૨૯ - પ્રતાપી છતાં સાદા

0:000:00

આ મુક્તરાજની હજામત કરવા એક વાળંદ આવતો; તે મોટા સંત-હરિભક્તો પાસેથી એમ સંભાળતો જે, ‘આ પુરુષ બહુ સમર્થ ને પ્રતાપી છે.’ તેથી તેના મનમાં એમ જે, ‘આવા મોટાની હજામત કરું તો મને આ લોક પરલોકમાં સુખ મળે.’ એ આશાથી ઘણા વખત સુધી નિયમિત હજામત કરતો. એક દિવસ તે વાડીમાં હજામત કરવા આવ્યો ને અર્ધી હજામત કરી ત્યાં માથામાં તેજ તેજ થઈ રહ્યું, એટલે હજામત કરતો અટક્યો; ત્યારે આ મુક્તરાજ કહે, ‘ઉતાવળ કરને? મારે વાડીમાં કામ છે.’ ત્યારે વાળંદ કહે, ‘જી, બાવા! તમારા માથામાંથી તેજ નીકળે છે, તે અસ્ત્રો ક્યાંથી ચલાવું?’ ત્યારે મુક્તરાજ કહે, ‘અહીં તેજ કેવું? ઝાડમાંથી સૂર્યનો તડકો માથે આવતો હશે!’ ત્યારે તે કહે, ‘હું કાંઈ ચરિયો (ગાંડો) નથી જે, તમે મને સમજાવી દ્યો! તમે કહો, પણ હું કેમ માનું? આખા પૈયામાં સૂરજનો તડકો ક્યાંય નથી આવતો, ને અર્ધા માથામાં ક્યાંથી આવે?’ –એમ કહી તેજ બંધ થયું ત્યારે હજામત કરી. પછી તેણે ગામમાં આ વાત ઘણે ઠેકાણે કરીને કહ્યું જે, ‘આ તો મારી નજરની દીઠેલ વાત છે. આ પુરુષને ઓળખજો.’ આવા પ્રતાપી છતાં તદ્દન સાદા ને સરલપણે વર્તતા.