૯૮ - પોંકનો થાળ જમાડ્યો
થોડા દિવસ પછી એ જ ખેતરમાં વળી ભાઈશ્રી ગયા. ત્યાં પોતાની નાની દીકરી પંખી ઉડાડતી હતી; બીજું કોઈ નહોતું. પછી પોતે એમ બોલ્યા જે, ‘ગગી! તું પંખી ઉડાડે છે?’ ત્યારે તે કહે, ‘હા બાપા!’ ત્યારે ભાઈશ્રી કહે, ‘તને મહારાજનું ધ્યાન આવડે?’ ત્યારે કહે, ‘બાપા! અમે મંદિરમાં મહારાજનાં દર્શન કરીએ ને એવા ને એવા સંભારીએ. બીજી અમને ખબર ન પડે.’ પછી પોતે બોલ્યા જે, ‘ગગી! તું પોંક શેકી લાવ્ય તો આજ મહારાજને જમાડીએ!’ ત્યારે તે કહે, ‘બાપા! મુંથી અહીં કેમ શેકાય?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘કેમ ન શેકાય? ઝાંખરાં હું વાઢી દઉં.’ ત્યારે તે કહે, ‘ભલે!’ પછી પોતે કુહાડો લઈ ઝાંખરાં વાઢી લાવ્યા ને ભેળાં કરી સળગાવ્યાં એટલે તે દીકરીએ પોંક શેક્યો. ત્યાં તો પોતે સૂઈ ગયા. દીકરીએ પોંક ચોળી મસળીને તૈયાર કર્યો તોય જાગ્યા નહિ, તેથી એ પંખી ઉડાડવા મંડી જ્યારે જગ્યા ત્યારે પાસે આવીને કહ્યું, ‘ બાપા! પોંક તો ઠરીયે ગયો.’ ત્યારે પોતે તે પોંક જોઈને રાજી થયા ને બોલ્યા જે, ‘તું મારી પાસે બેસ, હવે કોઈ પંખી નહિ આવે.’ પછી પોતે પોંક હાથમાં લઈ ધ્યાન કરતાં મહારાજને જમાડવા લાગ્યા. થોડી વાર પછી દીકરી કહે, ‘બાપા! આવડી ઊંઘ! હમણાં સૂઈ રહ્યા હતા ને વળી સૂવો છો? પોંક જમાડોને!’ એમ કહી હાથ ઝાલી જગાડ્યા. પછી પોતે દીકરીને કહેવા લાગ્યા જે, ‘ગગી! તેં તારે હાથે થાળ કર્યો તે મેં મહારાજને જમાડ્યો, હું ઊંઘતો નહોતો.’ એમ કહી થોડો પોંક પોતે જમ્યા ને થોડોક તે દીકરીને આપ્યો ને કહ્યું જે, ‘ગગી! હવે આ પોંક અક્ષરધામનો થઈ ગયો. આને જે જમે તેના ભાગ્યનો પાર નહિ. આ તો તેં હેતે કરીને શેક્યો, તેથી મહારાજ ને કેટલાય મુક્ત જમી ગયા.’ એમ કહી વધેલો પોંક પાસે રાખવાના ધોતિયામાં બાંધ્યો. પછી ગામમાં આવ્યા ત્યારે થોડી વાર ઓટલા પર બેઠા ને જે નીકળે તેને પ્રસાદી આપે ને કહે જે, ‘લ્યો પ્રસાદી.’ છેલ્લી વારે એક મૂઠી જેટલો પોંક રહ્યો ત્યારે બે બાઈઓ મંદિર જતાં હતાં તેને કહ્યું કે, ‘લ્યો આ પ્રસાદી! દાણો દાણો સૌને પહોંચાડજો. આ તો અક્ષરધામની વસ્તુ છે. આને જે જમશે તે અક્ષરધામમાં જશે,’ –એમ બોલ્યા. તેથી તે બાઈઓ બહુ રાજી થયાં ને બબ્બે દાણા પ્રસાદી સૌને પહોંચાડી. આ રીતે પોંકની પ્રસાદીનું નિમિત્ત કરી કેટલાયને અક્ષરધામમાં જવાના આશીર્વાદ આપ્યા.