૫૧૦ - મૂળીમાં પાટોત્સવની ધામધૂમ

0:000:00

મૂળીના સંતો અને હજારો હરિભક્તો આગળથી સ્ટેશને આવેલા તે સૌ બાપાશ્રીને જોઈને ઊંચે સ્વરે ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલતાં ઘણા રાજી થયા. મંદિરમાંથી સિગરામ લઈ શેઠ બળદેવભાઈ વગેરે સામા આવેલા, તેમાં બાપાશ્રી તથા સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને બેસારવાના હતા, પણ હજારો મનુષ્યની ભીડમાં સ્વામીશ્રીને અડચણ આવશે એમ ધારી તેમને બીજી ગાડીમાં પહેલા મોકલાવ્યા. ને સિગરામમાં બાપાશ્રીને બેસારી ચંદન, કુંકુમથી પૂજા કરી ફૂલના મોટા હાર પહેરાવ્યા. તે વખતે બાપાશ્રીએ શેઠ બળદેવભાઈ તથા વહેલાલવાળા ચતુરભાઈ તથા ડૉક્ટર નાગરદાસભાઈને પોતાની પાસે બેસાર્યા. હરિભક્તોની ભીડ ઘણી જ હોવાથી કેટલાય આવી આવીને બાપાશ્રીને હાર પહેરાવે, કોઈ હેઠે ઊભા ઊભા પહોંચી ન શકે તો છેટેથી ફૂલના હાર ખોળામાં નાખે, તે લઈ શેઠશ્રી વગેરે બાપાશ્રીના કંઠમાં પહેરાવે. આમ થોડી વારમાં તો બાપાશ્રી ફૂલથી ગરકાવ થઈ ગયા. પછી મોડું થતું હતું એટલે સિગરામ ચાલતો કર્યો, પણ સ્ટેશનેથી મંદિર સુઘી એકસરખી જ ભીડ જણાય. આગળ મંડળીઓ ઉત્સવ કરે, કેટલાક હર્ષભર્યા ઊંચા સાદે કીર્તન બોલે, કોઈ ‘સર્વે સખી જીવન જોવાને ચાલો રે’ તો કોઈ મારે આનંદનો દિન આજ રે,’ કોઈ ‘માણકીએ ચડ્યા રે મોહન વનમાળી’ તો કોઈ ‘વા’લા રમઝમ કરતા કાન, મારે ઘેર આવો રે’ એમ હેતે સહિત બોલતા આવે ને દર્શન કરતા આવે. સિગરામને અડખેપડખે કે આગળપાછળ ક્યાંય જગ્યા ન મળે. સૌ પોતપોતાના નાનામોટા ભાઈ કે સગાંવહાલાના હાથના આંકડિયા ભીડી ચાલે ને મહારાજના પ્રતાપની ને મહિમાની પરસ્પર વાતો કરે. વચમાં વળી કેટલાક હરિભક્તો ગુલાલ ઉડાડે ને ‘જય’ બોલાવે. એમ કરતાં સહુ ભોગાવા સુઘી આવ્યા ત્યાં તો મંદિરમાં ચોઘડિયાં ને ઉત્સવના નાદ સંભળાતાં જાણે આકાશમાં દેવનાં દુંદુભિ વાગતાં હોય તેવો ઘ્વનિ સંભળાતો હતો. ચારે તરફ ફરતા ઘોડેસવાર પોલીસો ખબરદાર! ખબરદાર! ખબરદાર! બાજુ રહો! એમ બોલ્યા કરે. તેમાં વળી અનાદિ મુક્તરાજ બાપાશ્રીના સિગરામની આગળપાછળ તો દરબારશ્રી તરફથી ખુલ્લી તરવારે પહેરો રાખવાનો હુકમ હોવાથી એ વખતની આ નિગુર્ણ મુક્તરાજની શોભા અતિ નવીન લાગતી. યજ્ઞકુંડમાં વેદોક્તમંત્રથી હવનહોમ ચાલતો હતો, પણ જ્યારે બાપાશ્રી મંદિરના દરવાજામાં પઘાર્યા ત્યારે તો મંડપમાં વિપ્રોએ પણ ઊંચે સાદે ઘણી વાર જય બોલાવી, તેથી યજ્ઞમંડપ ગાજી રહ્યો. પોલીસપાર્ટીને તો આ યજ્ઞમાં પોતાના આત્યંતિક મોક્ષ માટે બાપાશ્રી પાસે જાણે મજરો કરવાનો લાગ આવ્યો હોય તેમ જ્યાં એ બાપાશ્રીને જુએ ત્યાં ફરતા ફર્યા કરે ને બાપાશ્રીની આગળપાછળ તો ખુલ્લી તરવારવાળા પોલીસોનો પહેરો હોય જ. સૌ ઘડી ઘડી ખબરદાર! નજર રાખો! આગે ચલો! પીછે હઠો! બાજુ રહો! એમ બોલ્યા કરે, તેથી બાપાશ્રીની વારે વારે એ સહુના પર અમૃતનજર પડતી હતી. મંદિર પરથી બાઈઓનો સમૂહ પણ એવા જ ઉમંગથી દર્શન કરતો હતો. બાપાશ્રીને ચોકમાંથી મંદિર સુધી જતાં તો સાંજ પડવા આવી. હવે મંદિર પર બાપાશ્રી દર્શન કરવા પધાર્યા, ત્યાં પણ નવીનતા એ હતી જે, જેમ મંદિરમાં ચારે તરફ હથિયારબંઘ સેવકો હતા તેમ બ્રહ્મચારી મહારાજે ઠાકોરજીને પણ હથિયાર ધરાવેલાં હોવાથી શ્રીજીમહારાજે આ યજ્ઞની રક્ષા કરવા જાણે આજ હથિયારબંધ થઈ ભેઠ બાંધી હોયને શું! એવું જણાતું હતું. આવી શોભાએ યુક્ત મહારાજ તથા શ્રી રાધાકૃષ્ણદેવ આદિ સ્વરૂપોનાં બાપાશ્રીએ દર્શન કર્યા, એ વખતે મંદિર પર, ચોકમાં, યજ્ઞમંડપ કે સભામંડપમાં જયાં ને ત્યાં ‘જય જય ‘ શબ્દો થઈ રહ્યા હતા ને મહાપ્રભુની પ્રસન્નતા પણ કોઈ નવીન પ્રકારની જણાતી હતી. પછી ત્યાંથી બાપાશ્રી સભામંડપમાં શ્રી ઘનશ્યામ મહારાજનાં દર્શન કરવા પઘાર્યા, ત્યાં પણ મહારાજ જાણે મંદ મંદ હસતા હોયને શું! એવો રાજીપો જણાવી સૌને દર્શન દેતા હતા.