૩૭૦ - જોશીપરામાં પાણી મીઠું થયું
ત્યાં થોડી વાર વિશ્રાંતિ લઈ ગામના હરિભક્તોને રાજી કરતા તુરત જ જવાનો વિચાર જણાવ્યો. હરિભક્તોએ રોકાવા આગ્રહ ઘણો કર્યો, પણ બાપાશ્રી કહે, ‘સંઘ મોટો છે તે ન રોકાવાય,’ એમ કહી ચાલ્યા. (એ વખતે સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા બીજા સંતો કચ્છી હરિભક્તો પચાસ જેટલા હતા) બાપાશ્રીએ સંઘના હરિભક્તોનો ટીમણ કરવાનો વિચાર જાણી ગામ નજીક કૂવો આવ્યો, ત્યાં ટીમણ કરવાનું કહ્યું, પણ એ કૂવાનું પાણી કડચું તથા ખારું હોવાથી ગામના માણસો વાપરતા નહિ, તેમ ઢોર પણ એ પાણી પીતાં નહિ. કોઈ માણસો એ માર્ગે થઈ રેલે જતાં ખબર વિના પાણી કાઢતા તો તેઓ પણ જરા ચાખીને ઢોળી દેતા. એ કૂવા પાસે જ લીંબડાની છાયા જોઈ સૌ ટીમણ કરવા બેઠા. હરિભક્તો તો જાણતા હતા જે, ‘આ કૂવાનું પાણી કામ આવતું નથી, એટલે કેટલાક ઉતાવળા જઈ સ્ટેશનને માર્ગે મીઠા પાણીની કૂઈ હતી તેનું પાણી ભરી લાવ્યા, તેથી સૌએ ટીમણ કર્યા. પછી બાપાશ્રીને નાહવાનો વિચાર થયો ને લૂગડાં ઉતાર્યાં, એ જોઈ એ ગામના હરિભક્ત ધરમસીભાઈ તથા જરવલાવાળા ગણેશભાઈ બેય પડખે બાપાશ્રીના હાથ ઝાલી ચાલ્યા, ત્યારે પોતે પાણી માટે એ ખારા કૂવાનાં પગથિયાં પર ચડવા માંડ્યું, ધરમશીભાઈ કહે, ‘બાપા! આ કૂવાનું પાણી વપરાતું નથી.’ તોપણ બાપાશ્રી તો તે કૂવાને કાંઠે આવ્યા ને પાણી સામી દૃષ્ટિ કરી કહ્યું, ‘પાણી તો સારું લાગે છે,’ પછી દોરીએ સહિત લોટો કૂવામાં નાખી પાણી કાઢી હાથમાં લઈ દૃષ્ટિ કરી, તે હાથનું પાણી કૂવામાં પાછું નાખીને બોલ્યા જે, ‘આ તો સારું પાણી છે,’ એમ કહી બહિર્ભૂમિ જઈ આવી ત્યાં જ નાહ્યા. પછી ફરી વાર લોટો ઊટકી પાણી કાઢી મહારાજને અંતર્વૃત્તિએ જમાડી પોતે પીધું ને બોલ્યા જે, ‘આ પાણી ક્યાં ખારું છે?’ પછી તો બધાય હરિભક્તો આશ્ચર્ય પામતા પાણી પીવા લાગ્યા. (આ કૂવાનું પાણી ત્યારથી ગામના બધા માણસો પીએ છે) એ રીતે તે ગામના કૂવાનું પાણી બાપાશ્રીની કૃપાથી મીઠું થયું.
હવે સંઘે સહિત બાપાશ્રી ત્યાંથી ગામોગામના હરિભક્તોને તથા મુમુક્ષુજનોને સુખિયા કરતા, વીરમગામ વગેરે ઠેકાણે હરિભક્તોના આગ્રહથી સૌને દર્શન દઈ, મૂળીમાં ઠાકોરજીનાં દર્શન કરવા તથા સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજીના અતિ હેતને લીધે ઊતર્યા.