૩૮૩ - બ્રહ્મચારી નિર્ગુણાનંદજીનું નિર્ગુણ હેત

0:000:00

ભૂજના સંતો સાથે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી આવેલા હોવાથી ઘણી વાર તો એ બાપાશ્રીને તાણ કરી પોતાને રસોડે જમાડી દેતા. મિસ્ત્રી ગોવાભાઈ તથા તેમના પુત્રાદિક પણ હેતવાળા બહુ તેથી તેઓ બ્રહ્મચારીને રસોડે કેરીઓ મોકલાવે ને કહે જે, ‘તમે તાણ કરી આટલું બાપાશ્રીને જમાડજો.’ આથી બ્રહ્મચારી રસપૂરી તથા શાક વગેરે કરી મહારાજને જમાડી તૈયાર રાખે. પછી બાપાશ્રીને હેતભર્યા વચનો કહી રસોડે લાવે ને જમવા બેસારી દે. બાપાશ્રી પણ તેમના હેતને લઈને બહુધા ના ન પાડે. જ્યારે બાપાશ્રી જમતા હોય ત્યારે તે રમૂજે યુક્ત વચનો કહી રાજી કરે જે, ‘બાપા! મહારાજના થાળમાં આજ તો મીઠી કઢી કરી છે તે થોડી પીઓ.’ એમ કહી રસ પીરસે. કોઈ વાર કહે કે, ‘આપના શરીરમાં ગરમી ઘણી રહે છે તે આ રસ ટાઢો બહુ. તમે થોડું મહારાજને જમાડો ને ભેળા અનંત મુક્તો જમે તે જોઈ અમારેય ટાઢું થઈ જાય.’ એમ કહી રાજી કરે. બાપાશ્રી તેમના તાસળાંમાં લેવાની તાણ કરે તો કહે જે, ‘બાપા! મને તો મૂર્તિના સુખરૂપ પ્રેમરસ ખૂબ પાજો. મને જમાડવાની તાણ કરો છો, પણ દેહ ક્યાં ખમે તેવો છે! ચૈતન્યમાં જરાય વાંધો નથી; માટે તેમાં મૂર્તિનું સુખ ખૂબ રેડજો.’

સભામાં બાપાશ્રી વાતો કરતા હોય, ત્યારે એ તો એકનજરે સામું જ જોઈ રહે. નાહવા જાય ત્યારે પણ ભેળા હોય, સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ મહાસમર્થ અને મહારાજના હ્યદગદ અભિપ્રાયને જાણનારા, તેથી એ રોજ કથાપ્રસંગે ભારે ભારે પ્રશ્નો પૂછી વાતો કરાવતા હોવાથી સહુને આનંદ આનંદ થઈ જતો તેમ જ સવાર-સાંજ હરિભક્તોની પંક્તિઓ થતી ત્યાં પણ બાપાશ્રીને સાથે લઈ દર્શન દઈ આવતા. સંતોની પંક્તિ ટાણે તો બાપાશ્રી હાજર હોય જ. આરતી વખતે ઠાકોરજી પાસે પણ દિવ્ય સમૂહની એવી જ ભીડ. બાઈઓમાં મુક્તરાજ ધનબા તથા કંકુબાને લીધે બાઈઓના મંદિરમાં પણ સૌ મહારાજને સંભારી સુખિયા રહેતા.