૮૦ - લખાઈવાડીમાં વડ નીચે સમાધિ
એક વખત પોતે લખાઈ વાડીના ઓરડા પાસે વડ નીચે ઢોરાં બાંધવાની ગમાણ હતી ત્યાં સૂતા હતા તે એમ ને એમ સૂતા જ રહ્યા; મોડું થવાથી પોતાના પુત્ર કાનજીભાઈ ઉઠાડવા સાદ પાડે પણ કોણ સાંભળે! પછી એમ થયું જે, સમાધિમાં જતા રહ્યા લાગે છે. એમ ને એમ સાંજ સુધી વાટ જોતાં જાગ્યા નહિ ત્યારે વળી પુત્ર, પુત્રીઓ દિલગીર થયાં ને ગાડામાં નાખીને ઘેર લાવી ખાટલામાં સુવાડ્યા. રાત્રે ઘરમાં કોઈ ખીચડી જમે નહિ, દીકરાદીકરીઓ ઉદાસ થઈ બેઠાં. પછી દેવુબા કહે, ‘તમે સૌ ઉદાસ થાઓ કે ન થાઓ, પણ એમને તો હવે આવું ઘણીયે વાર થઈ જાય છે. શું કરવું? એ તો હમણાં બેઠા થશે!’ એમ ધીરજ આપીને જમાડ્યા. આમ કરતાં સાતમે દિવસે પોતાની મેળાએ જાગ્યા, પછી નાહી પૂજા કરી ઠાકોરજીને જમાડ્યા ત્યારે ઘરમાં સહુને આનંદ થયો.