૩૫૨ - રામપુરમાં પારાયણ
આ રીતે બાપાશ્રી સંત-હરિભક્તોને હેત જણાવી મળતાં, વાતો કરતાં, ચંદન – પુષ્પથી પૂજાઓ કરતાં, અનેક પ્રકારે મહારાજની મૂર્તિનું સુખ આપતા હતા; ત્યાં વળી રામપુરમાં મુક્તરાજ ધનબાએ ભૂજના સંતોને બોલાવી કથા કરવાનું નક્કી કરેલ હોવાથી, દેવરાજભાઈ આદિ હરિભક્તો તેડવા આવતાં પોતે સંતોએ સહિત રામપુર પધાર્યા.
મુક્તરાજ ધનબાનું હેત એવું, તેમ સ્થિતિ જબરી, એટલે ઘડી ઘડી કાંઈ ને કાંઈ આવાં નિમિત્ત કરી કથા બેસારે અને સંત-હરિભક્તોને તેડાવી જમાડે ને સેવા કરે. તેમને તથા અનાદિ મુક્તરાજ બાપાશ્રીને હવે યજ્ઞ-સમૈયા કરવા તે વાત તો સાવ રમત જેવી જણાતી. આજ વાત કરતા હોય ને પાંચ-આઠ દિવસ પછી તો બધી તૈયારી કરી નાખે. વળી એ વખતે ઘણા સંત-હરિભક્તોના સમૂહ આવવાથી કોઈ ચીજવસ્તુ ખૂટતી જણાય તો કાંઈ ને કાંઈ નવીન પ્રકાર બતાવે, તેથી જે ચીજ ખૂટતી હોય તે ઊલટી વધી પડે. આથી જ્યારે વૃષપુર કે રામપુરમાં બ્રહ્મયજ્ઞ થવાની ખબર પડે એટલે કચ્છ દેશના તથા બહારગામના હરિભક્તો સહુ હર્ષભર્યા આવી, કથાવાર્તા સાંભળે, જમે, રમે ને સેવા કરે.
આ પારાયણમાં પંદર દિવસ સુધી રામપુર ને વેકરા બેય ગામમાં મહામોટો સમૈયો બની ગયો હતો. સવાર-સાંજ કથા વંચાતી, તેમાં વચનામૃતની પારાયણ ભૂજના સ્વામી ભક્તિપ્રિયદાસજી વાંચતા ને ભક્તચિંતામણીની પારાયણ બ્રહ્મચારી નિર્ગુણાનંદજી વાંચતા. એ વખતે મંદિરના ચોકમાં ચંદની બાંધેલી, તે ચોક તો રોજ સંત-હરિભક્તોથી ઊભરાયા જ કરતો. શ્રીજીમહારાજની સન્મુખ બાપાશ્રીનું આસન હોવાથી ફરતા હરિભક્તો બેસતા, તેથી બાપાશ્રી જે જે વાતો કરે, તે સહુને સુખેથી સંભળાય. પારાયણ વંચાતી તેમાં અવરભાવમાં જણાતા શબ્દોને બાપાશ્રી ઘણી વાર પરભાવમાં સમજાવતા, તેથી સભામાં સહુ રાજી રાજી થઈ જતા. ગામોગામથી આવતાં હરિભક્તોને લીધે રામપુર તથા વેકરા બેય ગામમાં એક સરખી જ ભીડ રહેતી. બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને હેત ઘણું, એટલે બાપાશ્રીને ઘણી વાર પોતાને રસોડે તાણ કરીને જમાડતા હોવાથી તેમના પર આ અનાદિ મુક્તરાજની ઘણી પ્રસન્નતા થતી. એક વાર બપોરના બાપાશ્રી ઠાકોરજીને જમાડીને ઊઠ્યા, ત્યારે બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ અતિ હેત જણાવી શ્લોક બોલતાં કુંકુમનો ચાંદલો ભાલમાં કર્યો ને દંડવત્ કરી મળતાં બોલ્યા જે, ‘બાપા! મારે તમારી પાસે એક વચન માગવું છે કે, મને મૂર્તિનું સુખ અખંડ આવ્યા કરે ને ક્યારેય માયિક ઘાટ નડે નહિ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘બહુ સારુ બ્રહ્મચારી મહારાજ!’ એમ તેમને આશીર્વાદ આપી રાજી કર્યા.
એક દિવસની સવારની સભા ઊઠી, ત્યારે માથકવાળા કલ્યાણસિંહજીભાઈ દર્શને આવ્યા. પોતે અલમસ્ત જોગી જેવી સ્થિતિમાં સદાય રહેતા ને મૂર્તિ ધારવાનો એટલો બધો અભ્યાસ કરતા કે, ચાર-ચાર છ-છ કલાક એક આસને બેસી જ રહે. ક્યારેક નાહ્યા વિના સવારથી બેઠા હોય, ને મોડેથી ઊઠે ત્યારે નિત્યવિધિ કરે. તેમને મૂર્તિ વિનાનું બીજું કાંઈ ગમતું નહિ ને પ્રત્યક્ષ દર્શનની તાણ ઘણી રહેતી જે, ‘મહારાજનાં તેજોમય દર્શન ક્યારે થાય!’ બાપાશ્રીએ તેમનો આવો આગ્રહ જાણી લીધો. પછી એક દિવસ તે મોડા પરવારીને આવ્યા, એટલે પૂછ્યું જે, ‘જોગી, ક્યાંથી આવ્યા? હદમાં રહો છો કે હદથી બહાર?’ ત્યારે તે સાખી બોલ્યા જે, ‘હદમેં ચલે સો ઓલિયા, બેહદ ચલે સો પીર, હદબેહદ જાકું નહિ, વાકા નામ ફકીર.’ –અમે તો એવા ફકીર છીએ ને આપની કૃપાના અભિલાષી છીએ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે રોજ ઊંડી ગુફામાં પેસી જઈને શું ખોજ કરો છો?’ ત્યારે તે કહે, ‘આ ફકીરે તો શ્રીજીમહારાજ માટે ફકીરી લીધી છે. તે એમને ગોતીએ છીએ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘જે ઠેકાણે જે વસ્તુ હોય તે ઠેકાણેથી ખોજ કરે તો મળે.’ મહારાજ તો આ સભામાં અખંડ બિરાજે છે, સહુ દર્શન કરે છે, પૂજાઓ કરે છે, એવું બધુંય અમે દેખીયે છીએ ને તમે તો ઓરડી બંધ કરી ગોત્યા કરો છો, તે ક્યાંથી હાથ આવે? રોજ સવારમાં આ સભામાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ વાતો કરે છે ને સભા બધી એ વાતો સાંભળે છે. તમે વહેલા નાહી-ધોઈ પરવારી અમારા પાસે આવો તો અમે એ દિવ્ય મૂર્તિના દર્શન કરાવીએ. આ વચન તેમને રગરગમાં ઊતરી ગયું ને જાણ્યું, જે ‘આજ મહારાજની દયાથી ધ્યાનનું ફળ મળવાનો વારો આવી ગયો.’