૧૨૫ - વિદાયગીરી વખતે પ્રસન્નતા

0:000:00

આ રીતે ભાઈશ્રી ઘણા દિવસ સ્વામીશ્રી પાસે રહ્યા, તેથી સાથે આવેલા મુક્તરાજ કેસરાભાઈ, જાદવજીભાઈ, કુંવરજીભાઈ આદિ સહુને સ્વામીશ્રી તથા ભાઈશ્રીના જોગનો ઘણો લાભ મળ્યો. પછી સ્વામીશ્રીએ આજ્ઞા કરી જે, ‘હવે તમે સર્વે કચ્છમાં સુખેથી જાઓ ને દિવ્યભાવે જેમ મૂર્તિમાં ભેગા છો તેમ ને તેમ સદાય દેખાજો, એટલે તમે ત્યાં છો એમ ન લાગે.’ પછી આ મુક્તરાજ પર હેત જણાવતાં સ્વામી બોલ્યા જે, ‘ભાઈ! તમે આ ફેરે બહુ દયા કરીને પધાર્યા. દેહના સુખદુઃખ સામું જોયું નહિ, તેમ ખર્ચ પણ ઘણું કર્યું, તેથી હું બહુ રાજી થયો. તમારો વ્યવહાર કેવો છે તે હું સારી રીતે જાણું છું, પણ હવે તો મહારાજ તમારી પાસે મોટાં મોટાં કામ કરાવશે ને અનેક જીવના તમારા દ્વારા મોક્ષ કરશે, તે બેય દેશમાં નાનામોટા સૌ જાણશે. જેમ મારી વાત તમે જાણી લીધી તેમ તમારી વાતની પણ મને ખબર પડે છે, એમ નક્કી જાણજો.’ પછી જાદવજીભાઈ તથા કુંવરજીભાઈ પર પ્રસન્નતા જણાવતાં સ્વામી બોલ્યા જે, ‘તમે ભાઈશ્રી સાથે સાચું હેત કર્યું હતું અને અમારા વચનમાં વિશ્વાસ હતો તેથી આજ સુધી વ્યવહારનો ઘસારો ઘણો ખમ્યા, પણ જો કોઈ વખતે તેમને ક્ચવાવ્યા હોત તો આવો અમૂલ્ય લાભ તમને ન મળત. તમે ભાઈશ્રીની સેવા ઠીક કરી. તેથી અમે બહુ રાજી થયા, પણ હવે ઠેઠ સુધી તમારી સેવા અમે કરશું,’ એમ કહી એ બેયને મળ્યા, માથે હાથ મૂક્યા ને બોલ્યા જે, ‘હવે તમે સુખે કચ્છમાં જાઓ, મને શરીરે ઠીક છે, તેથી અંતરમાં કોઈ વાતની તાણ ન રાખજો. આપણે સદાય ભેગા છીએ ને ભેગા રહીશું.’ એમ તેમના પર ઘણો રાજીપો જણાવ્યો; પછી સંત-હરિભક્તોને સ્વામીશ્રીએ રજા આપવાથી અનાદિ મુક્તરાજ ભાઈશ્રી આદિ સૌએ કચ્છમાં જવાની તૈયારી કરી. એ વખતે સ્વામીશ્રીની સૌએ ચંદન-પુષ્પહારથી પૂજા કરી દંડવત્ કર્યા; પછી સ્વામીશ્રી પણ ભાઈશ્રી આદિ સૌ મુક્તમંડળને ચંદન ચર્ચી, બાથમાં ચાંપી હેતે સહિત મળ્યા.