૧૨૬ - છેલ્લી ભલામણ
આ વખતે સ્વામી ઈશ્વરચરણદાસજી ત્યાં આવ્યા. તેમણે પણ આ મુક્તરાજની તથા સ્વામીશ્રીની પૂજા કરી દંડવત્ કર્યા. પછી મળતી વખતે સ્વામીશ્રી કહે, ‘ભાઈ! આ સંતને ખૂબ રાજી કરજો ને તમારા જાણજો. એનાથી કાંઈ અંતરાય રાખશો મા.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘સ્વામી! એ તો બહુ જબરા જણાય છે. વચનામૃતનો અભ્યાસ ઘણો સારો છે, વળી તમારી પ્રસન્નતા છે, તેથી શું બાકી રહે?’ એમ કહીને એ બેય મુક્તોએ તેમના પર હાથ મૂક્યા. પછી સૌ સંત-હરિભક્તોને સાંભળતાં સ્વામીશ્રીએ વાત કરી જે, ‘આ અનાદિ મુક્તરાજ મહાસમર્થ છે, તેમનો મહિમા જાણી સૌ તેમને રાજી કરજો. આ પુરુષની આ ટાણે જોડ મળે તેવું નથી, બીજું શું કહું? હમણાં અહીં માંડવીવાળા મુક્તરાજ લક્ષ્મીરામભાઈ આવ્યા હતા, તે ઘણા દિવસ રહ્યા, તેમની સ્થિતિ જોતાં એ કેવા મોટા છે, તોપણ વારે વારે એમ કહેતા જે, ભાઈ તો દિવ્ય સ્વરૂપ છે. શ્રીજીમહારાજે એમને અનેક જીવોના મોક્ષને માટે મોકલ્યા છે. હું પણ તમને આ છેલ્લી ભલામણ કરું છું કે, ‘સહુ આ પુરુષનો જોગ-સમાગમ કરજો, પણ બીજે જ્યાંત્યાં ધોડા કરશો નહિ. સત્સંગમાં આમના જેવા બીજે ક્યાંય નથી,’ –એમ બોલ્યા, પછી ભાઈશ્રી આદિ કચ્છથી આવેલા સંત-હરિભક્તો ઠાકોરજી તથા દિવ્યસભાનાં દર્શન કરી ચાલ્યા, તે રેલે બેસી નવલખીએ ગયા; ત્યાંથી આગબોટમાં બેસી ખારીરોળ થઈ ભૂજ ગયા. ત્યાં સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજીને સ્વામીશ્રીના મંદવાડના સમાચાર આપી બીજે દિવસ પોતે વૃષપુર પધાર્યા, અને મુક્તરાજ કેસરાભાઈ, જાદવજીભાઈ આદિ સહુ પોતપોતાને ગામ ગયા.