૨૨૮ - બાપુભાઈને દિવ્ય તેજોમય દર્શન

0:000:00

બાપુભાઈ તો વડતાલથી પરબાર્યા કાણોતર ગયા ને ત્યાં જઈ રોજ દિવસ ગણવા લાગ્યા જે, ક્યારે બે મહિના થાય ને બાપાશ્રી સંઘે સહિત પધારે! એમ કરતાં થોડા દિવસ બાકી રહ્યા ત્યાં તો એમને ઓચિંતાનો મંદવાડ થઈ ગયો તે ઉઠાય-બેસાય નહિ, તેથી આખો દિવસ સૂતા જ રહે ને મનમાં ઝંખના કર્યા કરે જે, ‘બે મહિના થવા આવ્યા, તે હવે બાપાશ્રી આવ્યા વિના રહે નહિ કેમ કે પોતે રાજી થઈને વચન આપ્યું છે.’ એમ કરતાં જ્યારે તેને દેહ મૂકવાનો સમય થયો ત્યારે બાપાશ્રીએ સંધે સહિત દિવ્યરૂપે દર્શન આપ્યાં. એટલે બાપુભાઈ તો હર્ષભર્યા બેઠા થઈ ગયા ને ગદગદ કંઠે પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘બાપા! હું તમારી વરસાદની પેઠે વાટ જોતો હતો. પણ તમે તો તમારે વચને પળ્યા ખરા. ભલે આવ્યા! હું ન્યાલ થયો.’ એમ કહે છે, ત્યાં તો બાપાશ્રી કહે, ‘બાપુભાઈ! મૂર્તિમાં વૃત્તિ જોડી મેલો’ –એ વચન બોલતાંની સાથે તેમને શ્રીજીમહારાજનાં તેજોમય દર્શન થયાં ને દેહનો ત્યાગ કરી મૂર્તિના સુખમાં ઊતરી ગયા.