૪૨૭ - સેવક પર રાજી થયા

0:000:00

બાપાશ્રીના આ મંદવાડમાં ભૂજના સોની મોતીભાઈએ સેવા ઘણી કરેલી તેથી તેમના પર પણ બાપાશ્રી વારે વારે રાજીપો જણાવી બોલાવતા, મળતા, ઘર સંબંધી કે બીજી કાંઈ વ્યાવહારિક વાત પૂછતા. દેશપરદેશથી પ્રાર્થનાઓના કાગળો આવે તેના ઉત્તર પણ તેમના પાસે લખાવતા. એક વખત ભૂજથી એમના પિતાશ્રી નાનજીભાઈ દર્શન કરવા આવ્યા ત્યારે તેમની પાસે બાપાશ્રીએ મોતીભાઈની બહુ પ્રશંસા કરી કહ્યું જે, ‘ આને મારા સાથે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, તેથી એને ખબર પડે કે મારે શરીરે ઠીક નથી, એટલે એ કામકાજ મૂકીને અહીં આવીને બેસે. એ ભૂજમાં હોય ને હું જરાક સમાચાર મોકલું ત્યાં તો જાણે આવીને ઊભા જ છે. વ્યવહારમાં પણ ઠીક નજર પડે છે.’ આવાં વચન સાંભળી તેમના પિતાશ્રી બહુ રાજી થયા ને કહ્યું જે, ‘બાપા! આપની દયાનો પાર નથી, અમને આપે પોતાના જાણ્યા તે કાંઈ સાધારણ વાત ન કહેવાય. આ સેવા મળે ક્યાંથી? આ તો અનંત જન્મનાં સુકૃત્ય ઉદય થાય કાં મોટા રાજી થાય ત્યારે મળે.’ આ રીતે તેમનાં વિનયભરેલાં વચનોથી પ્રસન્ન થઈ બાપાશ્રીએ તેમના માથે હાથ મૂક્યા.