૬૪૪ - હિંડોળાનાં દર્શને જતાં સંતોએ ભૂજમાં રોક્યા

0:000:00

પછી શ્રાવણ માસમાં બાપાશ્રી ભૂજમાં હિંડોળાનાં દર્શન કરવા ગયા. ત્યાં સંતોએ આગ્રહ કરી રોકાવા તાણ કરી, તેથી હરિભક્તો ઘણા રાજી થયા. તે દિવસ મહિમાવાળા હરિભક્તો રાત્રે બાર વાગ્યા સુધી વાતો સાંભળતા આસને બેસી રહ્યા હતા, તેમના પર પોતે પ્રસન્નતા જણાવી સૂઈ જવા કહ્યું અને પોતે પણ શયન કર્યું.

બીજે દિવસ સવારે નિત્યવિધિ કરી ઠાકોરજીનાં દર્શન કર્યા પછી સભામાં આવ્યા. ત્યાં કથાવાર્તા થઈ રહ્યા પછી ભોગીલાલભાઈએ બાપાશ્રીને મધ્ય પ્રકરણના છાસઠમા વચનામૃતમાંથી પ્રશ્ન પૂછયો જે, ‘ભગવાન ને ભગવાનના સંતની સાક્ષાત્ પ્રાપ્તિ થવાનું કહ્યું છે, તે સાક્ષાત્ પ્રાપ્તિ તો પ્રત્યક્ષ નજરે દેખાય તેને કહેવાય કે કેમ?’ ત્યારે બાપાશ્રી કહે, ‘એ વાત એમ છે જે, મહારાજ પ્રત્યક્ષ દર્શન દેતા હોય ત્યારે તે મૂર્તિમાંથી મનુષ્યભાવ ટાળવો જોઈએ ને પ્રતિમારૂપે દર્શન આપતા હોય ત્યારે તેમાંથી પ્રતિમાભાવ ટાળવો જોઈએ ને એમ જાણવું જોઈએ કે, અક્ષરધામમાં જે મૂર્તિ છે તે જ આ છે, એવા જ્ઞાને સહિત આશ્રય કરે તો સાક્ષાત્ પ્રાપ્તિ કહેવાય.’ આ વાત સાંભળી હરિભક્તો બેઠા હતા તે સર્વે રાજી થયા.

રાત્રે કથાવાર્તા ને ચેષ્ટા આદિ નિયમ થઈ રહ્યા પછી બાપાશ્રી આસને આવ્યા; ત્યાં થોડા હરિભક્તો આવીને બેઠા. ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘આ સત્સંગમાં સૌને શ્રીજીમહારાજનો રાજીપો જોઈએ છીએ, પણ કેટલાક તો કામ, ક્રોધ ને માન આદિ દોષમાં વળગી પડ્યા છે, તે એવા દોષને તથા પંચવિષયને મૂકી શક્તા નથી, તેથી એનો દાખડો બધોય ધૂળમાં મળી જાય છે. આજ તો જોગ બહુ ભારે આવી ગયો છે, તે જો ગરજુ થઈને મોટા કહે તેમ કરે તો તત્કાળ કલ્યાણ થઈ જાય –વાર ન લાગે.’ આ રીતે વાતો કરી સહુને રાજી કરતા બીજે દિવસ સવારે પૂજા કર્યા પછી ઠાકોરજીનાં દર્શન કરી પોતે વૃષપુર પધાર્યા.

એ વખતે શ્રાવણ માસ ઊતરતાં થોડા દિવસ વરસાદ બહુ થતો હોવાથી બાપાશ્રી ઘણુંખરું તો મંદિરમાં જ રહેતા ને હરિભક્તો પાસે કથા કરાવતા. એકાદશીને દિવસે છત્રીએ જાય ત્યારે હરિભક્તો ભેળા ચાલે ને ત્યાં સભા થાય, તે વખતે પોતે વાતો કરી સૌને રાજી કરે. ક્યારેક નારાયણપુર કે કેરા આદિ ગામોમાંથી સમાચાર આવે તો ત્યાં પણ દર્શન દઈ આવે. આ રીતે વૃષપુરમાં સહુ દર્શન-સેવા તથા કથાવાર્તાથી આનંદ પામતા હતા.