૬૮ - જૂનાગઢના સંત-હરિભક્તો પર પ્રસન્નતા

0:000:00

આ ધામમાં અનાદિ મુક્તરાજ સદ્‍ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના જોગ-સમાગમવાળા સંત-હરિભક્તો ઘણા હતા. તે શ્રીજીમહારાજના સર્વોપરીપણાની વાતમાં ઠીક સમજતા હોવાથી કથાવાર્તામાં એવી વાતોનો પ્રસંગ ઘણો નીકળતો, તેથી ભાઈશ્રી તેમના પર બહુ રાજી થતા.

એક દિવસ ત્યાં પણ સંતોના આગ્રહથી ભાઈશ્રીએ સભામાં વાત કરી જે, ‘અનાદિ મુક્તરાજ સદ્‍ગુરુ ગુણાતીતાનંદ સ્વામી આ સ્થાનમાં ઘણું રહ્યા છે. તેમણે મહારાજને જેવા છે તેવા ઓળખાવવા બહુ ભારે વાતો કરી છે, પણ જીવને અજ્ઞાન ઘણું, તેથી એ વાતમાં જ અટકી પડે છે. સાધન ઘણાં કરે પણ ટાણું ન ઓળખે, એવા જીવના સ્વભાવ છે. મોટા મુક્તને મહારાજ તે તો દૃષ્ટિ દ્વારે જીવોના કલ્યાણ કરી નાખે એવા સમર્થ છે. સ્વામીશ્રી એમ કહેતા કે બીજાનું જ્ઞાન ફટાકડા જેવું છે ને આ જ્ઞાન ફિરંગીની તોપ જેવું છે. જૂ વીઆય ત્યારે લીંખ આવે ને હાથણી વીઆય ત્યારે ભેંસ જેવડું બચ્ચું આવે તેમ બીજા અવતાર જેવા મહારાજને જાણે તેણે તો મહારાજને જેવા છે તેવા જાણ્યા જ નથી, માટે આપણે તો શ્રીજીમહારાજને સર્વના કારણ, સર્વના આધાર, સર્વના નિયંતા, એ જેવા એ એક જ, એમની કોઈ જોડ નથી એવા જાણવા.’

આ રીતે જૂનાગઢમાં ત્રણ દિવસ દર્શન-સમાગમ કરી આસપાસનાં ગામડાંઓમાં પ્રસાદીસ્થાનના દર્શન કરતાં ને માર્ગમાં કથાવાર્તા ને નિત્યનિયમ કરતાં કરતાં સંઘ રાજકોટ પહોંચ્યો, ત્યાં એક દિવસ રહી સૌ જામનગર આવ્યા ને ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી આગબોટમાં બેસી બધો સંઘ પ્રથમ ભૂજ આવ્યો. આગળથી ખબર મળ્યા હતા તેથી હરિભક્તોએ ભારે સામૈયું કર્યું. પછી સૌ હરિભક્તો પરસ્પર મળી મંદિરમાં આવ્યા ને ઠાકોરજી તથા સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સંતોનાં દર્શન કરી, વાડીએ ઉતારો કર્યો. પછી સ્નાનાદિ કરી, મંદિરમાં આવી, જે જે સ્થાનોમાં જે જે વાત બની હતી તે વિસ્તારીને સભામાં સહુને કરી; ત્યાં એક દિવસ રોકાઈ સંત-હરિભક્તોને પ્રસન્ન કરી પરસ્પર મળી નાનામોટા હરિભક્તો સૌ પોતપોતાના ગામ ગયા, અને મુક્તરાજ ભાઈશ્રી પણ વૃષપુરના હરિભક્તો સાથે વૃષપુર આવ્યા.