૨૭૪ - દહીંસરાના હરિભક્તોનો પ્રેમ

0:000:00

દહીંસરાના હરિભક્તોને પોતાના ગામમાં રાત રાખવાની તાણથી કેટલાક હરિભક્તો સાઈકલથી આગળ પહોંચી જતા, ત્યાંનાં બાઈ-ભાઈ, નાનામોટા સહુ હેતભર્યાં સામાં ચાલી સડક પર વાટ જોઈ રહ્યાં હતાં, ત્યાં આ મુક્તરાજનાં ગાડાં આવ્યાં, તે જોઈ સૌએ દંડવત્ કર્યા ને મુક્તરાજ કેસરાભાઈએ આગળ આવી બાપાશ્રીના કંઠમાં હાર પહેરાવી પ્રાર્થના કરી જે, ‘ભાઈ! આજની રાત દયા કરીને ખમી જાઓ. આગબોટનો થાકોડો લાગ્યો હશે પણ અહીંનાં નાનાંમોટાં બાઈ-ભાઈ સર્વે રાજી થાય. તારથી ખબર આવ્યા ત્યારની સૌને હોંશ છે, ને મને કહે છે જે, ‘તમે બાપાને તાણ કરશો તો રોકાશે.’ વળી ધનબા પણ ભેળાં છે, તે આજ તો દયા કરો!’ ત્યારે બાપાશ્રી કહે, ‘કેસરાભાઈ! તમારી બધાયની તાણ હું જાણુ છું, પણ મારે વૃષપુર જવા જેવું છે, તેથી આ ફેરે નહિ રોકાવાય.’ એમ કહી એ સૌને સમજાવ્યાં. ત્યાં મુક્તરાજ ધનબા કહેવા લાગ્યાં કે, ‘ભાઈ! તમે આજ જો રામપુર આમ ને આમ પધારો, તો બધાય નાનામોટા બહુ રાજી થાય,’ ત્યારે બાપાશ્રી કહે, ‘મારે જવા જેવું છે, નહિ તો ખમત.’ ત્યારે ધનબા કહે, ’ભાઈ! તમારો ખપ તો બધાયને હોય! એ વાત તમારી તમે જાણો, અમ જેવાને એ કેમ જાણ્યામાં આવે? અમે તો હેત આવે એટલે તાણ કરીએ. બીજી અમને શું ખબર પડે! ભલે, ભાઈ! જેમ તમે રાજી રહો તેમ કરો ને મને રજા આપો તો હું રામપુર જાઉં. અહીંનાં બધાં બાઈઓ અને આ કેસરાભાઈ હવે મને ખમાડ્યાની તાણ કરે છે, તે એમને તમે કહો એટલે મને રોકે નહિ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘એ જેમ રાજી થાય તેમ કરો ને; તમારે શી ઉતાવળ છે?’ એમ કહેવાથી સૌ રાજી થયાં. પછી પોતે સહુને ‘જય સ્વામિનારાયણ’ કરી ઉતાવળા વૃષપુર જવા ચાલ્યા, પણ હરિભક્તો ઘણે છેટે સુધી કીર્તન બોલતા બોલતા વળાવવા ગયા તે પાછા જ ન વળે. પછી બાપાશ્રીએ ગાડું ઊભું રખાવી હરિભક્તોને કહ્યું જે, ‘આ વખતે મને રોકવાની તમારે હોંશ ઘણી હતી, એ હું જાણું છું, પણ મારે જવા જેવું છે તેથી રોકાણો નથી, તો બધાય રાજી રહેજો.’ એમ કહી સૌને પાછા વાળી પોતે વૃષપુર પધાર્યા.