૬૨૬ - વચનામૃતની પારાયણ

0:000:00

ત્રીજને દિવસ બાપાશ્રીને પ્રસન્ન કરવા શેઠ હીરાભાઈ, સાંવલદાસભાઈ અને હરિભાઈ પ્રાગજીએ મળી, ‘રહસ્યાર્થપ્રદીપિકા ટીકાવાળાં વચનામૃત’ની પારાયણ બેસારવાનું આગલી રાત્રે નક્કી કર્યું હતું. આ ગ્રંથમાં સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સદ્‍ગુરુ તથા પુરાણી સ્વામી ધર્મકિશોરદાસજી, સ્વામી ભગવતસ્વરૂપદાસજી આદિ કેટલાય સંતો અને હરિભક્તોએ પ્રસંગે પ્રસંગે પ્રશ્નો પૂછેલા, તેના ઉત્તર બાપાશ્રીએ કરેલ, તેમ જ સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ દરેક વચનામૃતના ખાસ જાણવા જેવા અભિપ્રાયો પૂછી પૂછીને લગભગ દસબાર વર્ષ સુધી બધો સંગ્રહ ભેળો કરી રાખેલ તે સવંત ૧૯૮૨ ની સાલમાં શેઠ બળદેવભાઈ પાસેથી શ્રી ‘રહસ્યાર્થપ્રદીપિકા ટીકાવાળાં વચનામૃત’ના નામથી પ્રસિદ્ધ કરાવેલ. આ ગ્રંથમાં શ્રીજીમહારાજની દિવ્ય વાણીરૂપ અમૃતવચનો સાથે તેમના અભિપ્રાયોને સમજાવવાની રીત કેવી છે? તો જેમ મહાભારતના યુદ્ધ વખતે ઉતાવળથી અપાયેલા જ્ઞાન ‘ગીતા’ રૂપે વ્યાસજીએ બહાર પાડ્યું હતું અને તે જ્ઞાનનું સ્પષ્ટીકરણ કરી શંકરાચાર્ય આદિ મોટા પુરુષોએ તે ઉપર ટીકાઓ તથા ભાષ્યો કર્યા. તેવી રીતે શ્રીજીમહારાજે પોતાનું તત્વજ્ઞાન સંત-હરિભક્તોને વાતોના પ્રસંગમાં જે જે વખતે કહેલું તે બધાનો સંગ્રહ અનાદિ મુક્તરાજ ગોપાળાનંદ સ્વામી આદિ પાંચ સદ્‍ગુરુઓએ કરી રાખેલ તે એકત્ર કરી ‘વચનામૃત’ નામે ગ્રંથ પ્રસિદ્ધ થયો, પણ જેમ શ્રીહરિની દિવ્યવાણીરૂપ શિક્ષાપત્રી આદિ ગ્રંથો પર ભાષ્ય થયાં છે તેમ આ મહાન તત્વજ્ઞાનરૂપ ‘વચનામૃત’ ગ્રંથ પર ભાષ્ય થયેલ નહિ, તેથી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ ‘રહસ્યાર્થપ્રદીપિકા ટીકા’ રૂપ ભાષ્યનો ગ્રંથ મૂળ વચનામૃતો સાથે છપાવી સત્સંગને અર્પણ કર્યો. આ ગ્રંથમાં વચનામૃતોનાં જ પ્રમાણો તેમ જ વિગત, પ્રશ્નો વગેરેની ગૂંથણી અને સ્પષ્ટીકરણ જોતાં તેને વચનામૃતનું ભાષ્ય કહી જ શકાય. વળી જેમ ‘વચનામૃત ગ્રંથ’ શ્રીહરિના સમયમાં જ પ્રસિદ્ધ થતાં મહાપ્રભુએ સદ્‍ગુરુઓને પોતાના રાજીપારૂપ દિવ્ય મોજ આપી હતી, તે રીતે આ ‘રહસ્યાર્થપ્રદીપિકા ટીકાવાળાં વચનામૃત ગ્રંથ’ને બાપાશ્રીના સમયમાં જ સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ છપાવી આ અનાદિ મુક્તરાજ પાસેથી એવી જ દિવ્ય મોજ મેળવી હતી; તેમ જ બાપાશ્રી પણ ઘણી વાર સભાપ્રસંગે આ ગ્રંથ નો મહિમા વર્ણન કરતા. એ બધું કરાંચીના હરિભક્તોની જાણમાં હોવાથી ઘરે બેઠાં ઉત્તમ અવસર આવ્યો જાણી આ સર્વોપરી ગ્રંથની પારાયણ કરાવાનો ઠરાવ કરેલ હતો.

આ પારાયણના વક્તા થવા સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને પ્રાર્થના કરેલ, તે તેમણે કબૂલ રાખતાં સહુ અત્યંત આનંદ પામતા હતા. હરિભક્તોને એમ જે, ‘સવાર-સાંજ સભામંડપમાં ઊંચાં આસન પર બન્ને સદ્‍ગુરુઓ બેસી વચનામૃત વાંચે અને સંત-હરિભક્તોની ભીડ મધ્યે બાપાશ્રી શ્રોતા થઈ સાંભળતા હોય એવી પારાયણનો લહાવ આપણને ક્યાંથી મળે!’

હવે ત્રીજના દિવસે સવારમાં પારાયણનો પ્રારંભ થયો, તે વખતે મંડપમાં બેય સદ્‍ગુરુઓ આવી બેઠા ને પૂજાવિધિ ચાલતો હતો ત્યાં હીરાભાઈ તથા હરિભાઈએ બાપાશ્રીના હાથે મહારાજ તથા સંતોની પૂજા કરાવી આરતી ઊતરાવી એટલે બ્રહ્મયજ્ઞ ચાલતો થયો; પછી હરિભક્તો પણ દર્શન કરતા અને ચંદન-પુષ્પહારથી પૂજા કરી કથા સાંભળતા આનંદ પામવા લાગ્યાં. દરેક વચનામૃત પૂરાં થયે ‘જય’ બોલાતી, તેમ કોઈ વાત સમજાવવા જેવી લાગે તો વચમાં સદ્‍ગુરુઓ સમજાવતા; પછી સમાપ્તિ થઈ ત્યારે સહુ કીર્તન બોલ્યા તથા પ્રસાદી વહેંચાણી. એ વખતે બાપાશ્રીએ ઘણી વાર સભામાં વાતો કરી હરિભક્તો ને રાજી કર્યા, પછી સમય થતાં સહુએ ઠાકોરજીને જમાડ્યા.

બપોરે મંદિરના બગીચામાં બાપાશ્રી નાહતા હતા ત્યારે પાસે ઊભેલા હરિભક્તોને સંતોના મહિમાની વાત કરતાં બોલ્યા જે, ‘મહારાજ તથા મોટા અહીં બિરાજે છે. માટે આ સ્થાન અક્ષરધામ તુલ્ય બની ગયું છે.’ પછી સાંજે તથા રાત્રે પણ બહુ જ ચમત્કારી વાતો કરી. આવી રીતે દરરોજ કથાવાર્તા થાય અને સૌ જમે-રમે. બાપાશ્રી પણ સહજ સ્વભાવે મહારાજના મહિમાની વાતો કર્યા જ કરે. સવારે નિત્યવિધિ કરી પૂજા કરે ત્યારે પણ રોજ નવીન દર્શન થતાં હરિભક્તો ઊભરાય અને ચંદન-પુષ્પથી પૂજાઓ થાય, એ વખતે બાપાશ્રી સહુને પ્રસાદી આપે, મળે, ક્યારેક વાતો કરે, સમય થાય ત્યારે ઠાકોરજીનાં દર્શન કરી સભામાં પધારે, ત્યાં કથા વંચાય. વચમાં સંત-હરિભક્તો કાંઈ પ્રશ્ન પૂછે તો બાપાશ્રી તે પ્રસંગે બહુ જ વાતો કરે. આથી સહુ હર્ષભર્યા મહારાજને સંભારી પોતાનાં અહોભાગ્ય માનતા હતા.

ચોથને દિવસ સવારે નિત્યવિધિ કરી, બાપાશ્રી સંત-હરિભક્તોને મળ્યા પછી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, ‘ સ્વામી! આ મળવું બહુ મોંઘું છે. આ તો અક્ષરધામમાં અનંત મુક્તે સહિત શ્રીજીમહારાજની પૂજાઓ થાય છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ-એવી આ દિવ્ય-અલૌકિક સભા છે. આ સભાનો વાયરો જેને અડે તેનાં અનંત જન્મનાં પાપ બળી જાય છે. આ તો બહુ જબરી પ્રાપ્તિ થઈ છે. આવા મહારાજ, આવા તેમના અનાદિ મુક્ત અને આવી દિવ્ય સભા તથા આવી વાતો સંભારજો, પણ ભૂલશો નહિ. આ બધું દિવ્ય છે, તે જો અંતસમયે સાંભરી આવે તો નિશ્ચય આત્યંતિક કલ્યાણ થાય.’ એમ કહી વાતો કરવા લાગ્યા. પછી તો પ્રસંગે પ્રસંગે પોતે બહુ જ વાતો કરતા.

બીજે દિવસે સવારમાં બાપાશ્રીએ વહેલા નાહી પૂજા કરી, સંત-હરિભક્તોને લીલી દ્રાક્ષ વહેંચી. એ ટાણે લાલુભાઈ સાથે સિંધી ભાષામાં ‘આ પ્રસાદી અક્ષરધામની છે’ એમ જણાવી મહિમાની વાતો કરી પોતે સભામાં પધાર્યા, તે દિવસ કથાની સમાપ્તિ થયા પછી નારાયણપુરવાળા ધનજીભાઈની પ્રાર્થનાથી સહુ પર રંગ-ગુલાલ નાખી કચ્છમાં જેમ રંગપાંચમ કહેવાય છે તેમ અહીં પણ રંગપાંચમ સ્મૃતિરૂપ કરી, ગરબીમાં કીર્તન બોલાવી સૌને પ્રસાદી વહેંચી રાજી કર્યા. પછી આસને આવી સંતોને મળ્યા અને આશીર્વાદ આપી બોલ્યા જે, ‘સૌ શ્રીજીમહારાજની મૂર્તિમાં આમ ને આમ સુખ ભોગવજો. આ ટાણે મહારાજ ને મુક્ત કૃપાસાધ્ય છે, તેથી જેવાં માગે ને ઇચ્છે તેવાં સુખ મળે છે.’ એમ કહી ધનજીભાઈ તથા તેમના કુટુંબ પર પ્રસન્નતા જણાવી હરિભક્તો પાસે તેમની પ્રશંસા કરી. પછી તો સવારે, બપોરે, સાંજે ને રાત્રે બાપાશ્રી મહારાજના અલૌકિક પ્રતાપની બહુ વાતો કરતા, તેથી હરિભક્તો આનંદમાં ગરકાવ બની જતા. જે દિવસ કથાની સમાપ્તિ થવાની હતી તે દિવસ પણ સવારે ઘણી વાર પોતે સભામાં વાતો કરી, તે વખતે હરિભાઈએ કહ્યું જે, ‘બાપા! મહારાજના સર્વોપરી વચનામૃત સાથે રહસ્યાર્થપ્રદીપિકાટીકાની આપે ઘણી મહેનત કરી સત્સંગ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.’ ત્યારે બાપાશ્રી કહે. ‘એ બધી શ્રીજીમહારાજની દયા છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. કર્તા મહારાજને રાખીએ તો બધુંય સમજાણું.’ પછી પારાયણની સમાપ્તિ થઈ ત્યારે ઠાકોરજીને ભેટ કરવા હરિભાઈ તથા હીરાભાઈએ છાબો ભરાવી સદ્‍ગુરુઓ તથા સંતોની પૂજા કરી. એ વખતે બાપાશ્રીને વચનામૃતરહસ્યાર્થ પ્રદીપિકાટીકાના કર્તા જાણી, બન્ને સદ્‍ગુરુઓએ પ્રાર્થના કરી પાટ પર બેસારી ચંદન-પુષ્પથી પૂજા કરી; પછી તો સહુ હરિભક્તો પણ બાપાશ્રી તથા સંતોની પૂજા કરી રાજી થયા. એ વખતે હીરાભાઈ, સાંવલદાસભાઈ, હરિલાલ, કુંદન આદિ સહુ આરતી ઉતારી ‘જય’ બોલ્યા પછી બાપાશ્રીને પાઘડી બંધાવી તથા સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં. એવી રીતે હરિભક્તોએ પણ સંતોને વસ્ત્રો ઓઢાડી રાજી કર્યા. એ ટાણે મંદિર હરિભક્તોથી ઊંભરાતું હતું ને મંદિર બહાર ચોઘડિયાં વાગતાં હતાં, તે વખતે બાપાશ્રી પાટ પર ધ્યાને યુક્ત બેઠેલા ને ભાલમાં ચંદન-કુંકુમનો થથેડો તથા કંઠમાં ફૂલહારનો ભરાવો એવો જ હતો. આ રીતે પૂજાવિધિ થઈ રહ્યા પછી બાપાશ્રીએ આસને આવી હીરાભાઈ, સાંવલદાસભાઈ તથા હરિભાઈ ઉપર ઘણી પ્રસન્નતા જણાવી; પછી પોતે ઠાકોરજીને જમાડવા પધાર્યા.

બાપાશ્રી જ્યારે જમીને મંદિરમાં આવવા તૈયાર થયા ત્યારે એક જેઠીબાઈ નામનાં બાઈને વળગાડ હતો તે બાઈએ બાપાશ્રીને જોતાં જ ધૂણવા માંડ્યું. તેથી તેમની પાસે બાઈઓ ઊભેલાં તેને ધૂન્ય કરવા કહ્યું. પછી બાપાશ્રીએ પૂછતાં કોઈ બાઈનું નામ લઈને કહ્યું જે, ‘ મને દોઢ દિવસના કામના પૈસા આપેલ નથી તે સારુ આને હું વળગી છું.’ પછી બાપાશ્રીએ જળ મગાવી તે બાઈને છાંટ્યું ને કહ્યું જે ‘જા બદરિકાશ્રમમાં.’ એ જ વખતે તે બાઈના શરીરમાંથી તે નીકળી ગઈ. આથી તે બાઈએ નાળિયેર તથા સાકર મગાવી બાપાશ્રી આગળ મૂકી પ્રાર્થના કરી, ત્યારે તેમાંથી સાકર મહારાજને જમાડી તેને પાછી આપી દરરોજ એક એક ગાંગડો જમવાનું કહી, શ્રીજીમહારાજનો દૃઢ આશ્રય રાખવાની ભલામણ કરી, તેવી જ રીતે ઊભેલાં બાઈઓને પણ આજ્ઞામાં ખબડદાર રહેવાનું કહ્યું. પછી આસને આવ્યા ત્યારે સંતોને પણ એ વાત કરી.

આ રીતે ઐશ્વર્ય-પ્રતાપ જણાવતા અને મહારાજના પરભાવની વાતો કરતા, બાપાશ્રી તથા સંતોએ હરિભક્તોને ઘણા રાજી કર્યા. પછી તો વારાફરતી સહુ પોતાને ઘેર તેડી જાય, કોઈ દુકાને લઈ જાય, ત્યાં ચંદન-પુષ્પોથી પૂજાઓ કરે, સંતોને વસ્ત્રો ઓઢાડે, બાપાશ્રીને હાથ જોડે, બાળકોને લાવી વર્તમાન ધરાવે. એમ સહુ મહિમા જાણી આનંદ પામતા હતા.