૬૭૭ - બાપાશ્રી નારાયણપુર જઈ આવ્યા
આ રીતે બાપાશ્રી વાત કરતા હતા ત્યાં નારાયણપુરથી ખીમજીભાઈ, શામજીભાઈ તથા કુંવરજીભાઈ આદિ હરિભક્તો ચંદન તથા ફૂલના હાર લઈને આવ્યા ને દંડવત્ કરી બાપાશ્રી તથા સંતોની પૂજા કરી. તે વખતે પોતે એમ બોલ્યા જે, ‘તમારે તો સોઢીનું શણગારમાં ગયું. સોઢી હતી તે શણગારમાં રહી ત્યાં જાન જતી રહી, તેમ તમે પૂજાની સામગ્રી કરવા રહ્યા ત્યાં અહીં કથાવાર્તા જતી રહી. અહીં તો હમણાં બ્રહ્મયજ્ઞ ચાલ્યા કરે છે, ગામોગામથી કેટલાક હરિભક્તો આવ્યા છે, હજી સંઘ આવ્યા કરે છે ને સભામાં મૂર્તિના સુખરૂપ અમૃતઘન વરસે છે તથા કાંઈની કાંઈ વાતો થાય છે, માટે અત્યારે તો જેટલો લાભ લેવાય તેટલો લેવો.’ એમ તે હરિભક્તો નિમિત્તે સૌ સંત-હરિભક્તોને મહિમા સમજવાની ભલામણ કરી. એ વખતે ખીમજીભાઈ કહે ‘બાપા! તમે ઠીક કહ્યું, હવે અમને ખટકો રહેશે.’ પછી એમ કહ્યું જે, ‘બાપા! અમે તો આપને ગાડી લઈને તેડવા આવ્યા છીએ, તેથી નારાયણપુર પધારો. આજે ધનજીભાઈનું બારમું છે, માટે લાલજીભાઈએ અમને મોકલ્યા છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘બહુ સારું, તમે તેડવા ન આવ્યા હોત તોય અમે આવ્યા વિના ન રહેત.’ પછી સંતોને કહ્યું જે, ‘હરિભક્તો આવ્યા છે તે સહુને ઠાકોરજીના થાળ થાય ત્યારે જમાડજો.’ એમ કહી તુરત ખીમજીભાઈ તથા કુંવરજીભાઈ આદિ હરિભક્તો સાથે પોતે નારાયણપુર પધાર્યા. તેથી ધનજીભાઈના પુત્રો તથા ઘરના સહુ રાજી થયા ને ગામના હરિભક્તોએ જાણ્યું જે, ‘બાપા, અવસર ઉપર આવ્યા ખરા!’ પછી બાપાશ્રીએ આ લોકની રીતે પોતાને હાથે તેમને પાણી દીધું ને થોડી વાર જૂને ઘેર બેઠા, પછી નવે ઘેર સૌને જમાડવા શીરો, સુખડી, ખીચડી, શાક વગેરે પકવાન તૈયાર થતાં હતાં ત્યાં જઈ કેટલો કેટલો સામાન કર્યો છે વગેરે પૂછીને પાછા મંદિરમાં આવ્યા, ત્યાં નાહી, મહારાજની મૂર્તિ સાથે લઈને હરિભક્તોએ સહિત કીર્તન ગાતા ગાતા પાછા એ જ રસોડે આવ્યા. ત્યાં તૈયાર થયેલાં પકવાન પીરસી મહારાજને થાળ જમાડ્યો ને આરતી કરી, પછી પોતે સાથે આવેલા હરિભક્તોને કહ્યું જે, ‘આ ધનજીભાઈના દીકરા યજ્ઞ કરે છે, તેમાં મહારાજ બહુ રાજી થઈને શીરો, સુખડી વગેરે ભોજન જમ્યા છે, તેથી આ પ્રસાદી જે કોઈ જમશે તેને અમે અક્ષરધામમાં તેડી જશું.’ એમ આશીર્વાદ આપી વૃષપુર જવા માટે ઉતાવળ કરવા માંડી, ત્યારે ધનજીભાઈના ત્રણે દીકરાઓએ પ્રાર્થના કરી જે, ‘બાપા! દયા કરીને આજ રાત રહી જાઓ તો ઠીક.’ ત્યારે બાપાશ્રી કહે, ‘અત્યારે ત્યાં સંતો આવેલા છે; વળી કેટલુંક યજ્ઞનું કામ હોય, તેમ બહારગામથી હરિભક્તો આવ્યા જ કરે છે, માટે ત્યાં પણ મારે હાજર રહેવું ખપે! તમને મારી તાણ છે તે હું જાણું છું, પણ આવતી કાલે તેરમું છે, તેથી હરિભક્તોને લઈને પાછો આવી જઈશ.’ એમ કહી વૃષપુર પધાર્યા.
બાપાશ્રી વૃષપુરમાં આવ્યા પહેલાં તો પાછા મૂળી તથા જૂનાગઢ વગેરે ઠેકાણેથી કેટલાક સંતો આવ્યા હતા તે સર્વેને મળીને બાપાશ્રીએ સુખસમાચાર પૂછ્યા. પોતાનો ઠરાવ તો આ યજ્ઞમાં સૌને સુખિયા કરવાનો હોવાથી જે કોઈ આવે તેને બોલાવે, મળે, રમૂજ કરી હસાવે, વળી સભાપ્રસંગે કે સહજ સ્વભાવે મહારાજના મહિમાની ચમત્કારી વાતો કરે, તેથી સૌને દિવ્યભાવ વર્તતો, તેમ સહુ રાજી થતા. બહારગામથી સંત-હરિભક્તો આવે તેમને ઉતારા કરાવવા તથા જમાડવા વગેરેની ગોઠવણ કરાવવાનું કામ તો સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો તથા ગામના મોટા મોટા હરિભક્તો કરી લેતા તેથી બાપાશ્રીને તો એ કોઈ વાતની ચિંતા જ નહિ. એમને તો જ્યાં બેઠા હોય ત્યાં મૂર્તિનો જ વેપાર. પોતે સહજ વાત કરતા હોય તોપણ ‘મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે, એ મૂર્તિ તેજોમય દિવ્ય છે, માંહી નકરું સુખ ભર્યું છે.’ આવાં વચનોથી સૌને આનંદ ઊભરાતો. સંત-હરિભક્તોની ભીડને લીધે સાંજે આરતી વખતે મંદિરમાં હરિભક્તોની ઠઠ્ઠ થઈ જાય ત્યારે પણ સૌની વચ્ચે બાપાશ્રી જાડી આંગડી પહેરેલ તથા માથે મોટી પાઘડી બાંધી હોય એવા ધૂન્ય કરતા જોઈ સહુને ઉમંગ સમાય નહિ. સભામાં પણ પોતે સૌની વચ્ચે ધ્યાને યુક્ત બેઠા હોય. બાપાશ્રી ઠાકોરજી જમાડવાનું ક્યારે કરે છે તે તો પાસે રહેનારા સેવકો વિના બીજા કોઈ જાણી જ ન શકે, કેમ કે પોતે જરા વાર ઘેર આંટો દેવા ગયા હોય એટલામાં ઠાકોરજીને જમાડતા આવે. આ રીતે અલૌકિક ભાવે સૌને બાપાશ્રીનાં દર્શન થતાં હતાં.