૩૪૭ - અંજારમાં પારાયણ

0:000:00

ત્યાર પછી થોડા દિવસ થયા ત્યાં અંજારના મંદિરની વાડીમાં પ્રસાદીની જગ્યાએ છત્રી થયેલી હતી, તેમાં ચરણારવિંદ પધરાવવા નિમિત્તે ત્યાં રહેલાં સાંખ્યયોગી પ્રેમબાઈએ પારાયણ બેસારી, તેમાં બાપાશ્રીને તેડાવવા પ્રથમથી જ ભૂજના સંતો મારફત નક્કી કરેલ હોવાથી પારાયણના આરંભમાં જ બાપાશ્રી પધાર્યા ને ભૂજના સંતો સાથે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી આવ્યા, તેમની સાથે માથકવાળા કલ્યાણસિંહજીભાઈ હતા તે આ વખતે કચ્છમાં પહેલી જ વાર આવેલા હોવાથી તે તો આ દિવ્ય સમૂહને જોઈ જોઈ આનંદ પામતા. આ પારાયણની ગામોગામ ખબર પડતાં ઘણા હરિભક્તો આવી પહોંચ્યા. પણ બાપાશ્રીની કૃપાથી કુંભારિઆમાં માસ્તરની નોકરીમાં રહેલા જામનગરવાળા રતિલાલભાઈએ આ કથામાં આવવા માટે થોડા દિવસની રજા માગી, પણ તે મંજૂર ન થતાં નોકરીમાં રાજીનામું આપી આવેલા, તેને જોતાં જ બાપાશ્રીએ અંતર્યામીપણે કહ્યું જે, ‘માસ્તર! આ ફેરે સરખું કરીને આવ્યા છો કે?’ ત્યારે તે દંડવત્ કરી મળતાં કહેવા લાગ્યા કે, ‘બાપા! શું કરું, હું આપનાં દર્શન માટે આ દેશમાં રહ્યો છું ને દર્શનની છૂટી ન મળે તો પછી શું કરવું?’ આમ કહ્યાથી બાપાશ્રીએ તેમના પર રાજીપો જણાવ્યો ને કહ્યું જે, ‘જેવા આ હોંશિયાર છે, તેવા જ ભોળા પણ છે.’

આ પારાયણમાં કચ્છના રીતરિવાજ પ્રમાણે સવાર-સાંજ મંદિરમાં કથા વંચાતી, સભામાં મોટા મોટા સંતો વાતો કરતા. બ્રહ્મચારી વૈષ્ણવાનંદજી તથા પુરાણી મુનીશ્વરાનંદજી વગેરે બ્રહ્મચારી તથા સંતો ઘણા આવેલ હોવાથી હરિભક્તોને કથાવાર્તાનો ઘણો લાભ મળતો. કથાસમાપ્તિ ટાણે ઝીલણિયા કીર્તન બોલાતાં ને પ્રસાદીઓ વહેંચાતી, તેમ જ વાડીઓમાં હરિભક્તોની પંક્તિઓ થતી ત્યાં બાપાશ્રી દર્શન દેવા જતા. બાઈઓમાં મુક્તરાજ ધનબા આવેલાં હોવાથી બાઈઓમાં પણ કથાવાર્તાનો સૌને સરખો લાભ મળતો. સમાપ્તિને બે દિવસ બાકી હતા, ત્યારે હરિભક્તોની મંડળીઓ આવતાં ઠાકોરજીની પાલખી ગામમાં નીકળી તે વખતે તો ઘણી જ ધામધૂમ થઈ રહી. પછી સમાપ્તિ થઈ ત્યારે પ્રેમબાઈએ મુક્તરાજ ધનબા પાસે બાપાશ્રીને કહેવરાવ્યું જે, ‘સૌને મહારાજ પાસે લઈ જવાના આશીર્વાદ દેજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘બાઈ! આવી દિવ્ય સભામાં જે આવે તેનો સહેજે મોક્ષ થાય.’