૩૪૨ - પુરુષોત્તમપ્રિયદાસજીને દિવ્ય દર્શન

0:000:00

આ રીતે બાપાશ્રી મનુષ્યભાવ સાથે દિવ્યભાવ જણાવતા ને કથાવાર્તા પ્રસંગે અલૌકિક વાતોથી સૌને સુખિયા કરતા. એક દિવસ સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, ‘હવે તમારે દેશમાં જવાનું ક્યારે કરવું છે? જો પંદર દિવસ રોકાઈ શકો તો ભલે; નહિ તો કાલે સવારે જવાનું કરો.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘ધર્માદાનો વખત થઈ ગયો છે, તેથી એટલું તો નહિ ખમાય. ‘ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે, કાલે જવાનું કરો, નહિ તો એક સાધુ પંદર દિવસ સુધી તમને રોકી રાખશે.’ આવા વચનથી સ્વામીશ્રી આદિ સંતો બીજે દિવસ ઠાકોરજીને જમાડી બાપાશ્રીની ચંદન-પુષ્પથી પૂજા કરી આશીર્વાદ લઈ ચાલ્યા. તે રાત્રે ભૂજ ગયા ત્યાં જ તેમની ભેળા પુરુષોત્તમપ્રિયદાસજી નામના સાધુ હતા, તેમને બહુ જ તાવ આવ્યો, તે કાંઈ જમાણુ નહિ; પછી ગાડીઓ ભાડે કરી ખારીરોડ ગયા, ત્યાં તો તેમને કાંઈ શુદ્ધ કે શાન નહિ. પછી વહાણમાં બેઠા ત્યાં તોફાન થવા માંડ્યું, ત્યારે પાટડીનું મંદિર કરવા ત્રણ હરિભક્તો જતા હતા તે સાથે હોવાથી બીવા લાગ્યા, તે જોઈ સ્વામીશ્રીએ તેમને હિંમત આપી. પછી નવલખી આવ્યું, ત્યાં સહુ ઊતર્યા ને માસ્તર કૃપાશંકરભાઈ ખાટલો લાવ્યા, તેમાં સુવારીને એક મકાનમાં સહુને રાખ્યા.

પછી સવારે રેલે બેસી મોરબી ગયા. ત્યાં ગોવિંદભાઈને માંદા સાધુની ખબર પડવાથી ઠાકોરસાહેબનો બંગલો ઊઘડાવી તેમાં સૌને ઉતાર્યા; ત્યાં એ સાધુ શુદ્ધિમાં આવ્યા ને બાપાશ્રીનાં દર્શન થવા માંડ્યાં, એટલે બેઠા થઈ હાથ જોડતા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને કહેવા લાગ્યા જે, ‘બાપા આવ્યા છે!’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘પૂછો, બાપા શું કહે છે?’ ત્યારે કહે, ‘બાપાશ્રી એમ કહે છે કે, તમને દેહની વિસ્મૃતિ એટલા માટે કરાવી હતી કે, તમે કાંઈક માગો તે સંતો દરિયામાં ક્યાંથી લાવે! તેમ ટાઢ કે ભૂખ-તરસ લાગે તોય ત્યાં શું થાય?’ –એમ વાત કરતા હતા. ત્યાં બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા ને એ સાધુ શુદ્ધિમાં આવ્યા હોવાથી થાળ કરી ઠાકોરજીને જમાડ્યા, પછી રેલે બેસી ગુજરાતમાં આવ્યા ને હળવે હળવે જાણે ઠીક થતું હોય, તેમ જણાવા લાગ્યું, પણ દેવપરા ગામમાં ગયા, ત્યારે પાછો મંદવાળ થઈ જતાં ત્યાં જ ચૈત્ર વદ એકાદશીને દિવસે દેહ મૂક્યો. તે વખતે પણ બાપાશ્રીએ દર્શન આપી ઘણો જ ચમત્કાર જણાવ્યો. (પછી સ્વામીશ્રી આદિ સંતોને એમ થયું જે, ‘બાપાશ્રી કહેતા હતા જે, તમે કાલે નહિ જાઓ તો એક સાધુ પંદર દિવસ સુધી તમને રોકશે,’ –તે પ્રમાણે જ આ સંતની વાત થઈ.)