૨૮૪ - પ્રતિષ્ઠા સમયે આનંદોત્સવ
વૈશાખ સુદ સાતમ એ પ્રતિષ્ઠાનો દિવસ હતો, એટલે તે દિવસે પ્રભાતથી મંદિરને દરવાજે ઢોલ, ત્રાંસા, શરણાઈ તથા ચોઘડિયાંના નાદ થઈ રહ્યા ને શ્રીજીમહારાજ તથા રાધાકૃષ્ણદેવની મૂર્તિઓ પાસે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા આચાર્ય મહારાજ સાથે આવેલા વર્ણી અને મોટા મોટા સંતો આવીને બેઠા, તે વખતે વેદોક્ત વિધિ જાણનાર વિપ્રો મહારાજની સમક્ષ વેદમંત્રોના ઉચ્ચારણ કરતા ષોડશોપચારે પૂજન કરતા હતા, એક તરફ હોમહવન થઈ રહ્યો હતો, આમ ઘણી વાર પૂજન થતું હતું. તે વખતે દિવ્યનાદ સાથે આકાશમાં મેઘાડંબર થઈ રહેતા. જાણે દેવતા અંતરિક્ષથી દર્શન કરતા હોય, એમ જાણી સંત-હરિભક્તોનાં હદયમાં ઉછરંગ સમાતો નહોતો, ત્યાં અનાદિ મુક્તરાજ બાપાશ્રી હરિભક્તોએ સહિત મંદિરમાં આવી પહોંચ્યા ને ઠાકોરજીનાં દર્શન કર્યા, ત્યાં તો સંતો મળવા ઊભા થઈ ગયા, પણ બાપાશ્રીએ તો તુરત આચાર્ય મહારાજ પાસે જવા માંડ્યું. એટલામાં સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ મોટા મોટા સંતોએ સહિત આચાર્ય મહારાજ ઠાકોરજી પાસે આવતા હતા, ત્યાં આ મહામુક્તરાજે દંડવત્ કરવા માંડ્યા. એ જોઈ ધ.ધુ. આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ કહે ‘તમે મોટા મુક્ત થઈને આ શું કરો છો?’ ત્યારે બાપાશ્રી કહે, ‘મહારાજને તો દંડવત્ કરવા જ જોઈએ ને! આ બધોય સમાજ શ્રીજીમહારાજનો છે. તમે એમના પુત્ર છો ને આ સંત એમના સ્વરૂપ છે,’ –આમ બોલ્યા, તેથી સહુ રાજી રાજી થઈ ગયા. પછી આચાર્ય મહારાજ તથા સંતોએ સહિત બાપાશ્રી ઠાકોરજી પાસે વિધિ થતો હતો ત્યાં આવ્યા, એટલે સંત-હરિભક્તો ઊભા થઈ ગયા ને છડીદાર છડી બોલ્યા ને સંત-હરિભક્તો પણ મહારાજની ‘જય’ બોલ્યા. પછી ધર્મધુરંધર આચાર્ય મહારાજ તથા સંતો અને બાપાશ્રી વગેરે મૂર્તિઓની સન્મુખ બેઠા ને ફરતા પણ સંત-હરિભક્તો બેઠા. આ વખતે મંદિર ને ચોકમાં ક્યાયં ખાલી જગ્યા જણાતી નહોતી.
શ્રીજીમહારાજ પાસે ઊંચે સ્વરે વેદમંત્રો બોલાતા હતા, તેમ બહાર ચોઘડિયાં, ત્રાંસાં, શરણાઈ ને નોબતોના ધ્વનિ થતા હતા. એ વખતે શ્રીજીમહારાજ તથા રાધાકૃષ્ણદેવની મૂર્તિમાંથી જાણે તેજ છૂટતું હોય ને મંદ મંદ હસતા થકા સૌને આનંદ ઉપજાવતા હોય તેવાં દર્શન સૌને થતાં હતાં. સમય થયો ત્યારે મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ. તે વખતે સર્વત્ર “જય જય! ઘણી ખમા! મહારાજાધિરાજ, અક્ષરધામના અધિપતિ, જય હો! જય હો!” એવા ઉચ્ચાર થઈ રહ્યા હતા ને મંદિરમાં ને બહાર વાજિંત્રોના નાદ થતા હતા. સંતો અષ્ટકો ને શ્લોકો બોલતા હતા; હરિભક્તો છૂટાં ફૂલો ને ગુલાલ ઉડાડતા ‘જય! જય!’ એમ કિલ્લોલ કરી રહ્યા હતા. આ વખતે અનાદિ મુક્તરાજ બાપાશ્રી પણ એકનજરે મૂર્તિઓ સામું જોઈ રહેલા, તે જાણે મહારાજને એ ઘડીએ બોલાવવા ધારતા હોય, તેમ હજારો સંત-હરિભક્તો વચ્ચે જણાતા હતા. આમ સર્વત્ર આનંદ છાઈ રહ્યો હતો. તે ટાણે ધર્મધુરંધર આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજે આરતી ઉતારી એટલે સૌ ફરી વાર ‘જય’ બોલ્યા ને સંત-હરિભક્તો અષ્ટકો બોલી દંડવત્ કરવા લાગ્યા.