૬૭૩ - છેલ્લાં દર્શન કરવા ઉતાવળા મોકલ્યા
આ રીતે અહીં વાત કરતા હતા, ત્યાં ધ્રાંગધ્રાવાળા શિવલાલભાઈને બાપાશ્રીએ વૃષપુરથી મોકલ્યા ને કહ્યું કે, ‘તમે ઉતાવળા જશો તો પહોંચશો, નહિ તો ધનજીભાઈનાં દર્શન વિના રહી જશો, મહારાજ તેમને તેડવા પધાર્યા છે.’ આ રીતે ભલામણ કરેલ હોવાથી તે પણ શ્વાસભર્યા આવ્યા ને ‘જય સ્વામિનારાયણ’ કરી ઊભા રહ્યા. ત્યારે ધનજીભાઈ તેમને કહેવા લાગ્યા જે, ‘તમે અત્યારે ક્યાંથી?’ ત્યારે તે કહે, ‘મને બાપાશ્રીએ મોકલેલ છે ને તમને ‘જય સ્વામિનારાયણ’ કહ્યા છે.’ ત્યારે ધનજીભાઈ કહે, ‘બાપાશ્રી તો આ રહ્યા!’ એમ કહીને બોલ્યા જે, ‘લ્યો! હવે બધાયને ‘જય સ્વામિનારાયણ’, હું મહારાજ તથા બાપાશ્રી સાથે ધામમાં જાઉં છું.’ એ વખતે સહુ ધૂન્ય કરવા લાગ્યા ત્યાં તો જરા વારમાં ધનજીભાઈએ દેહ મૂક્યો. આ પ્રમાણે ધનજીભાઈ ધામમાં ગયાની વાત એ જ વખતે બાપાશ્રીએ વૃષપુરમાં સહુને કરી. પોતે હરિભક્તોએ સહિત નારાયણપુર આવવા નીકળ્યા.