૬૪૫ - સીનોગ્રાની પારાયણમાં પધાર્યા
ત્યાર પછી ભાદરવા માસમાં સીનોગ્રામાં મિસ્ત્રી ગાંગજીભાઈએ કથા કરાવવાનો આરંભ કર્યો, ત્યારે પોતે પ્રથમ પ્રાર્થના કરી ગયેલ હોવાથી બાપાશ્રી બે દિવસ પહેલાં ત્યાં પધાર્યા ને ભૂજના સંતોને સમજાવી સદ્ગુરુઓને તેડાવવા તાર કરાવ્યો, તેથી ભાદરવા સુદ એકાદશીને દિવસે સંતો આવી પહોંચતાં હરિભક્તો બહુ આનંદ પામ્યા. કથા તો ચાલતી હતી, પણ હરિભક્તોને આ સદ્ગુરુઓના દર્શનની તાણ રહેતી તે હવે પૂરી થઈ અને બાપાશ્રી પણ રાજી થયા. પછી તો સવાર-સાંજ કથા વંચાય, વચમાં સંતો તથા બાપાશ્રી વાતો કરે તેથી ગામોગામથી હરિભક્તો આવેલા તે સર્વે આનંદ પામે. રોજ કથાની સમાપ્તિ પછી કીર્તન બોલાય, પ્રસાદીઓ વહેંચાય ને જમવાનો સાદ પડે એટલે હરિભક્તોની પંક્તિઓ થાય ત્યાં બાપાશ્રી દર્શન દેવા પધારે, સંતોની પંક્તિ વખતે પણ બાપાશ્રી તો ત્યાં હોય જ. બપોરે સંતો નાહીને આવે ત્યારે પાછી કથાવાર્તા ચાલે, તે સાંજ સુધી બ્રહ્મયજ્ઞ ચાલ્યા જ કરે. રાત્રે આરતી-ધૂન્ય ટાણે મંદિર ઊભરાય, પછી સભા ભરાય ત્યારે સંતો વાતો કરે, મોડેથી સહુ નિયમ કર્યા પછી સૂવે; વળી સવારમાં સહુ નાહી-ધોઈ પૂજા કરી વહેલા પરવારે, એ વખતે આવતાં-જતાં નાનામોટા હરિભક્તો સહુ બાપાશ્રીનાં દર્શન કરી રાજી થાય. એમ કરતાં ચૌદશને દિવસે ઉત્સવિયા હરિભક્તોની મંડળીઓ આવતાં બહુ ધામધૂમ થવા લાગી. રાત્રે ઠાકોરજીની પાલખી ગામમાં ફરવા નીકળી, તે વખતે પણ શોભા નવીન જ બની હતી. હરિભક્તો ઉત્સવમાં કીર્તનની ઝીક મચાવે, વચ્ચે મહારાજની પાલખી પર તથા હરિભક્તો પર ગુલાલ ઊડે, ઘેર ઘેર સહુ મહારાજને વધાવે, એમ ગામમાં સહુ મહારાજની પૂજાઓ કરી રાજી થતા ત્યારે બીજા હરિભક્તો આખી રાત ઠેકાણે ઠેકાણે ગરબીઓ ગાતા હતા.
પૂનમના રોજ સવારમાં કથાની સમાપ્તિ વખતે મિસ્ત્રી ગાંગજીભાઈએ પુસ્તક, પુરાણી અને સંતોની ચંદન-પુષ્પથી પૂજા કરી એટલે આરતી થઈ, પછી સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં, એ વખતે બાપાશ્રીએ મિસ્ત્રી ગાંગજીભાઈ પર બહુ જ પ્રસન્નતા જણાવી, પછી સંત-હરિભક્તોને જમવાનું થયું ત્યારે પણ બાપાશ્રીએ સૌને દર્શન દઈ આશીર્વાદ આપ્યા એ રીતે સૌને રાજી કર્યા પછી બપોરના મિસ્ત્રી ગાંગજીભાઈએ તૈયાર રાખેલ સિગરામમાં બેસી બાપાશ્રી સદ્ગુરુ આદિ સંતોને સાથે લઈ અંજાર થઈ ભૂજ આવ્યા. ત્યાં ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી સભામાં બેઠા. પછી કથાપ્રસંગે પોતે વાત કરી જે, ‘આ સભા દિવ્ય છે અને મહારાજ તથા તેમના અનાદિ મુક્ત નિર્ગુણ છે, આ સભાને મહારાજ સાથે એક્તા છે, આવા મોટા સંત જ્યાં વિચરે તે ભૂમિનાં અહોભાગ્ય!’ આવાં મહિમાનાં વચનોથી સંત-હરિભક્તો ઘણા રાજી થયા, પછી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને કહ્યું જે, ‘તમે બે દિવસ ભૂજમાં રહી હરિભક્તોને રાજી કરી નારાયણપુર થઈ ભારાસર આવજો.’ એમ કહી પોતે વૃષપુર પધાર્યા.