૪૫૫ - ચમત્કારી દિવ્ય દર્શન ને ભલામણ
આ ઉછવણી કરનાર હરિભક્ત મોહનભાઈને મૂર્તિપ્રતિષ્ઠા થયાં પહેલાં થોડા દિવસે એવાં દર્શન થયેલાં કે, જાણે બાપાશ્રી આકાશમાંથી ઊડીને આવ્યા ને એમ બોલ્યા જે, 'અમારી સાથે જેને હેત ન હોય તેના પર અમે રાજી થતા નથી, તેમ તેને જેમ છે તેમ વાત કરતા નથી.' આટલું બોલતાં જ પાછા ઊડીને જતા રહ્યા, તેથી તેને એમ થતું હતું જે, 'બાપાશ્રી આમ અલૌકિક દર્શન દઈને આવું શું કરવા બોલ્યા હશે!'
એ વાતને હજી થોડા દિવસ થયા ત્યાં વળી એ જ ગામમાં રહેતા હરિભક્ત લાધાભાઈને બાપાશ્રીએ તેજોમય સ્વરૂપે દર્શન આપ્યાં ને કહ્યું જે, ‘તું અમને કેમ માનતો નથી? અમે મહારાજના સંકલ્પથી જીવનાં કલ્યાણ કરવા આવ્યા છીએ અને જે અમારી દૃષ્ટિમાં આવે તેને મહારાજ પાસે લઈ જઈએ છીએ, તેની તને ખબર નથી?’ ત્યારે તે હરિભક્ત કહે, ‘બાપા! હું તો તમને માનું છું ને મહિમા જાણું છું.’ એમ કહી હાથ જોડ્યા, એટલે બાપાશ્રી તેમના પર રાજી થયા. પછી વળી તેના મનમાં એવા સંકલ્પ થવા માંડ્યા જે, ‘બાપા આવ્યા ક્યાંથી ને પાછા જશે ક્યાં?’ ત્યાં તો તુરત જ એક મોટો વાંસનો પાલખો આકાશમાંથી આવ્યો. એટલે બાપાશ્રી ઝડપથી તેમાં બેઠા કે એ પાલખો ઊડ્યો, તે આકાશમાર્ગે જોતજોતામાં ચાલ્યો ગયો. બાપાશ્રીનું એ વખતનું તેજોમય દર્શન લાધાભક્તને એવું તો અલૌકિક લાગ્યું કે, છ મહિના સુધી તો તેનો એવો ને એવો કેફ રહ્યો.