૩૬૭ - શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા

0:000:00

પ્રતિષ્ઠાના દિવસે હોમહવન આદિ વેદોક્ત વિધિનું કાર્ય સંપૂર્ણ થઈ રહ્યા પછી સવારના નવ વાગ્યાના સુમારે સિંહાસનમાં શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરવા માટે ધર્મધુરંધર આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ તથા અનાદિ મુક્તરાજ બાપાશ્રી અને જેપુર મહારાજાના સેક્રેટરી શ્રીમાન ભગવાનજીભાઈ તથા કેટલાક મિસ્ત્રીઓએ મળી એ મૂર્તિ સિંહાસનમાં પધરાવી. શ્રી ઘનશ્યામ મહારાજની સૌ ‘જય’ બોલ્યા; પછી ધર્મધુરંધર આચાર્યશ્રીએ આરતી ઉતારી. એ વખતે ‘જય! જય! શ્રી ઘનશ્યામ મહારાજને ઘણી ખમા!’ એવા ઉચ્ચાર સાથે વાજિંત્રો તથા ચોઘડિયાં ને આરતીના નાદથી સર્વત્ર આનંદ આનંદ વર્તી રહ્યો હતો. ઘડી ઘડી શ્રી ઘનશ્યામ મહારાજ તથા મુક્તમંડળ પર હરિભક્તો પુષ્પની વૃષ્ટિઓ કરે, કોઈ ગુલાલ ઉડાડી ‘જય’ બોલે, કોઈ ‘જય! જય! શ્રી ઘનશ્યામ મહારાજને ઘણી ખમા!’ એમ છડી પોકારતા આનંદ પામે. આ પ્રકારે ધામધૂમથી પ્રતિષ્ઠા થયા પછી અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા મોટા મોટા હરિભક્તોએ મળી વારાફરતી આરતી ઉતારતાં બે કલાક સુધી ધામધૂમ ચાલુ રહી.

આ વખતે શ્રી ઘનશ્યામ મહારાજની કિશોર મૂર્તિમાંથી જાણે ઝળળ ઝળળ તેજ છૂટતું હોય તેમ જણાતું હતું અને આકાશમાં પણ દેવનાં દુંદુભિ વાગતાં હોય તેવો ધ્વનિ સંભળાતો હતો. ઘડી ઘડી ‘ઘનશ્યામ મહારાજની જય! અક્ષરાધિપતિ સહજાનંદ સ્વામી મહારાજની જય! ઘનશ્યામ મહારાજને ઘણી ખમા! મહારાજાધિરાજ પૂર્ણપુરુષોત્તમ ભગવાનને ઘણી ખમા!’ એ રીતે બોલી હરિભક્તો આનંદ પામતા હતા. એ જ રીતે સંતો અષ્ટકો તથા સ્તોત્રો બોલી દંડવત્ કરતા તો કોઈ પ્રાર્થના કરતા; એમ જ્યાં ને ત્યાં અલૌકિક દિવ્યમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજ તથા દિવ્ય સમૂહનાં દર્શનથી કોઈ તૃપ્ત જ ન થાય તેવો આનંદ વર્તી રહ્યો હતો. આ પ્રમાણે પ્રર્તિષ્ઠાવિધિનો સમૈયો પૂર્ણ થયો.