૧૧૦ - મહારાજ કરતા હશે તે ઠીક જ કરતા હશે.

0:000:00

આવી રીતે બહારગામથી કે ગામડેથી સંત-હરિભક્તો આવ્યા હોય તેને ભાઈશ્રી મૂર્તિના સુખની વાતો કરી રાજી કરતા. સવારે, સાંજે ને રાત્રે તો પોતે મંદિરમાં જ બેઠા હોય. જ્યારે સમૈયાના મોટા દિવસ આવે ત્યારે ભૂજ દર્શને જાય. ક્યારેક નારાયણપુર, દહીંસરા કે બીજે ગામ જઈ આવે. ઘરમાં વ્યવહારિક કામ આવ્યું હોય અને તે કર્યા વિના ચાલે તેવું ન હોય, તોય તેમને કોઈ વાતના ઉચાટ નહિ. અત્યાર સુધીમાં બે દીકરા ને બે દીકરીઓના સગપણ ને લગ્ન થયા. પણ એમની તો ફક્ત પૂછ્યાવાટ; બીજું કાંઈ નહિ. કુંવરજીભાઈ, જાદવજીભાઈ જેવા હેતવાળા તથા સગા-સંબંધી, કુટુંબમાંથી અથવા બહેનોમાંથી કોઈ આવે ને કહે, ‘ભાઈ! આમ કર્યું હોત તો ઠીક;’ ત્યારે કહે, ‘ભલે, બહુ સારુ.’ કોઈ વાત પોતાને ભાસતી ન હોય તો, ‘હમણાં ખમો, પછી વાત,’ એમ કહે. પણ ના પાડવાનો ઠરાવ તો ન છુટકે કોઈ વખતે જ, કોઈ વ્યાવહારિક સાધારણ વાત થતી હોય તોય મહારાજ ને મુક્તનું દૃષ્ટાંત આપીને વાત કરવા માંડે. મહારાજની સ્મૃતિ વિનાની તો કોઈ વાત જ નહિ. તેથી સગાવહાલા અને મહિમાવાળા સૌ એમ જાણતા જે, એમના વ્યવહારમાં ભળતાં મોટો લાભ તો એમની પ્રસન્નતાનો છે. પોતાને કોઈ વાતની ચિંતા કે સંકલ્પ નહિ તેમ ઘરમાં પણ કોઈ મહેમાન આવીને રહ્યા હોય તેમ પોતે રહેતા. કદાચ કોઈ વાત પોતાને ફાવે નહિ તો વગર બોલ્યા માથે પાઘડી મૂકીને ‘હે મહારાજ, સ્વામિનારાયણ,’ એમ કહેતા મંદિર ચાલ્યા જાય. ત્યાં મહારાજનાં દર્શન કરી ધ્યાન કરે, કાં તો ખંભે રાખવાનો ખેસ પાથરીને પાઘડી ઓશીકે મૂકી આંગડી સોતા થોડી વાર સૂવે. કોઈ આવીને પાસે બેસે તો મહારાજનાં મહિમાની વાતો કરવા માંડે. પોતાને સદાય એવો ઠરાવ જે, ‘કર્તા શ્રીજીમહારાજ છે ને આપણે શું કામ માથે રાખવું? એમની ઇચ્છાથી કોઈ ને કોઈ દ્વારે ટાણે ટાણે કામ થયા કરે છે, તેથી મહારાજને ફાવે તેમ કરે, એ જે કરતા હશે તે ઠીક જ કરતા હશે; આ રીતે સવંત ૧૯૪૪ની સાલમાં સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજીએ ભાઈશ્રીને મૂળી તેડાવ્યા ત્યાં સુધીમાં કેટલાંક વ્યાવહારિક કામ થતાં ગયા; પણ વિચારીને જોઈએ તો એમના માથે કાંઈ નહીં. એમની પાસે તો જ્યારે જોઈએ ત્યારે મૂર્તિનાં સુખની કે મોટા મુક્તના મહિમાની જ વાત, ને ‘મહારાજ કરે એ ખરું!