૯ - શ્રીજીમહારાજે પાનબીડાંની પ્રસાદી આપી

0:000:00

એક વખત વસંતપંચમીનો મોટો દિવસ જાણી વહેલા અંધારામાં નાહી-ધોઈ, પૂજા કરી પોતે ભૂજ દર્શને ચાલ્યા ગયા. મંદિરમાં જઈ દર્શન કરી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ નીરખતા હતા. ત્યાં મહારાજે લાંબો હાથ કરી આ મુક્તરાજને પાનબીડું આપી સૂરજબા પાસે જવાનું કહ્યું. આ સૂરજબા નિરાવરણ દૃષ્ટિવાળાં અને મહાસમર્થ હતાં, સભામાં દર્શન કર્યા પછી આ મુક્તરાજે સૂરજબાને ઘેર જઈ ‘જય સ્વામિનારાયણ’ કર્યા, ત્યારે સૂરજબાએ કહ્યું, ‘ભલે આવ્યા બાપ! હું તમને સંભારતી હતી ત્યાં જ મહારાજે તમને મોકલ્યા.’ એમ કહી આસન નાખી આપ્યું. પછી ઠાકોરજી જમાડેલ થાળમાંથી તેમને જમવા બેસાર્યા. આ મુક્તરાજે ઠાકોરજી જમાડતાં સૂરજબાને પૂછ્યું કે, ‘જેવા અક્ષરધામમાં મહારાજ અને મુક્ત છે, તેવા ને તેવા જ પૃથ્વી પર પ્રત્યક્ષ બિરાજે છે, એમ આજ કથામાં આવ્યું હતું તે કેમ સમજવું?’ ત્યારે સૂરજબા કહે, ‘ભાઈ, તમે તમારું સામર્થ્ય ક્યાં સુધી ઢાંક્યું રાખશો?’ તમે તો મહારાજ ભેગા સદાય છો, એમ હું દેખું છું. અક્ષરધામ ને અહીં તમારે ક્યાં છે?’ ત્યારે પોતે હસ્યા ને જમીને ‘જય સ્વામિનારાયણ’ કરી ત્યાંથી ચાલી નીકળ્યા, તે તુરત વૃષપુર આવ્યા; દેવબાઈએ મોડા આવ્યા જાણી પૂછ્યું ત્યારે આ બધી વાત કરી, તેથી તેમને ઘણો જ આનંદ થયો.