૪૨૩ - મુક્તરાજ મનસુખભાઈને મહિમા

0:000:00

પછી સરાવાળા મુક્તરાજ મનસુખભાઈ જે કાને ઓછું સાંભળતા હતાં, તેમને ‘ સુખી છો?’ એમ કહી હાથની સાનથી બાપાશ્રીએ પ્રસન્નતા જણાવી, ત્યાં તો એ પોતાની મેળેજ બોલવા લાગ્યા.

‘બાપા! તમે તો હમણાં બહુ મંદવાડ ગ્રહણ કર્યો હતો; આવું ચરિત્ર તમને કેમ ગમ્યું? તમારે તો સૌને મૂર્તિના સુખમાં ડુબાડી દેવા. મહારાજ ને તમે તો નક્તાનવાજ છો! સહુને મૂર્તિને સુખે સુખિયા કરવા આવ્યા છો તે કરો.’ બાપાશ્રી તેમને હાથની આંગળી વડે ન બોલવાની સાન કરે, પણ એ સમજે નહિ, તેથી તેમણે ચતુરભાઈને પૂછ્યું કે, ‘બાપા શું કહે છે?’ ત્યારે તેમણે હાથમાં લખીને સમજાવ્યું કે, ‘બાપાશ્રી તમને ન બોલવાનું કહે છે.’ પછી તો તે ફરી વાર બોલવા લાગ્યા જે, ‘ બાપા! આમ ને આમ તમારો પ્રતાપ ક્યાં સુધી છાનો રાખવો છે? સૂરજ છાબડે નહિ ઢંકાય. મને પંચાવનની સાલમાં તમારા દર્શને આવવાની તાણ ઘણી થઈ હતી, પણ અમારા ઘરમાંથી સૌએ જાણ્યું જે, આ ભગત છે તે સાધુ થઈ જશે, તેથી રજા ન આપી. તે દિવસ શ્રીજીમહારાજ સાથે તમે દર્શન દઈને કહ્યું હતું જે, ‘મૂંજાઈશ મા.’ ત્યારથી હું તો તમને જાણું છું. વળી પાછો અઠ્ઠાવનની સાલમાં મને વ્યવહારનો અભાવ થઈ ગયો ને હું બહુ મૂંજાણો. ત્યારે પણ તમે દર્શન દઈને વઢ્યા કે, ‘વ્યવહારમાં રહેવું પડશે, કર્તા કોણ છે? મનનું ધાર્યુ બિલકુલ ન કરવું.’ મેં કહ્યું, ‘કૃપાનાથ! સંસારમાં સુખ નથી.’ તોય આપે એમ કહ્યું હતું જે, ‘આમ ને આમ મહારાજ સારું કરશે.’

બાપાશ્રી તથા સંતો આમનું હેત તથા મહિમા જાણી કાંઈ બોલ્યા નહિ, પણ એમણે તો સંતો સામે જોઈને વાતો ચાલુ જ રાખી.

‘સ્વામી! હું જ્યારે ઓગણસાઠના યજ્ઞમાં વૃષપુર આવ્યો, ત્યારે બાપાશ્રી કહે, ‘તમારું તો અમે પૂરું કર્યું છે, પણ તમે જેને વર્તમાન ધરાવશો તેનુંય કલ્યાણ કરશું.’ તે દિવસથી હું તો બાપાશ્રીના પ્રતાપને જાણું છું. હું દસ વર્ષ પરદેશમાં રહ્યો હતો, ત્યાં પણ રોજ નવાં નવાં ઝાડ તથા જનાવરને વર્તમાન ધરાવતો, તેથી બાપાશ્રી મને ઘણી વાર દર્શન દઈ રાજીપો જણાવતા. પછી ઈકોતેરની સાલમાં મને છ મહિના મંદવાડ રહ્યો, પણ એકેય દિવસ દર્શન ન થાય, તેથી બહુ દુઃખ થતાં એક વાર એમ થયું જે, ‘આવા મંદવાડમાં બાપાશ્રી કેમ દર્શન નહિ દેતા હોય? ત્યાં તો આવા ને આવા સદ્‍ગુરુ સ્વામી હરિનારાયણદાસજીને ભેળા લઈને આવ્યા ને મારા માથા પર તથા શરીરે હાથ ફેરવી વાતો કરવા મંડ્યા. હું તો કાંઈ સાંભળું નહિ, એટલે સાંભળવાની તાણ ઘણી થઈ ને કહ્યું જે, ‘બાપા! મને તમારી વાતો સંભળાય એવી દયા કરો.’ ત્યાં તો બરાબર સંભળાવા માંડ્યું, તે વખતે પોતે એમ આજ્ઞા કરી જે, આવતે વર્ષે છપૈયામાં ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થવાની છે ત્યાં અમે આવશું, એ વખતે તમે પણ ત્યાં જરૂર આવજો.’

પછી બાપાશ્રી જ્યારે છપૈયે પધાર્યા ત્યારે હું તથા મારા ભાઈ પણ છપૈયે ગયા. ત્યાં અમે મહારાજનાં દર્શન કરી બાપાશ્રી પાસે દંડવત્ કરતા હતા. ત્યાં મને જોઈને પોતે બોલ્યા જે, ‘તમે કેમ આવ્યા?’ ત્યારે મેં કહ્યું, ‘કૃપાનાથ! તમે મને મુલતાઈમાં મંદવાડ વખતે કહી ગયા હતા ને કેમ પૂછો છો?’ ત્યારે પોતે હસ્યા ને ખૂબ આશીર્વાદ આપ્યા.

છપૈયામાં ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા વખતે પણ રોજ આકાશમાં દેવ દર્શન કરવા આવે, એ જોઈ હું કહું, ‘બાપા આ શું છે? ત્યારે પોતે મહારાજના પ્રતાપની વાતો કરે, પણ હું કાંઈ સાંભળું નહિ. પછી ઉતારે જઈને હરિભક્તોને પૂછું તો તે કહે જે, ‘બાપાશ્રી, મહારાજના પ્રતાપની વાતો કરતા હતાં.’ હું હાથ જોડી પ્રાર્થના કરું, ત્યારે કહે, તમારે તો મૂર્તિની જ વાતો કરવી, બીજું કાંઈ ન કરવું. તે દિવસથી હું તો મહારાજ તથા બાપાશ્રીના પ્રતાપની આવડે તેવી વાતો કરું છું,’ –એમ કહેતાં મૌન રહ્યા. ત્યારે બાપાશ્રીએ સ્વામીને કહ્યું કે, ‘આ ભોળા ભક્ત છે, જેમ મહારાજે મૂળજી બ્રહ્મચારીને બાઈઓની સભામાં ગ્રામકથા કરવાની ના પાડી આવવાનું કહ્યું, ત્યારે એ રામકથા સમજ્યા હતા, એવું આમનું છે.’ આવા ભોળા ને વિશ્વાસી ઉપર મહારાજ ઘણા રાજી થાય. આમને હેત ને મહિમા બહુ છે, તેથી જેમ કહીએ તેમ કરે, સંશય નહિ. બિચારા સાંભળે છે થોડું, પણ સૂતાં, જાગતાં, ઊઠતાં, બેસતાં ‘હે દયાળુ! હે દયાળુ!’ એમ બોલ્યા કરે છે. આમ બાપાશ્રી સ્વામી સાથે વાતો કરતા હતા, ત્યારે પોતે ચતુરભાઈને પૂછવા લાગ્યા જે, ‘બાપા શું કહે છે?’ ત્યારે તે કહે, ‘ તમારી વાતો કરે છે.’ ત્યાં તો વળી પોતે વચમાં બોલવા લાગ્યા જે, બાપા! તમે જાણો ને તમારું કામ જાણે. જે કહેવું હોય તે કહેજો, પણ અમારા ઉપર સદાય રાજી રહેજો. અમે તો આપના છીએ. મૂર્તિમાં રાખ્યા છે તેમ નવાં નવાં સુખ ભોગવાવજો ને મૂર્તિમાં થીજાડી મૂકજો. અમે ભૂલથી આડાઅવળા થઈએ, તોય આપના બાળક જાણી ઠેકાણે રાખજો. વાંકગુના સામું જોશો મા. મને બોંતેરની સાલમાં વૃષપુરમાં આપનાં દિવ્ય તેજોમય દર્શન થયાં હતાં, ત્યારથી હું તો સદાય આપને એવાને એવા જાણું છુ; આપે સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજીને આંગડી કાઢીને તેજોમય દર્શન દીધાં હતાં, પણ હું તો સૂતો હતો ને અર્ધી રાત્રે જાગ્યો, ત્યાં મંદિર બધું તેજોમય દેખાણું ને માંહી શ્રીજીમહારાજના અલૌકિક દર્શન થયાં. પછી તો થોડી વારે મહારાજ ભેળાં તમારાં દર્શન પણ થવા લાગ્યાં. એ વખતે તમારો ખરો મહિમા સમજાણો અને તે દિવસથી પૂરી ખબર પડી કે આપ તો આપ જ છો.’

‘મને પ્રથમ સ્વામી બાલકૃષ્ણદાસજીએ પોતાની વાત કરી હતી કે, મારા પાસે એક વાર બાપાશ્રીએ મહારાજના મહિમાની ઘણી વાતો કરી, ત્યારે મેં બાપાશ્રીને એમ કહ્યું જે, ‘વાતો તો બહુ ચમત્કારી કરો છો પણ એવું કાંઈ બતાવો તો ખબર પડે’! ત્યાં તો તુરત જ એક નવીન ચોસલું જાળિયારામાં ય નહિ ને મેસુબમાંય નહિ, એવું હાથમાં નાખ્યું,પણ એ ઊનું ફરફરતું હોવાથી હાથમાં ન ઝાલી શકતાં તાંસળામાં મૂકયું. ત્યારે બાપાશ્રી કહે, ‘જમી જાઓ, એટલે એ જમ્યા.પછી સૌને એ પ્રસાદી આપી, તે પ્રસાદી હુંય જમ્યો હતો.’

આ રીતે એ તો એક પછી એક મહિમાની ને દિવ્યભાવની વાતો કરતા હોવાથી સંત-હરિભક્તોને ઘણો આનંદ થતો હતો, પણ બાપાશ્રી કહે, ‘આ આમ ને આમ ક્યાં સુધી બોલ્યા કરશે?’ એમ કહી બંધ રાખવાનું કહ્યું, પછી સહુને થાળ કરાવવા સીધું –સામાન અપાવ્યો, તે લઈ સૌ ઉતારે જઈ રસોઈ કરી જમ્યા, પણ સામાન વધુ હોવાથી રાંધેલું ઘણું વધી પડ્યું, તે ઢાંકીને મોડેથી સહુ સભામાં આવ્યા, ત્યારે બાપાશ્રી કહે, કાંઈ વધ્યું હોય તો રાખજો, કાઢી ન નાખજો.’ ત્યારે સૌને એમ થયું જે, ‘બાપાશ્રીએ આમ કહ્યું તેનું શું કારણ હશે? ત્યાં તો થોડી વાર થઈ એટલે મનસુખભાઈના કાકા કસળચંદભાઈ આવ્યા, તે દંડવત્ કરી મળ્યા. ત્યારે બાપાશ્રી કહે, તમારા સારું રખાવ્યું છે, તે ઠાકોરજીને જમાડી લ્યો,’ એમ કહી તેમને જમાડવાનું કહ્યું, તેથી સૌ આશ્ચર્ય પામ્યા.’