૯૫ - મહારાજ પળમાં ચહાય તેમ કરે
એક વખત સવારે નવી વાડીમાં જાંબુડાના વૃક્ષ નીચે ભાઈશ્રી સૂતા હતા ત્યાં નારાયણપુરા તથા દહીંસરાના હરિભક્તો દર્શને આવ્યા ને કહ્યું જે, ‘ભાઈ! આ ફેરે વરસાદે તો બહુ તાણ્યું! જો વરસાદ નહિ થાય તો ચોપાં (ચાર પગે ચાલનારા પશુઓ) દુ:ખી થઈ જશે.’ ત્યારે પોતે થોડી વાર તો અંતદૃષ્ટિ કરી ગયા, પછી બોલ્યા જે, ‘આ પૃથ્વી પર એવો કોઈ મોટો આ ટાણે નહિ હોય, જે ઇંદ્રને ઊંઘમાંથી ઉઠાડે! અમારી પાસે ઘણીયે રાવું આવે છે, પણ શું કરીએ! મહારાજ ધારે તો હમણાં વરસાદ કરે.’ એમ કહ્યું, ત્યાં તો આકાશમાં વાદળાં થવા લાગ્યાં ને પોતે હરિભક્તોને મૂર્તિનાં કીર્તન બોલવાનું કહીને થોડી વાર સૂતા. હરિભક્તો કીર્તન બોલતા જાય ને આકાશ સામું જોતા જાય ત્યાં તો ઘનઘોર મેઘની ઘટા થઈ ગઈ ને ઠંડો પવન વાવા લાગ્યો. પછી પોતે બેઠા થઈને કહે, ‘વરસાદ થાય તો થાય, મહારાજે તમારી અરજી સાંભળી લાગે છે! આ મારો ખાટલો ડેલામાં લઈ લ્યો.’ એમ કહ્યું ત્યાં તો મોટે ફોરે વરસાદ આવવા માંડ્યો ને વા-ઝડી ને વરસાદ એવો તો થયો કે, થોડી વારમાં પાણી પાણી થઈ ગયું ને જે ડેલામાં ભાઈશ્રીનો ખાટલો હતો તેના ઉમરા માથે થઈ માંહી પાણી આવવા માંડ્યું, તેથી તે હરિભક્તો ત્યાં રેતી નાખી પાળ બાંધી. પછી પોતે એમ બોલ્યા જે, ‘જુઓને! મહારાજનાં કેવાં કામ છે? જીવ ગમે તેવાં ડહાપણ કરે, પણ એના પાસે કોઈનું ધાર્યું કામ ન આવે. અને એ ધારે તો પળમાં ચહાય તેમ કરે. તમે હમણાં વરસાદને સંભારતા હતા ત્યાં તો ઓચિંતાનો આવી ગયો. આ રીતે જીવ મહારાજ તથા મોટાને સંભારે તો તે પણ આમ અચાનક આવીને ઊભા રહે, પણ જીવને સંભારવાની ખામી, તેમાં મહારાજ શું કરે?’ એમ વાત કરી હરિભક્તોને ઠાકોરજી જમાડવા ઘેર તેડી ગયા ને બહુ હેત જણાવ્યું. પછી તે સર્વે રજા લઈ પોતપોતાને ગામ ગયા ને ત્યાં ભાઈશ્રીના અલૌકિક પ્રતાપની વાત કરી પોતે આવા પ્રતાપી છતાં ક્યારેક બાળક સાથે પણ કાંઈ ને કાંઈ રમૂજ કરતા.