૪૯૪ - પાટોત્સવ કરવાની ઇચ્છા જણાવી

0:000:00

આ રીતે બાપાશ્રી કચ્છમાં યજ્ઞ-સમૈયા કરી સંત-હરિભક્તોને કથાવાર્તા અને જોગ-સમાગમે સુખિયા કરતા હતા, પણ ગુજરાત, ઝાલાવાડમાં તો આચાર્યશ્રી અને સંત- હરિભક્તોમાં મતભેદથી વિક્ષેપ ચાલ્યા જ કરતો હતો. પુરાણી નંદકિશોરદાસજીને આચાર્યશ્રીની સ્વતંત્ર સત્તા અને તમામ મિલકતને ખાનગી કરવાની રીત મુદ્દલ ગમતી જ નહિ, તેથી તેમણે આ સદ્‍ગુરુઓ અને મૂળીના સંતોને પોતાની પડખે રાખી ‘સત્સંગ મહાસભા’ની સ્થાપના કરાવી. પછી પણ તેઓ પ્રસંગે પ્રસંગે સંત-હરિભક્તોની સભાઓ ભરતા હોવાથી આચાર્યશ્રીને એમ લાગતું જે, ‘આ આપણા સામા પક્ષવાળા છે.’ આથી તેમનાં જે જે કામો હોય તેમાં પોતે સહાનુભૂત ન થતાં વિરોધ દર્શાવતા. બાપાશ્રીએ પણ આચાર્યશ્રીને સમજાવવા સંત-હરિભક્તોને બેત્રણ વખત મોકલી પ્રત્યન કરી જોયા, પણ તેમાં નિષ્ફળતા જોઈ, એ વાતનો આગ્રહ મૂકી દીધો. પણ પોતાને સદ્‍ગુરુઓ અત્યંત વહાલા હોવાથી તેમને કોઈ પ્રકારે કનડગત થતી જણાતી ત્યારે પોતે તેમની સહાયમાં ઊભા રહેતા. આથી કેટલીક વાર કાંઈ મૂંઝવણ જેવું કામ હોય તો સંતો કચ્છમાં આવીને બાપાશ્રીને પૂછી જતા, પણ હળવે હળવે વિક્ષેપથી આચાર્યશ્રી અને સંત-હરિભક્તોનાં મન જુદાં થતાં સત્સંગનાં નાનાંમોટાં કામમાં એકબીજાની પૂછ્યા વાટ જેવું રહ્યું નહિ. આચાર્યશ્રીને કામ કરવું હોય તો તેમાં આ સંતોની સલાહ ન લે, તેમ ભેળા ભેળવે નહિ; અને આ સંતોને કાંઈ કામ કરવા જેવું લાગે ત્યારે તે પણ આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજનું સ્વરૂપ આગળ રાખી કામ ચલાવી લે. એમ કરતાં મૂળીના સંતોને હવે શ્રી રાધાકૃષ્ણદેવનો પાટોત્સવ કરવાનો વિચાર થયો, કેમ કે શ્રીજીમહારાજે પોતે મૂર્તિ પધરાવી આપેલી તેને સવંત ૧૯૭૯માં વસંતે સો વર્ષ પૂરાં થતાં હતાં. આ વાત મોટી હતી અને તેમાં લાખો રૂપિયાનું કામ હતું, જેથી આ વાતમાં બાપાશ્રીનો શું મત છે એ જાણવા અમદાવાદ તથા મૂળીના સંતો ઉપર જણાવેલ યજ્ઞપ્રસંગે વૃષપુર આવવા નીકળ્યા, ત્યારનું તેમણે વિચારી રાખેલ હતું, પણ અહીં આવ્યા પછી યજ્ઞનું કામ ઘણા દિવસ ચાલ્યું; તેમ રોજ રોજ સંત-હરિભક્તોની સભામાં મહારાજના અલૌકિક પ્રતાપની તથા મૂર્તિના સુખની વાતો થયા કરતી, તેથી એ વાત બરાબર નિવૃત્તિ વિના પુછાય નહિ, એમ જાણી પૂછેલ નહિ.

પછી એક દિવસ સદ્‍ગુરુઓ તથા મૂળીના સંતો બપોરના વાડીએ નાહવા ગયા હતા ત્યાં એકાંત જેવું જોઈને પૂછ્યું જે, બાપા! દરેક મંદિરમાં ઠાકોરજી પધરાવ્યાને સો વર્ષ થાય ત્યારે પાટોત્સવ કરાય છે, તેમ મહારાજે મૂળીમાં શ્રી રાધાકૃષ્ણદેવ પધરાવ્યા તેને આવતી સાલે સો વર્ષ પૂરાં થાય છે તો હવે આ પાટોત્સવ કરવાનું કેમ કરવું? વિક્ષેપ ચાલે છે એટલે આચાર્યશ્રી ભળે નહિ. તેમ પૂછવા જતાં સરખો જવાબ મળે નહિ. કારણ કે તેમને કોર્ટમાં કામ ચલાવી પોતાના હક્ક નક્કી કરવા છે ને આપણે આ બધી મિલકત દેવની જ છે એમ કહીએ છીએ. એટલે એ વાંધા ઝટ પતે તેવું નથી. પણ આ પાટોત્સવ સાવ ઢૂકડો આવ્યો તેનું અમારે શું કરવું? મંદિરમાં રિસીવર બેઠા છે એટલે મંદિરમાંથી ખર્ચ કરવાની રજા મળે નહિ, ને આ કામમાં લાખો રૂપિયાની વાત, તેથી આપને અમે એકાંતે આ વાત પૂછવા ધારેલ હતું. પણ વચમાં નિવૃત્તિ ન મળતાં આજ જોગ આવ્યો માટે આપ મહારાજની મરજી જાણીને આજ્ઞા કરો તેમ કરીએ; આમાં અમારી નજર પહોંચતી નથી.’ આ વાત સાંભળી બાપાશ્રી ઘડીક તો નેત્ર મીંચી જાણે વિચારમાં પડી ગયા હોય તેમ થોડી વાર કાંઈ બોલ્યા નહિ પણ પછી જાગ્રત થઈને એમ બોલ્યા જે, ‘પાટોત્સવ તો કરજો. સો વર્ષે સમૈયો આવે તે કર્યા વિના કેમ ચાલે? શ્રીજીમહારાજનું કામ છે, તે પોતે પૂરું કરશે. તમે મહારાજને સંભારી આ સો વર્ષનો સમૈયો કરવા ગામોગામ ખરડા કરશો તો હરિભક્તો સેવાઓ કરશે તેમાં જરાય હરકત નહિ આવે. કોઈ પ્રકારની ચિંતા રાખ્યા વિના મહારાજ તથા મોટાને આગળ રાખીને આ કાર્ય કરજો. એટલે એ કોઈ વાતનો વાંધો નહિ આવવા દે. બે પક્ષ પડી ગયા છે તેથી સામાવાળાને નહિ રુચે, પણ આપણે તો શ્રીજીમહારાજ સામી નજર રાખવી ને કોઈ વાતનો અહંમમત્વ ન કરવો.’ આવાં વચનોથી પ્રસન્નતા જણાવીને આજ્ઞા પણ કરી, તેથી સંતોએ બીજું લાંબુંટૂંકું કાંઈ પૂછ્યું નહિ. તેમ બાપાશ્રીએ પણ તેમને એ જ વખતે કહી દીધું કે, ‘તમે અહીંના યજ્ઞનું બધું કામ પતાવી દીધું છે. માટે હવે કાલે જ દેશમાં જવાનું કરો, તમારી ત્યાં સહુ વાટ જોતા હશે. ત્યાં જઈને પાટોત્સવનો સમૈયો ધામધૂમથી કરજો. અમે પણ આવશું અને દિવ્ય ભાવે તો સદાય તમારા ભેળા છીએ.’ આમ કહ્યું તેથી બાપાશ્રી પાટોત્સવ કરવામાં ઘણા રાજી છે એમ જાણી બીજે દિવસ સંતો સર્વે ઠાકોરજીને જમાડી તૈયારી કરવા મંડ્યા. તે વખતે પણ ઘણું હેત જણાવી સૌ સંતોની ચંદન-પુષ્પથી પૂજા કરી આશીર્વાદ આપ્યા ને સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિને કહ્યું જે, ‘તમે પાટોત્સવ કરવામાં હિંમત રાખજો ને સો વર્ષનું ટાણું સાચવી લેજો. પાટોત્સવ થશે, મૂંઝાશો મા. અમે દિવ્ય દેહે તો તમારા ભેળા જ છીએ, પણ જે ઠેકાણે કામ પડે ને સંભારશો તો ત્યાંય આમ આવીને ઊભા રહેશું ને પાટોત્સવના સમૈયામાં પણ આવશું.’ આમ અતિ પ્રસન્નતા જણાવવાથી સંતો ઘણા રાજી થયા ને દેશમાં આવી મોટા મોટા સંત-હરિભક્તોને આ વાત જણાવી દીધી.