૫ - મૂર્તિના સુખમાં અખંડ સ્થિતિ

0:000:00

આ પ્રકારે નિત્ય પ્રત્યે કાંઈ ને કાંઈ નવીન ચરિત્ર જોતાં માતાપિતા તથા પુરવાસી સહુ આશ્ચર્ય પામતાં હતાં. પોતાને તો સામર્થ્ય ઢાંકવા ઉપર જ તાન, જેથી મંદિરની સેવા કરે, સંતો આવે ત્યારે તેમને સેવાએ કરી રાજી કરે, વાડીમાંથી ફૂલ લાવે, હાર તૈયાર કરી સેવકને આપે, તે સેવક ઠાકોરજીને પહેરાવે. ભૂજ મંદિર કોઈ દર્શને જતા હોય તે ભેળા પોતે દેવબાઈની રજા લઈને જાય, ત્યાં ઠાકોરજીનાં દર્શન કરે; એ વખતે મહારાજ મંદ મંદ હસતા હોય એવું આ મુક્તરાજને જણાય. તેથી ઘણી વાર મૂર્તિઓ સામું જોઈને ઊભા રહે, દંડવત્ ધીમા રહીને કરે, પોતે ધોતિયું, કેડિયું અને પાઘડી પહેર્યા હોય તે શોભે બહુ. ભાલમાં તિલક વચ્ચે મોટો ચાંદલો કર્યો હોય તે જોઈ સ્વાભાવિક સૌની વૃત્તિ તેમના સામી ખેંચાય. ધ્યાનમાં ધણી વાર બેસી રહે! સંતોને દંડવત્ કરી સભામાં બેસે ત્યારે જાણે ઘણા વખતના અભ્યાસી હોય તેમ શોભે. જમવા સારુ ભાતું લાવ્યા હોય તેમાં ફક્ત ઘસિયો જ હોય, તે ટાણું થાય ત્યારે પાણીનો લોટો ભરી ઠાકોરજીને જમાડી લે. સાથે આવેલા હરિભક્તો શહેરમાં કાંઈક લેવા જાય, અને જો તેમને ભેળા તેડી ગયા હોય તોય આમતેમ ન જુએ, અને ઉતાવળ કરાવતાં કહે જે, આમ જે તે શું ખણો છો? આપણે તો એક મહારાજ ખપે. ભૂજમાં દર્શન કરવાનું નામ લઈને આવીએ, અને અહીં આવી જે તે વસ્તુ લઈએ તો મહારાજ રાજી ન થાય, એમ કહે. એકબે દિવસે દર્શન કરી વળતાં, માર્ગે કોઈ ગાડાં જતાં હોય ને તેમાં બેસારવા આગ્રહ કરે, તો કોઈ વખત ન બેસે, અને કોઈ વખત બેસે તો મૂર્તિના સુખમાં ઊંડા ઊતરી જાય. ગાડાવાળા જાણે જે, થાક્યા છે તે સૂઈ રહ્યા છે. વૃષપુર આવે ત્યારે જગાડે તો કહે, ‘તમારા ગાડામાં બેઠા એટલે તમે વિધ્ન કર્યું. હશે! આ ઊઠ્યા, એમ કહી ઊતરી પડે. પૂછે તો કહે જે, ‘અમે તો મહારાજના સુખમાં હતા.’ એક તો કોઈ ગાડે બેસારે, અને ગાડા માથે બેસી ઊંઘી જઈએ તો બીજી વાર કોણ બેસવા દે? અમે તો કોઈ દિવસ ઊંઘતા જ નથી. એમ કહે, પણ ગાડાવાળા જાણે આ શું બોલે છે? પણ આ અનાદિ મુક્ત મૂર્તિના સુખમાં અખંડ રહે છે, તે વાત તેના જાણ્યામાં ક્યાંથી આવે?