૫૯૮ - ચમત્કારી બનાવ અને આશીર્વાદ
એક વખત દરિયાપુર-રૂપારીમાં રહેતા મિસ્ત્રી શંકરભાઈ તથા તેમના પુત્ર બહેચરભાઈ જેમને બાપાશ્રીનો અત્યંત મહિમા તથા દિવ્યભાવ હતો તેમણે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી મારફત પોતાને ઘેર બાપાશ્રીને થાળ જમાડવા પાર્થના કરી, ત્યારે બાપાશ્રી કહે, ‘બહેચરભાઈને તો રાજી કરવા જ પડેને !’ આમ પ્રસન્નતા જણાવવાથી બહેચરભાઈએ પોતાના પિતાશ્રીને ઘેર મોકલ્યા અને આઠદસ માણસ જમે તેટલો શીરો, પૂરી ને શાક વગેરે તૈયાર કરાવ્યું. શંકરભાઈ તો સાવ ભોળા ને વિશ્વાસુ તેથી તેમને ખબર નહિ જે, ‘બાપાશ્રી ભેળાં જેટલાં મનુષ્ય આવશે એ સૌને બાપાશ્રી સાથે જમવા બેસારવા પડશે.’
બાપાશ્રી તો સંધ્યાઆરતી પછી તેમને ઘેર શેઠ બળદેવભાઈ, વહેલાલવાળા ચતુરભાઈ તથા બીજા પચાસ જેટલા હરિભક્તોએ સહિત પધાર્યા. એ જોઈ શંકરભાઈ તથા બહેચરભાઈ વગેરેના હર્ષનો પાર રહ્યો નહિ અને સામા આવી દંડવત્ કરી મળ્યા. પછી ઘરમાં તેડી જઈ પાટ પર આસન પાથરી રાખેલ હતું તે પર બેસાર્યા ને હરિભક્તો સૌ હેઠે બેઠા. તે વખતે શંકરભાઈ તથા બહેચરભાઈએ ચંદન, કુંકુમ અને પુષ્પના હારથી બાપાશ્રીની પૂજા કરી, હરિભક્તોને પણ ચંદન ચર્ચી ચાંદલા કર્યા.
થોડી વારે શંકરભાઈએ બાપાશ્રીને મેડી પર જમવા પધારવા પ્રાર્થના કરી ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે !’ એમ કહી પોતે ઊભા થઈ સૌ હરિભક્તોને કહ્યું, ‘ચાલો, બહેચરભાઈને આજ રાજી કરવા છે.’ આમ બાપાશ્રીએ હરિભક્તોને જમવા માટે આમંત્રણ આપ્યું. એ જોઈ શંકરભાઈ તો મૂંઝવણમાં પડી જતાં નીચે જ બેસી રહ્યા. તેમને એમ જે, ‘આઠદસ માણસ જમે એટલી રસોઈમાં આ બધાયને શું પીરસાવવું !’ બાપાશ્રીએ તો ઉપર જઈ સહુને બેસારી દીધા ને પીરસવા કહ્યું. બહેચરભાઈ તો વિશ્વાસુ તથા જ્ઞાની, એટલે જાણ્યું જે, ‘બાપાશ્રી કહે છે એટલે વાંધો નહિ આવે.’ ત્યાં તો બાપાશ્રીએ પોતે જ ઊભા થઈ એ શીરા, પૂરી વગેરેમાં દ્રષ્ટિ કરી બોલ્યા જે, ‘માથે કાંઈક ઢાંકિ રાખવું. ઉઘાડાં વાસણ ન રાખવાં.’ આથી બહેચરભાઈ સમજી ગયા કે, ‘બાપાશ્રીએ આ મર્મ કર્યો લાગે છે.’ પછી આજ્ઞા પ્રમાણે વાસણ ઢંકાવી બાપાશ્રી તથા તમામ હરિભક્તોને બીજા વાસણમાં કાઢી કાઢીને પીરસાવતા આવે અને જ્યાં પાછા બીજી વખત લેવા જાય ત્યાં શીરો, પૂરી, શાક વગેરે એટલાં ને એટલાં દેખાય, તેથી પીરસનાર તથા જમનાર સહુ આશ્ચર્ય પામ્યા. શંકરભાઈ તો હેઠે બેઠા બેઠા સંકલ્પ કર્યા કરે ને કહે જે, ‘ભગવાને મારો વ્યવહાર ઠીક રાખ્યો છે. જો પેહલાંથી જ કહ્યું હોત તો હું બસો માણસની રસોઈ કરવત. પણ આ તો આબરૂ જાય તેવું થયું. હવે શું થશે !’ ત્યાં તો ઉપરથી બહેચરભાઈ વારે વારે તેમને બોલાવે જે, ‘બાપા ! માથે આવો, પંક્તિનાં દર્શન કરો.’ આ વચન તેમને ઠીક ન લાગે ને કહે જે, ‘મેં હેઠે સૌનાં દર્શન કર્યાં છે.’ એમ કહે, પણ ઉપર ન જાય. પછી ત્રણચાર વખત આગ્રહ કરતાં ઉપર જઈને જોયું તો સહુને જમતા દેખ્યા, તેથી એ વિચારમાં પડી ગયા. એ રીતે બાપાશ્રીએ તેમને ઘેર પ્રતાપ જણાવ્યો. પછી સહુ નીચે આવ્યા ત્યાં બીજા હરિભક્તો દર્શન કરવા આવેલા, તેમને પણ બાપાશ્રી કહે, ‘આ સૌને જમવા બેસારો.’ તેથી બીજી વાર પણ એવી જ પંક્તિ થઈ ને સહુને જમાડ્યા. આવું આશ્ચર્ય જોઈ બહેચરભાઈના પિતા શંકરભાઈએ જાણ્યું જે, ‘સદગુરૂ સ્વામી ઈશ્વરચરણદાસજી બાપાશ્રીનાં બહુ વખાણ કરે છે ને કહે છે કે, એ તો મહા સમર્થ પુરુષ છે તે વાત સાચી. એ વખતે બાપાશ્રી પાટ પર બેસી હરિભક્તોને મહારાજના મહિમાની વાતો કરતાં મર્મમાં એટલું બોલ્યા જે, ‘આવી દિવ્ય અલૌકિક સભામાં કોઈને મહિમા વિના ઉદ્વેગ થયો હશે, પણ મહારાજના મુક્ત તો ધારે તેમ કરે. એમના પ્રતાપને ન જાણે ત્યાં સુધી એમ થાય.’ આ વાત સાંભળી તેમણે મનમાં પશ્ચાતાપ કર્યો જે, ‘મેં આવા મોટા મુક્તની મોટપ તથા સામર્થી ન જાણી તોપણ તેમની દયા કેટલી છે !’
પછી પોતાને બહેચરભાઈને ઘેર પુત્રની તાણ રેહતી હોવાથી એવો સંકલ્પ કર્યો જે, ‘આવા મોટા પ્રતાપી પુરુષ મારા દીકરા બહેચરને ઘેર પુત્રનું પારણું બંધાય એવી દયા કરે તો ઠીક.’ એ વખતે બહેચરભાઈને વળી એવો સંકલ્પ થયો જે, ‘મોડું થયું છે તેથી આજ રાતે બાપાશ્રી અહીં સૂવે તો બહુ જ આનંદ આવે.’
આ રીતે બેયના સંકલ્પ જાણ્યા હોય તેમ પ્રથમ તો શેઠ બળદેવભાઈની મોટર બાપાશ્રીને તેડી જવા માટે આવવાની હતી તે માર્ગમાં જ ખોટકાઈ પડતાં રાત્રે અગિયાર વાગ્યા પછી આવી, ત્યાં સુધી બાપાશ્રી તે પાટ પર બેઠા હતા ત્યાં જ થોડી વાર સૂતા. તે જયારે મોટર આવી ત્યારે જવા તૈયાર થયા. આ વખતે શંકરભાઈનું હૃદય હેતથી ઊભરાઈ જતાં તે કાંઈ બોલી ન શક્યા, પણ ચરણમાં માથું મૂક્યું. ત્યાં તો બાપાશ્રી કહે, ‘ડોસા ! તમે શું સંકલ્પ કરો છો ?’ આ વચનથી તેમને એમ થયું જે, ‘બાપાશ્રીએ મારા અંતરની વાત જાણી લીધી.’ પછી પોતાને બહેચરભાઈને ત્યાં પુત્ર થવાનો સંકલ્પ હતો તે પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રી કહે, ‘મહારાજ તમારો સંકલ્પ પૂરો કરશે. એ મૂર્તિને ખૂબ સંભારજો.’ એમ આશીર્વાદ આપ્યો, પછી ઊઠ્યા ત્યારે બહેચરભાઈના ખંભે હાથ મૂકી બહુ જ પ્રસન્નતા જણાવી કહ્યું જે, ‘હું અહીં આવીશ હો!’ એમ કહી પોતે સરસપુર પધાર્યા, પણ બહેચરભાઈને તો બાપાશ્રી પધાર્યા તોય જાણે ઘરમાં આવીને પોતે સૂતા છે એવું જણાવા લાગ્યું.
હવે બાપાશ્રી પધાર્યા પછી પણ શીરો-પૂરી એમ ને એમ વધેલાં પડ્યાં હતાં, તેથી બહેચરભાઈએ વહેલા ઊઠી તેમાંથી પોતાનાં સગાંસંબંધી તથા આસપાસમાં રહેનારાં બધાં ઘરોમાં થોડી થોડી પ્રસાદી પહોંચાડી. આ પ્રકારે તેમને ઘેર બાપાશ્રીએ અદભુત પ્રતાપ જણાવ્યો.
આવી રીતે બાપાશ્રી ગુજરાતમાં રહ્યા ત્યાં સુધી કાંઈ ને કાંઈ ચમત્કાર જણાવતા તથા સભા પ્રસંગે મહારાજના અલૌકિક પ્રતાપની વાતો કરતા, સંત-હરિભક્તોને સુખિયા કરતા હતા. પછી વળી ગામડેથી હરિભક્તો આવીને પોતપોતાને ગામ તેડી જવા પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે ત્યાં પણ સંતોની સાથે જઈ સહુને દર્શનદાને રાજી કરી પાછા સરસપુર પધારતા.
થોડા વખતે મોટા પુત્ર કાનજીભાઈ તથા પૌત્ર રામજીની આંખે જ્યારે પૂરતો આરામ આવી ગયો ત્યારે ઝાલાવાડના હરિભક્તોએ આવી બાપાશ્રીને તેડી જવા ઘણો આગ્રહ કર્યો. ત્યારે બાપાશ્રી કહે, ‘આ ફેરે અમે અહીં ઘણું રહ્યા, તેથી હવે કચ્છમાં જવું જોશે.’ પણ હરિભક્તોએ તો બહુ જ પ્રાર્થના કરવા માંડી, તેથી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, ‘બાપા ! અહીં ગુજરાત, નળકંઠો, ચરોતર વગેરે દેશના હરિભક્તો રાજી થયા છે તેમ આ હરિભક્તોને પણ રાજી કરો તો સારું.’ વળી દીવાન ઝવેરભાઈએ આપને લીંબડી પધારવા આમંત્રણ કર્યું છે, તેથી એ સૌને પણ રાજી કરો.’ આ રીતે એ હરિભક્તોની પ્રાર્થનાને પુષ્ટિ મળતાં બાપાશ્રીએ હા પાડી, તેથી ડૉ. નાગરદાસભાઈના આગ્રહથી સંતોએ સહિત પ્રથમ વિરમગામ ગયા. ત્યાં હરિભક્તોએ બહુ જ હેત જણાવી બાપાશ્રી તથા સંતોને થોડા દિવસ રાખી રાજી કર્યા. ત્યાં વઢવાણવાળા ડૉ. મણિલાલભાઈએ આવી બહુ જ પ્રાર્થના કરવાથી બાપાશ્રી સંતોએ સહિત વઢવાણ પધારી ત્યાંના હરિભક્તોને રાજી કરી ત્યાંથી ગામ ધ્રાંગધ્રે પધાર્યા.