૫૪૪ - છેલ્લી ભલામણ કરી ધામમાં ગયાં

0:000:00

મુક્તરાજ ધનબાને બાપાશ્રી બે દિવસનું કહી ગયા હોવાથી એ તો પ્રસન્ન થકાં પોતાની પાસે કથાવાર્તા કરાવતાં ને કીર્તન બોલાવતાં મૂર્તિમાં વૃત્તિ રાખવા લાગ્યાં. પછી રાત પડી ત્યારે બધી બાઈઓને પોતાની પાસે બોલાવીને ભલામણ કરી જે, ‘તમે સૌ આમ ને આમ હેત-પ્રીત રાખી મહારાજને સંભારજો અને ક્યારેય એમનું વચન લોપાય નહિ એવો ખટકો રાખજો. મહારાજે આ ટાણે કચ્છ દેશ ઉપર બહુ દયા કરી છે, તેથી ભાઈ જેવા મોટા મુક્તનાં દર્શન આપણને ઘેર બેઠાં થાય છે, એ અલૌકિક દિવ્ય પુરુષ છે! માટે દેહ રહે ત્યાં સુધી કોઈ દિવસ એમનો અભાવ આવવા દેશો નહિ. મને એમનાં મહારાજ ભેગાં એવાં તેજોમય દર્શન થયાં હતાં કે એ તો ક્યારેય ભુલાય જ નહિ. ‘એમ કહેતાં નેત્રમાં પ્રેમનાં આંસુ આવી ગયાં. પછી પોતાના દેહનો વિધિ ગંગાજી ઉપર કરવાની ભલામણ કરી સહુને કથાવાર્તા કરવાનું કહી પોતે બોલવાનું બંધ કર્યું. પછી તો બાઈઓ વારાફરતી આવે-જાય, સેવા કરે, હાથ જોડે, કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફી માંગે, એમ કરતાં છઠ્ઠની રાત્રે શરીર ઠંડું પડવા માંડ્યું, તેથી બાઈઓ સૌ ધૂન્ય કરવા લાગ્યાં.

એ વખતે બાપાશ્રી વૃષપુરમાં ઓચિંતાના ઝબકીને જાગ્યા ને આસનથી હેઠા બેસીને ધ્યાન કરતા ઊંડા ઊતરી ગયા, તે મોડા મોડા ઊઠ્યા; પછી નિત્યવિધિ કરી ઘોડીએ બેસીને બેત્રણ હરિભક્તો સાથે રામપુર આવવા નીકળ્યા. જે વખતે બાપાશ્રી જાગીને ધ્યાનમાં બેઠા હતા તે વખતે રામપુરમાં બાઈઓ મુક્તરાજ ધનબા પાસે ધૂન્ય કરતાં હતાં. ત્યાં તો ધનબાને મહારાજ સાથે અનેક મુક્તમંડળ તથા બાપાશ્રીનાં દર્શન થયાં, એટલે એ ઘડી ઘડી હાથ જોડી પગે લાગવા મંડ્યાં. એ જોઈ સેવક કાનબાઈ કહે, ‘માં! કેમ હાથ જોડો છો?’ ત્યારે કહે, ‘કાનબાઈ! મહારાજ આવ્યા. જો તો ખરી! ભેગા હજારો સંત ને ભાઈ પણ છે. ભાઈ મને કહે છે કે, તમે વારે વારે ભલામણ કરતાં હતાં, પણ અમે તો મહારાજને લઈને ટાણે આવી પહોંચ્યા ને! અહો! આવડી મારા પર એમની દયા! વાહ મહારાજ! દયાળુ!’ એમ બોલતાં સહુને ‘જય સ્વામિનારાયણ’ કહી દેહ મૂકી ધામમાં ચાલ્યાં ગયાં.