૧૭૪ - પુરુષોત્તમભાઈને શ્રીજીમહારાજનાં દર્શન

0:000:00

એ વખતે ધ્રાંગધ્રાના સોની પુરુંષોત્તમભાઈ ત્યાં આવેલા તેમને ધ્યાનનું અંગ સારું હતું, પણ ધ્યાનમાં મહારાજને ધારતાં રાધાકૃષ્ણની મૂર્તિઓનાં દર્શન થાય પણ મહારાજ ન દેખાય, તેથી મનમાં ને મનમાં એ સંકલ્પ કર્યા કરે જે આનું કારણ શું હશે? પછી એક દિવસ તેમણે એ વાત બાપાશ્રીને જણાવી પ્રાર્થના કરી જે, ‘તમે મહાસમર્થ છો, તે મારા પર દયા કરો, એટલે મને ધ્યાનમાં મહારાજનાં દર્શન થાય.’ બાપાશ્રીએ તેમના વિનયવચનથી રાજી થઈ માથે હાથ મૂકી કહ્યું જે, ‘એમ ને એમ ધ્યાન કર્યા કરજો. તમને હવે મહારાજનાં દર્શન થશે.’ આવા આશીર્વાદથી તે રાજી રાજી થઈ ગયા ને જાણ્યું જે, ‘બાપાશ્રી તો આ ફેરે મારા સારુ જ આવ્યા હોય તેમ મારે થયું.’ પછી તો એ ઉમંગભર્યા મૂર્તિ ધારી ધ્યાનમાં બેઠા કે તુરત જ દિવ્યસ્વરૂપે શ્રીજીમહારાજે દર્શન દીધાં, એટલે એ તો સુખમાં ગરકાવ થઈ ગયા. ઘણી વારે જાગ્રત થયા કે તુરત બાપાશ્રી પાસે આવી દંડવત્ કરવા લાગ્યા; ત્યારે બાપાશ્રી કહે, ‘કેમ પુરુષોત્તમભાઈ!’ ત્યાં તો એ ગદગદ થઈ ગયા ને કહે, ‘બાપા! મને ન્યાલ કરી દીધો. આજ મહારાજે બહુ દયા કરી. તમારી કૃપાથી ધ્યાનમાં અલૌકિક દર્શન થયાં. હવે હું આપની પાસે બીજું કાંઈ માગતો નથી પણ આમ ને આમ શ્રીજીમહારાજ દર્શન આપે એ માંગું છું.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે ધ્યાન કર્યા કરજો, તો મહારાજ સદાય તમને એવાનેએવા દર્શન આપશે. મહારાજની દયાનો પાર નથી. એ તો જીવોને ન્યાલ કરવા આવ્યા છે. આ સમે સત્સંગમાં જે આવ્યા છે, તેનાં બહુ મોટાં ભાગ્ય છે. તમારા જેવા ધ્યાન કરનારાને મહારાજ સુખિયા કરે, એમાં શું કહેવું? આ સમે તો પામર કે પતિત જેવા જીવ હોય તે પણ મહારાજ ને મોટાની દૃષ્ટિમાં આવે એટલામાં કૃતાર્થ થઈ જાય છે.’ એમ કહેતાં કીર્તનની ટુંક બોલ્યા જે, “વાલો તરત કાપે છે બંધ કર્મનારે લોલ, પ્રેમાનંદ કહે આપે છે હરિ કોલ; નરનારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ’ આ રીતે વાત કરતા ઘણી પ્રસન્નતા જણાવી. તેથી પુરુષોત્તમભાઈ બહુ રાજી થયા ને કહ્યું જે, ‘બાપા! આજ મને તમે ન્યાલ કર્યો,’ -ત્યારે બાપાશ્રી કહે, ‘તમે રાજી થયા, એટલે અમે પણ રાજી થયા,’ -એવી રીતે મૂળીમાં સંત, હરિભક્તોને રાજી કરી બાપાશ્રી ચાલ્યા ત્યારે પણ સૌએ ચંદન-પુષ્પથી પૂજા કરી આશીર્વાદ લીધા. પછી બાપાશ્રી આદિ હરિભક્તો ત્યાંથી અમદાવાદ, જેતલપુર, ડભાણ, વડતાલ વગેરે ધામોમાં દર્શન કરવા ગયા.