૪૬ - રામકૃષ્ણભાઈનું નિર્માનીપણું

0:000:00

એક વખત માંડવીમાં અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈનો જોગ-સમાગમ કરવા ભૂજ, અમદાવાદ, મૂળી વગેરેના ચાળીશ જેટલા સંતો આવેલા હતા. તેમની સાથે અનાદિ મુક્તરાજ ભાઈશ્રી તથા નારાયણપુરવાળા જાદવજીભાઈ આદિ દસ-બાર હરિભક્તો પણ હતા. માંડવીનું મંદિર સાંકડું ને આ મુક્તોનો સમૂહ મોટો, તેમ ગામના નાનામોટા હરિભક્તો મહિમાવાળા, તેથી સભામંડપમાં હરિભક્તોની ભીડથી આવવાજવા જેટલી જગ્યા પણ રહેતી નહિ. સવારે-બપોરે સંતો અથવા અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ તથા ભાઈશ્રી વગેરે શહેરમાં જતાંવળતાં જોઈને ત્યાં રહેતા રામકૃષ્ણભાઈ નામના એક વિદ્વાન બ્રાહ્મણને મૂંઝવણ થતી, કેમ કે મુક્તરાજ લક્ષ્મીરામભાઈ ઘણી વાર વૃષપુર, રામપુર, નારાયણપુર, ભૂજ વગેરે ગામોમાં જતાં ત્યારે આ રામકૃષ્ણભાઈ તેમને કહેતા કે, ‘ભાઈ! તમે આવા વિદ્વાન થઈને ઘડી ઘડી ગામડાઓમાં જઈ કણબી ભેળા બેસો-ઊઠો છો, તે એમને તમારું જ્ઞાન શું કામમાં આવવાનું હતું? નકામી તમારે માથાકૂટ થશે ને એના બાજરા, ઘઉં વાડીઓમાં વાવ્યાં હશે તે ત્યાં જ બળી જશે, તો એનાં છોકરાંઓને રોટલામાં વાંધો આવશે.’ એવાં વચન સાંભળી તેમને લક્ષ્મીરામભાઈ એમ કહેતા કે, ‘તમે વિદ્વાન અને ડાહ્યા બહુ છો પણ તમારું ડહાપણ અને વિદ્વાનપણું અહીં કામ આવે તેવું નથી. હું તો એમનો જોગ-સમાગમ કરવા જાઉં છું.’ એવાં વચન સાંભળી તેમને ઘણી વાર ધોખો થતો ને કેટલીક વાર તો એમ પણ બોલી જતા કે, ‘મને તો આ તમારું એક જાતનું ગાંડપણ લાગે છે.’ એ વખતે પણ લક્ષ્મીરામભાઈ એટલું કેહતા કે, ‘ભાઈ! આ વાતમાં તમારી નજર ન પહોંચે.’ આવી રીતે તેમને પ્રથમથી જ અરુચિ જેવું હતું, પણ આ વખતે તો લક્ષ્મીરામભાઈએ તેમને કહ્યું કે, ‘વખતોવખત તમે મને ભલામણ કરો છો, પણ હમણાં કેટલાક સંતો તથા કણબીમાં મોટા મુક્ત અબજીભાઈ કહેવાય છે, તે હરિભક્તો સાથે અહીં આવેલા છે, માટે તમારે જોગ-સમાગમનો લાભ લેવો હોય તો મંદિરમાં આવતા જજો.’ આ વાત સાંભળી તેમને એમ થયું જે, ‘હું જાઉં તો ખરો, કે આ બધા કેવી વાતો કરે છે!’ પછી બીજે દિવસ સવારમાં નિત્યનિયમ કરી એ મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી મેડા ઉપર સભા હતી ત્યાં આવ્યા. ત્યાં તો મોટા મોટા સંતો ને સામે અનાદિ મુક્તરાજ ભાઈશ્રી ધ્યાનસ્થ બેઠેલા, તેમ અડખેપડખે ચારે તરફ નાનામોટા ઘણા હરિભક્તોની ભીડ હતી; ત્યાં આવી સહુને પગે લાગી બેઠા. આ વખતે સંતો તથા લક્ષ્મીરામભાઈ, શ્રીજીમહારાજનો મનુષ્યભાવ ને દિવ્યભાવ કેમ જાણવો તથા અન્વયવ્યતિરેક સ્વરૂપ કેવી રીતે સમજવું, એ પ્રસંગની પરસ્પર વાતો કરતા હતા. એ વાતો ઘણી વાર સાંભળી રહ્યા પછી તેમણે લક્ષ્મીરામભાઈને પ્રશ્ન પૂછ્યો જે, ‘આ સંતો બહારગામથી આવેલા છે, તે તો શાસ્ત્રની વાતોમાં અથવા ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરવામાં સમજે, પણ આ બધા કણબી બેઠા છે, તે શાસ્ત્રની વાતમાં શું સમજતા હશે?’ લક્ષ્મીરામભાઈ તો આ પ્રશ્ન સાંભળી રહ્યા, પણ કાંઈ ઉત્તર આપ્યો નહિ ને એમ બોલ્યા જે, ‘કણબીની વાતનો કણબી ઉત્તર આપે તો ઠીક.’ ત્યારે જાદવજીભાઈએ કહ્યું, ‘ભાઈ! આ તો આપણા ઉપર ઉત્તર કરવાનું આવ્યું.’ સંતોએ પણ એ જ રીતે કહ્યું. પછી ભાઈશ્રી સભા સામું જોઈને બોલ્યા જે, ‘સંતો ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરવા આવ્યા છે, તે શાસ્ત્રની વાતોથી નિર્ણય કરે છે. આ લક્ષ્મીરામભાઈ પણ એ જ રીતની વાતો કરે છે. તોપણ કોઈ વાત શાસ્ત્રમાંથી એમને હાથ નહિ આવે, ત્યારે આ કણબી તેમને ખોળી દેશે. આ સભા અલૌકિક-દિવ્ય છે.’ આવાં વચનો સાંભળતાં જ એ આશ્ચર્ય પામી ગયા, ને તેમને એમ થયું જે, ‘લક્ષ્મીરામભાઈ આમના ભેળા બેસે ઊઠે છે તે સમજીને જ કરે છે.’ પછી તો આ મુક્તો સાત દિવસ સુધી માંડવીમાં રહ્યા ત્યાં સુધી રોજ સવાર-સાંજ એ સભામાં આવવા લાગ્યા. કથાવાર્તામાં પ્રશ્ન-ઉત્તરો થતા. પોતે પણ કાંઈક પૂછે ને ઉત્તર કરાવે તથા સભામાં જે જે વાતો થાય તેનું મનન કરે. ક્યારેક પોતે ફૂલના હાર લાવી સંતોને તથા ભાઈશ્રીને પહેરાવે; એમ કરતાં સંતોએ ત્યાંથી વૃષપુર જવાનું કર્યું. તે દિવસ બહારના ભાગમાં શિવના વંડા પાસે ગાડાં ઊભાં રાખ્યાં હતાં, ત્યાં સહુ આવ્યા. સાથે ગામના હરિભક્તો ઘણા વળાવવા આવ્યા હતા, તે પોતાના ભેળી મોદ લાવેલા તે પાથરી અને ત્યાં થોડી વાર સભા કરી. એ ટાણે સંતોએ સૌને મહારાજના મહિમાની વાતો કરી રાજી કર્યા. પછી ચંદનપુષ્પથી પરસ્પર પૂજા કરી મળ્યા. એ વખતે આ રામકૃષ્ણભાઈ શ્વાસભર્યા દંડવત્ કરવા લાગ્યા, અને ગદગદ કંઠે પ્રાર્થના કરતા ભાઈશ્રીના ચરણમાં માથું મૂકી પોતાના પર રાજી રહેવા કહ્યું. પછી હાથ જોડી બોલ્યા જે, ‘તમને મહારાજે જીવોના ઉદ્ધાર કરવા મોકલ્યા છે, -એવી મને આ ફેરે તમારી ઓળખાણ પડી. હવે મારી એટલી અરજ છે કે, દયા કરી મારું આ જન્મે જ પૂરું કરજો. કદાચ મહારાજ મને જન્મ ધરાવવાનું કહે, તોપણ તમારી જ્ઞાતિમાં જન્મ ધરાવજો જેથી તમારા જોગ-સમાગમે વહેલું પૂરું થાય. મેં આજ સુધી લક્ષ્મીરામભાઈનો બહુ અપરાધ કર્યો છે કેમ કે તેમને હું ઘણી વાર એમ કેહતો કે, તમે વિદ્વાન થયા પણ કાંઈ સમજતા નથી, કણબી ભેળા ફરો છો, તે તમારું ડહાપણ બધું ક્યાં ગયું? કેટલીક વાર તો એમના સામો હું વાદવિવાદ કરતો ને એમના વચનને ઉથલાવી નાખતો. પણ આ સંતોની વાતોથી તમારી ને એમની મોટપ બહુ જબરી છે, એવી મને આ વખતે ખબર પડી, માટે તમે બેય મારા પર રાજી થાઓ.’ આવાં વિનયવચનથી ભાઈશ્રી તેમના પર અતિ રાજીપો જણાવતા ઊભા થઈ મળ્યા, ને માથા પર હાથ મૂક્યા તથા કંઠમાં પહેરેલો ફૂલનો હાર ઉતારી તેમને પહેરાવ્યો. પછી તેમણે લક્ષ્મીરામભાઈ પોતાના ઉપર રાજી થાય એવી પણ પ્રાર્થના કરી કહ્યું કે, ‘હવે હું એમનાં વચન પ્રમાણે બરાબર વર્તીશ.’ આ સાંભળી અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈએ પણ તેમના પર બહુ પ્રસન્નતા જણાવી મહિમાનાં વચનો કહ્યાં. પછી સહુ ગાડે બેસી ચાલ્યા.

આવી રીતે આ મુક્તમંડળ સાત દિવસ સુધી માંડવીમાં રહી વૃષપુર, નારાયણપુર, રામપુર, દહીંસરા આદિ ગામોમાં હરિભક્તોને મહારાજના મહિમાની વાતો કરી રાજી કરતા, થોડા દિવસ કચ્છમાં રહી પછી દેશમાં ગયા, અને ભૂજના સંતો ભૂજ ગયા.