૮૭ - મોટા મુક્તને રાજી કરે તેને શું બાકી રહે?

0:000:00

આવાં મહાસમર્થ સૂરજબા જ્યારે ધામમાં જવા તૈયાર થયાં ત્યારે પણ ધનબા પાસે હતાં. એ વખતે પોતે અતિ હેત જણાવીને કહ્યું, ‘ધનુ! તેં મારી ઘણી સેવા કરી.’ ત્યારે ધનબા કહે, ‘મા! અમે જાડા લોક, તમારી સેવા શું કરી શકીએ? પણ તમે મોટા છો, તેથી એમ કહો છો.’ ત્યારે સૂરજબા કહે, ‘એમ નહિ; તેં મારું એકે વચન લોપ્યું નથી. તું નિર્માની છું ને મારી નિષ્કામભાવે સેવા કરી છે; માટે તારા પર હું બહુ રાજી છું. હવે તને હું એક વાત કહું. આ ટાણે મહારાજ રથે બેસીને પધાર્યા છે. મેં આ દેશમાં રહેવાની બહુ તાણ કરી ત્યારે કહે, ‘હવે તો અમે મૂર્તિદ્વારે તથા અમારા અનાદિ મુક્ત અબજીભાઈ છે તે દ્વારે સૌને દર્શન દઈ કલ્યાણ કરશું. તમને તો આ ટાણે અમે તેડવા આવ્યા છીએ,’ -આમ કહે છે, માટે હવે હું મહારાજ ભેળી ધામમાં જાઉં છું. તમે સૌ એમનાં વચનમાં ખબડદાર રહેજો,’ એમ કહી મહારાજની આપેલ પ્રસાદીની નવ કોરી પોતાની પાસે એક કોથળીમાં રાખેલ હતી તે તેમને આપી ને બોલ્યાં જે, ‘તું આમાંથી કણબીની નાતને જમાડજે ને ઠાકોરજીની સેવા કરજે અને સત્સંગમાં બીજાં નાનાંમોટાં કામ કરીશ તોય કાંઈ વાંધો નહિ આવે. શ્રીજીમહારાજ તારાં સર્વે કામ ફતેહ કરશે. શ્રીજીમહારાજે મને વર આપ્યો છે જે, ‘મારા હાથે કામ થાય તેવું તારા હાથે કામ થાય.’ એ વર આજથી હું તને આપું છું, એમ સૂરજબાએ તેમને વરદાન આપેલ છે, અને મોટા મોટા મુક્તનાં નામ લઈને દેહપર્યંત હેત રાખવાની તથા મહિમા જાણવાની ભલામણ કરી છે, તેથી આવીને ટાણે ટાણે પક્ષ રાખે છે.

આ પ્રકારે સૂરજબા ધામમાં ગયાં; પછી એક વખત ધનબાએ મોટી પારાયણ કરવાનો વિચાર કર્યો ને તેમના ભત્રીજા વિશરામભાઈ તથા વાઘજીભાઈને વાત કરી જે, ‘મારે સત્સંગ જમાડીને સૌને પાણી પાવું, એમ વિચાર થાય છે.’ ત્યારે તે કહે, ‘એટલું બધું કેમ બની શકે?’ પછી સદ્‍ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામીને તેમણે પૂછ્યું, ત્યારે સ્વામીશ્રી કહે, ‘એ ડોશી મહામુક્ત છે; તે જેમ કરતાં હોય તેમ કરવા દેજો. એને કોઈ કામની ના ન પાડજો. તે ગમે તેવો સંકલ્પ કરશે તોય મહારાજ પૂરો કરશે. વળી તેમની પાસે પ્રસાદીની કોરીઓ છે. અને સૂરજબાનું વચન પણ છે. માટે જરાય શંકા કરવા જેવું નથી, તેથી એ પારાયણો બેસારે, ધામધૂમ કરે, સત્સંગ જમાડે પણ કોઈ એવી શંકા કરે નહિ જે, ‘આ આટલું બધું ક્યાંથી વાપરતાં હશે.’ ધનબા પણ પંક્તિ વખતે પાણી છાંટીને સંકલ્પ કરે. મને તથા અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈને કહે કે, ‘તમે સંકલ્પ કરો એટલે સૌનાં કામ થઈ જાય.’ વળી એમ કહે કે, ‘સૂરજબાએ મને તથા કેસરાભાઈને તમારો મહિમા ઘણી વાર કહ્યો છે, કે એમની વાત જુદી છે.’ હું કહું કે, ‘મોટા હોય તે સૌને પોતા જેવા દેખે,’ ત્યારે મને કહે જે, ‘ઘણી વાર સૂરજબા કહેતાં કે એ ગમે તેમ કહે, પણ કોઈ દિવસ એમને વિષે મનુષ્યભાવ લાવશો મા. એ બહુ મોટાં છે. સત્સંગમાં કામ એમને પૂછીને કરજો.’ આવાં વચન કહી પ્રસાદીમાં ને પાણીમાં હાથ મુકાવે! એવું તેમને જીવોનાં કલ્યાણ કરવાનું તાન. આપણે પણ મહારાજ ને મોટા રાજી થાય તેમ કરવું. મહારાજ કહે છે કે, ‘અમારે તો અનંત જીવનો ઉદ્ધાર કરવો છે, તેથી કોઈ જીવ અમારા પાસે લાવે તો તેને અમે અનંતગણું સુખ દઈએ.’ માટે શ્રીજીમહારાજ રાજી થાય તેમ કરીએ છીએ. પછી એમ બોલ્યા જે, ‘ધનબા એવાં મોટાં છે, તોય તેમને નિર્માનીપણે વર્તવાનો ઠરાવ બહુ. પોતે સંત, હરિભક્ત, બાઈભાઈ, નાનામોટાનું માહાત્મ્ય જાણે, સૌને હાથ જોડે, સેવા કરે, તેમની પાસે અખંડ કથાવાર્તા તો થયા જ કરે. મહિનો પંદર દિવસ થાય એટલે કાંઈક નિમિત્ત કરીને અહીં આવે, પગે લાગે ને પ્રાર્થના કરે જે, ‘તમને મહારાજે જીવોનાં કલ્યાણ કરવા મૂક્યા છે, તે કોઈના વાંકગુના જોશો નહિ.’ હું કહું કે, ‘તમને અવસ્થાએ ગાડાનો હડદો ન ખમાય તેથી બહુ ન આવવું. આપણે મહારાજની મૂર્તિમાં ભેળા જ છીએ,’ તો કહે જે, ‘અક્ષરધામમાં દર્શને આવવું હોય તો કેવડો દાખડો પડે? મને તો એમ થાય છે જે, અહીં જ રહું ને રોજ તમારાં દર્શન કરું.’ એમ કહી સૂરજબાએ મહિમાની વાતો કરી હોય તે કરે.

ધનબા આવાં મોટાં છે, તોય મહારાજ તથા તેમના મુક્તને રાજી કરવાનું તાન; તેથી તેમની મોટપ તો વધતી જ જાય. એક તો અક્ષરધામમાંથી શ્રીજીમહારાજે મૂક્યા હોય ને વળી અહીં મોટા મોટાને રાજી કરે, પછી શું બાકી રહે? આમ સાંજના મંદિર જવાનો વખત થયો ત્યાં સુધી ધીરે ધીરે વાતો કરી. તેથી રામજીભાઈને એમ થયું જે, ભાઈશ્રી આટલી બધી વાત કરતા હોય ને હું સાંભળું, એવો તો મને આજે જ વખત મળ્યો. પછી ઊઠ્યા ત્યારે ફેર દંડવત્ કરી મળ્યા, આશીર્વાદ લીધા ને સાથે સાથે મંદિર ગયા.