૫૦૨ - કૃપાપ્રસાદી તથા ચમત્કાર
ત્યાર પછી બાપાશ્રીએ વિચાર્યું જે, ‘રામપુરથી દેવરાજભાઈ તેડવા આવ્યા ને મારાથી જવાણું નહી, તેથી મુક્તરાજ ધનબા અકળાતાં વાટ જોઈ રહ્યાં હશે.’ –એમ જાણી એક હરિભક્તને સાથે લઈ પોતે ઘોડી પર બેસી રામપુર જવા નીકળ્યા. તે વખતે ગામ ટપ્પરથી નારાયણ તેજા નામનો હરિભક્ત પોતાનો દીકરો ધનજી બહુ માંદો હોવાથી તેના સારુ પ્રસાદી લેવા આવેલ હતો, પણ બાપાશ્રી આ ઘડીએ ઘોડી પર બેસી રામપુર જવા નીકળ્યા, એવા ખબર તેને ગામમાંથી મળતાં એ ઉતાવળો વાંસે દોડ્યો તે કેરાની નદીમાં જતાં બાપાશ્રીને જોયા એટલે આગળ જઈને શ્વાસભર્યો દંડવત્ કરવા લાગ્યો. તે જોઈ બાપાશ્રી ઘોડી ઊભી રાખીને બોલ્યા કે, ‘નારાયણ! તું અહીં ક્યાંથી આવ્યો?’ ત્યારે તે કહે, ‘છોકરો ધનજી બહુ માંદો થઈ ગયો છે ને દેહ રહે તેવું લાગતું નથી; તેના સારુ પ્રસાદી લેવા આવ્યો છું.’ આ વાત સાંભળી બાપાશ્રી ઘોડીથી હેઠે ઊતર્યા ને નદીમાંથી ગાળીને પાણીનો કળશિયો ભરી દીધો ને પડખે એક ખજૂરી હતી, ત્યાંથી ધૂડની મુઠ્ઠી ભરી આપી ને કહ્યું જે, ‘આ ધૂડ તેને શરીરે ચોપડજે ને કળશિયામાંથી પાણી પાજે; મહારાજ સારું કરી દેશે.’ એમ કહી પોતે ઘોડી પર બેસીને ચાલતા થયા અને એ નારાયણ પ્રસાદી લઈ તેને ગામ ગયો.