખાઈ ગયો (કેમ કે તેની અવસ્થા એ વખતે નાની હતી). આ બનાવથી પોતે બહુ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, ‘આને આટલી અવસ્થામાં કેવો મહિમા છે! આ મોટો થશે ત્યારે ધનજીભાઈ જેવો જ શૂરવીર થશે. જાદવજીભાઈના પરિવાર એવા જ હોયને!’ એમ બોલ્યા. પછી રાત્રે ઘરમાં સહુ બેઠા હતા ત્યારે ભાઈશ્રીએ જાદવજીભાઈને કહ્યું જે, ‘તમને પહેલા મંદવાડમાં એમ સંકલ્પ થયો હતો કે, શ્રીજીમહારાજ ને મુક્ત તેડવા તો આવ્યા, પણ મેં કાંઈ એવાં સાધન નથી કર્યા જે ઠેઠ અક્ષરધામમાં પહોંચાય, તેથી જો બીજે ક્યાંય મૂકશે તો શું થાશે? એ સંકલ્પથી મહારાજ તમને એ વખતે રાખી ગયા છે, પણ હવે કેમ છે?’ ત્યારે જાદવજીભાઈ કહે, ‘ભાઈ! આ ધનજીની માનું કલ્યાણ કર્યું એ જોતાં તો હવે મારે જરાય વહેમ કે સંકલ્પ નથી.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘એવું હોય તો તો ઠીક. પણ તમને જ્યાં સુધી મહારાજ આ લોકમાં રાખે ત્યાં સુધી ઘડીયે મૂર્તિને મૂકશો મા,’ ત્યારે તે કહે, ‘બહુ સારું.’ આમ તેમના પર ભાઈશ્રીની બહુ પ્રસન્નતા હતી, તેથી તે પણ પોતાના ઘરનું અને સત્સંગનું જે જે કામ હોય તે વૃષપુરમાં પ્રથમ પૂછવા આવતા અને આ મુક્તરાજ ભાઈશ્રીને પણ સહેજ કામ હોય તો તે એમને બોલાવીને પૂછે કે પોતે નારાયણપુર જાય, -આમ લગભગ એક ઘર જેવું જ થઈ ગયું હતું.
આ વખતે વૃષપુરમાં સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી મંડળે સહિત હોવાથી આ મુક્તરાજે જાદવજીભાઈ તથા ધનજીભાઈ આદિ સૌને રાજી કરી વૃષપુર જવાનું કર્યું, તે વખતે ઘણા હરિભક્તો ગામબહાર છેટે સુધી વળાવવા આવ્યા ને હજારી ફૂલના હાર પહેરાવી દંડવત્ કર્યા તે સૌને મળી પોતે વૃષપુર પધાર્યા. ત્યાં પણ આ બાઈ સંબંધી વાત સભામાં કરી પ્રસન્નતા જણાવી ને બોલ્યા જે, મહારાજ આ સમે પોતાના જનને અભયદાન આપી ન્યાલ કરે છે; લાડ લડાવે છે ને અનહદ સુખમાં લઈ જાય છે. દિવ્યદૃષ્ટિ થાય એટલે ‘અહો! અહો!’ થઈ જાય. જરાય છેટાપણું ન રહે; અખંડ દેખાય. કેમ સંતો! એમ હશે કે નહિ?’ ત્યારે સ્વામી વ્રુંદાવનદાસજી કહે, ‘હા! એમ જ છે.’ આમ પ્રસંગે પ્રંસગે આ મુક્તરાજ દિવ્ય અમૃતવચનો બોલતા, તેમ જ અલૌકિક ભાવ જણાવતા, તેથી સૌને નવીન નવીન આનંદ વર્તતો.