૧૯૯ - આજ્ઞા - ઉપાસનાની વાતો
પછી સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજીએ આજ્ઞા-ઉપાસનાની ઊંચે સાદે વાતો કરી જે, ‘આવા યજ્ઞમાં શ્રીજીમહારાજ સભામાં આવીને બિરાજે છે, એમ સહુ જાણજો. આપણે સૌને મહારાજ તથા આવી દિવ્ય સભાની મર્યાદા રાખવાની છે. તમારે હરિભક્તોને શિક્ષાપત્રી પ્રમાણે રહેવાનું ને અમારે સાધુઓને ‘ધર્મામૃત’ ને ‘નિષ્કામશુદ્ધિ’ પ્રમાણે વર્તવાનું છે, તેમાં જેને જેટલો ફેર પડે એટલો તેને દંડ ભોગવવો પડે છે. સત્સંગમાં હરિભક્ત બાઈ-ભાઈ સહુએ બરાબર મર્યાદાથી વર્તવું, તેમાં જરાય ફેર પડવા ન દેવો. અમારે પણ એમ જ રહેવાનું છે. આપણા સંપ્રદાયમાં ત્યાગીને સ્ત્રી, દ્રવ્ય બેયનો મહારાજે પાકો નિષેધ કરાવ્યો છે તેમાં ફેર ન પડે ત્યારે જ મહારાજ રાજી થાય. આવી દિવ્ય સભા શ્રીજીમહારાજને ઘેર છે, બીજે તો જ્યાંત્યાં ગોટાળા ચાલે છે. આપણે આવા મોટા મુક્તના પ્રતાપે ધર્મનિયમ પાળી સુખિયા છીએ, જે મહારાજને તથા મોટાને આગળ ન રાખે, તેને માયા દુઃખ દે, માટે મોટાને વોળાવા રાખવા, એટલે આપણું ભક્તિરૂપી ધન લૂંટાય નહિ. કામ, ક્રોધ, લોભ આદિ દોષ મહાદૈત્ય જેવા છે, તેણે મોટા મોટાને વગોવ્યા છે માટે કોઈએ એનો વિશ્વાસ ન કરવો, તેમ એનો જોગ જ થવા દેવો નહિ. બાઈઓમાં ત્યાગી બાઈઓએ મહારાજનાં વચનનો ખટકો સૌને રખાવવો; ને પોતાને દેહનિર્વાહથી અધિક કાંઈ હોય તો જ સત્સંગમાં વાપરવું. કેટલાંક બધુંય વાપરી દેતાં પાછળથી દુઃખી થાય છે, અને પોતા પાસે કાંઈ હોય ને વાપર્યું ન હોય તેવા ત્યાગી બાઈઓ દેહ મેલી જાય છે, ત્યારે તેનું દ્રવ્ય ગૃહસ્થના ઘરમાં રહી જાય છે; તેમાંથી તેને પણ બહુ બગાડ થાય છે, માટે હરિભક્તોએ આવી વાતનો ખટકો રાખવો ને કોઈ પાસે કાંઈ રહી ગયું હોય તો ઠાકોરજીને જ એ અર્પણ કરવું,’ –એ રીતે આજ્ઞામાં ખબડદાર રહેવાની બહુ વાતો કરી .