૫૬ - મૂર્તિનું અખંડ સ્મરણ

0:000:00

સભા ઊઠ્યા પછી ગોઠવણ થવા માંડી કે, ‘સંઘમાં મોટેરા કોણ?’ ત્યારે એક હરિભક્ત બોલ્યા જે, ‘મોટા આગેવાન હરિભક્તોમાં પ્રથમ તો અનાદિ મુક્તરાજ ભાઈશ્રી જ ગણાય. પણ એ તો મૂર્તિમાં જોડાઈ જાય તેથી તેમના પર કોઈ વ્યવહાર ન મુકાય. વ્યવહારે કુશળ ને સંઘની સેવા બરદાસ કરે તેવા આગેવાન હરિભક્તોમાં તો મુખ્ય મુક્તરાજ કેસરાભાઈ, જાદવજીભાઈ, કુંવરજીભાઈ, વિશરામભાઈ, દેવરાજભાઈ, ખીમજીભાઈ, શામજીભાઈ, નારાયણભાઈ, ધનજીભાઈ, માવજીભાઈ વગેરે ગણાય. બાઈઓમાં સૌને સાચવવાં ને સુખિયાં રાખવામાં રામપુરવાળાં મોટાં મુક્ત ધનબા તો આગેવાન છે જ.’ આ રીતે ગોઠવણ થઈ. ગામોગામ ખબર મોકલવામાં આવ્યા ને દિવસ નક્કી કર્યો જે, ‘આ દિવસે બધાએ ભૂજમાં ભેગું થવું.’ ઠરાવ નક્કી કર્યો હતો, તેથી નીમેલ દિવસે સૌ હરિભક્તો ભૂજ આવ્યા. ઠાકોરજી તથા સંતનાં દર્શન કરી રાત રહ્યા ને સવારમાં નિત્યવિધિ કરી થાળ જમાડી, સંત-હરિભક્તોને મળી ચાલવાની તૈયારી કરી ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલાવી ત્યારે મુક્તરાજ કેસરાભાઈએ સૌને એમ કહેવરાવ્યું જે, ભાઈશ્રી સંઘને કહે છે કે, ‘ચાલો ત્યાંથી સૌ મહારાજને ભેળા રાખજો, કોઈએ મૂર્તિ ભૂલવી નહિ.’ એ વચન સાંભળી હરિભક્તો મૂર્તિ ધારી ચાલવા મંડ્યા. માર્ગમાં કેટલાક એ રીતે ચાલતા. કેટલાક માળા ફેરવતા, કોઈક કીર્તન બોલતા, ને કોઈ મહારાજના મહિમાની વાતો કરતા. એમ જુદા જુદા પ્રકારે ચાલતાં સહુ અંજાર પહોંચ્યા. પછી ઠાકોરજી તથા સંતનાં દર્શન કરી ઠાકોરજીને જમાડી પ્રથમ મુકામ ત્યાં જ કર્યો.

વિશ્રામ કરી ત્યાંથી સંઘ ઊપડ્યો, તે માર્ગમાં ગામ સરકારપુર આવ્યું ત્યાં સર્વે રાત રહ્યા. ત્યાંથી વહેલા ઊઠી ચાલવા માંડ્યું ને નિત્યવિધિ કરવા ગામ કાજરડાની સીમમાં ઉતારો કર્યો. ત્યાં ઉતાવળા ઉતાવળા સ્નાનાદિ ક્રિયા સૌએ કરી. ભાઈશ્રી તો ધીરે રહી નાહ્યા ને ધોતિયું પહેર્યું, પણ જાણે શરીરમાં થાક લાગ્યો હોય કે ઉજાગરો નડ્યો હોય, તેમ જણાતું હતું. ઉઘાડે શરીરે એક ધોતીભર ઊભેલા સંઘ સામું ઘણી વાર જોઈ રહ્યા, તેથી મુક્તરાજ કેસરાભાઈએ પૂછ્યું, ‘ભાઈ! આમ કેમ થઈ રહ્યા છો?’ ત્યારે કહે, ‘ભાઈ! ઓમે.’ એમ કહી બીજું ધોતિયું ઓઢી પૂજા કરવા બેઠા. તિલક-ચાંદલો કર્યા પછી માનસીપૂજા કરીને મહારાજની મૂર્તિઓ પધરાવી દર્શન કર્યાં, તે ઘણી વાર મૂર્તિ સામું જોઈ જ રહ્યા. પછી લથડી પડ્યા કે તુરત સમાધિ થઈ ગઈ. સૌની વૃત્તિ પ્રથમથી એમના તરફ તો હતી ને આમ પૂજા કરતા નમી પડ્યા, તેથી સંઘ બધો ઊભો થઈ ઘેરી વળ્યો. જાદવજીભાઈ તથા વિશરામભાઈ આદિ સૌ બેઠા કરવા મંડ્યા, પણ એ ક્યાંથી બેઠા થાય? તે તો મૂર્તિમાં જોડાઈ ગયા. બાઈઓમાં મોટાં મુક્ત ધનબાને ખબર પડી, એટલે એ પણ જોઈને વિચારમાં પડી ગયાં. કેસરાભાઈ કહે, ‘હવે ભાઈનું નક્કી ન થાય, ઘડી બે ઘડીમાં જાગે કે સાંજ પડે, બે દિવસ થાય કે પાંચ દિવસ થાય, તેથી સંઘને આમ અધવચ રહ્યું ન પાલવે. માટે ગાડું ભાડે કરી તેમાં સુવારી સાથે લઈ ચાલો; જયાં જાગે ત્યાં વાત.’ પછી એક ગાડું ભાડે કરી ગાદલું પથરાવી માંહી સુવાર્યા. ઉઘાડે શરીરે હતા, તેથી સારી રીતે ઓઢાડ્યું ને મુખ ઉધાડું રાખ્યું. પડખે એક સેવક બેસાર્યો તે ખબર રાખે. આ રીતે સંઘની વચમાં ગાડું ચાલ્યું આવે ને સૌને અહો! અહો! થાય. કેટલાક એમ વિચાર કરે જે, ‘હવે આ ભાઈશ્રી કોણ જાણે ક્યારે જાગશે?’ એમ કરતાં સંઘ ગામ વાંટાવદર આવ્યો ત્યાંથી હળવદ છેટું હતું ને સમય થોડો હોવાથી ત્યાં જ નદીની રેતમાં સહુએ ઉતારા કર્યા ને નાહી, ટીમણ કરી મંદિરમાં દર્શન કરવા આવ્યા. ત્યારે ઠાકોરજી પાસે સૌએ ઢીંગલા મૂકતાં બે થાળીઓ ભરાઈ ગઈ. આ મુક્તરાજ તો સમાધિમાં હોવાથી ગામના હરિભક્તો ગોવિંદ શાહ તથા લધાભાઈ તથા અરજણભાઈ તથા ભૂરાભાઈ આદિ સૌએ તેમની પાસે જઈ દર્શન કર્યા. પછી નદીમાં કચ્છી સંધે આરતી-ધૂન્ય કરી ત્યાં જ સહુ સૂઈ રહ્યા; ને સવારમાં વહેલા નાહી, પૂજા કરી સૌ ચાલ્યા તે ગામ હળવદ પહોંચ્યા ત્યાં તો ગામના હરિભક્તોને ખબર પડી કે અનાદિ મુક્તરાજ ભાઈશ્રી સમાધિમાં છે, તેથી ત્યાં પણ ઘણા હરિભક્તો દર્શન કરવા ઊલટ્યા. એક તો સંઘ મોટો, ને બીજા ગામના હરિભક્તો, તેથી કેટલાક સમાધિ જોવા આવેલા, તેથી ઘણો સમૂહ એકત્ર થયો. સંઘના મોટેરા હરિભક્તોને હવે એમ થયું જે, ‘ભાઈશ્રી જાગે તો ઠીક,’ –એમ જાણી સૌ ફરતા બેસી ઊંચે સાદે ચેષ્ટાનાં પદ તથા કીર્તનો બોલ્યા, ત્યાં ભાઈશ્રી આળસ મરડી બેઠા થયા ને બોલ્યા જે, ‘હે મહારાજ! સ્વામિનારાયણ!’ જાગ્રત થયા એટલે જાદવજીભાઈ આદિ સૌ રાજી થયા. ( સમાધિમાંથી જગાડવા કોઈ વાર આ ઉપાય કામ આવે છે, એમ હરિભક્તોને ખબર હતી ). થોડી વારે હરિભક્તોને ‘જય શ્રી સ્વામિનારાયણ’ કર્યા. પછી દાતણ કરાવી નવરાવ્યા, પછી પૂજા પધરાવી દર્શન કરાવ્યા, ત્યારે પોતે અંતર્વૃત્તિ કરી માનસીપૂજા કરવા લાગ્યા. ધ્યાનસ્થ બેઠા જોઈને વળી સહુને એમ થયું જે, ‘આમ ને આમ ફરી વાર સમાધિમાં જતા રહેશે કે શું?’ પણ આ ટાણે તો પૂજા કરી બેઠા થયા. પછી સંઘ બધો ભાઈશ્રીને મળ્યો. ગામના હરિભક્તો પણ મળ્યા ને આનંદ આનંદ થઈ ગયો. એ વખતે મોટાં મુક્ત ધનબાએ તથા સંઘનાં બાઈઓએ ‘જય સ્વામિનારાયણ’ કર્યા. ધનબાએ પૂછ્યું, ભાઈ! તમે તો મહારાજ પાસે જતાં રહ્યા ને?’ ત્યારે ભાઈશ્રીએ કહ્યું, ‘આપણે બધાય મહારાજ પાસે છીએ, જવાનું ક્યાં હતું?’ આ વચનથી તેમને પણ સંતોષ થયો. ભાઈશ્રી થોડી વાર જાગ્રત બેઠેલા જોઈને સંઘના હરિભક્તોએ નિત્યવિધિ કરેલ હોવાથી ટીમણ કર્યું ને ભાઈશ્રીને જરા જમાડ્યા. તે વખતે ભાઈશ્રી એટલું બોલ્યા જે, ‘અહો! આ સંઘના ભાગ્ય તો જુઓ! શ્રીજીમહારાજ ભેળા ને ભેળા જ ચાલ્યા આવે છે.’ એમ કહી ગદગદ થઈ ગયા. સંઘના હરિભક્તો આ વચન સાંભળી અતિ પ્રફુલ્લિત થયા. મુક્તરાજ ધનબાએ આ વાત જાણી, તેથી તે પણ અહોભાગ્ય માનવા લાગ્યાં ને તેમણે સૌ બાઈઓને કહ્યું જે, ‘શ્રીજીમહારાજ સંઘ ભેળા છે, માટે કોઈ જેવાતેવા ઘાટસંકલ્પ ન કરજો; એક મૂર્તિ સંભારજો.’ પછી થોડી વારે સૌ સંઘે ત્યાંથી પ્રયાણ કર્યું, ત્યારે ત્યાંના હરિભક્તો એક ગાઉ સુધી વળાવવા આવ્યા, તે સૌને પાછા વાળીને ગામોગામ દર્શન દેતા, માર્ગમાં કથાવાર્તા તથા વિશ્રામ કરતાં, સંઘ બીજે દિવસ મૂળી ધામ પહોંચ્યો. ત્યાં ઠાકોરજી તથા સંત-હરિભક્તોનાં દર્શન કરી ઉતારા કર્યા. મૂળીમાં પાંચ દિવસ રહેવાનું છે, એમ માર્ગમાં સંઘમાં વાતો થતી હતી, તેથી ઘણા હરિભક્તો આ દિવ્ય સભાનાં દર્શન-સમાગમ સારુ હર્ષભર્યા મૂળીપુર આવ્યા; અને છસો જેટલા હરિભક્તો આ કચ્છી સંઘમાં હતા, તેથી મોટો સમૈયો હોય તેમ મંદિર ઊભરાવા લાગ્યું. ત્યાં નિત્ય પ્રત્યે વહેલા પરવારી ઠાકોરજીનાં દર્શન કરી, સભામાં સંઘના હરિભક્તો સૌ બેસી જતા, ત્યારે સભામંડપ ઊભરાઈ જતો. સામે સંતની સભામાં મોટા મોટા ગાદી-તકીયાવાળા વૃદ્ધ સંતો, સદ્‍ગુરુ સ્વામીશ્રી રાધામનોહરદાસજી, સ્વામી હરિનારાયણદાસજી તથા સ્વામી દેવચરણદાસજી, સ્વામી બાળકૃષ્ણદાસજી, સ્વામી દામોદરદાસજી, સ્વામી રામકૃષ્ણદાસજી તથા સ્વામી અક્ષરજીવનદાસજી તથા સ્વામી ત્યાગવલ્લભદાસજી તથા સ્વામી કુંજવિહારીદાસજી વગેરે આગળ બેઠેલા હોય ને પાછળ પણ વિશાળ સભા શોભી રહી હોય, તેથી એ બધી સભા દિવ્યરૂપ જણાતી. કથા થઈ રહ્યા પછી મોટા સંતો વાતો કરતા. વળી કોઈ સંતો ભાઈશ્રી પાસે વાત કરાવવા કાંઈક પૂછે, ત્યારે પોતે થોડું બોલતા, પણ સભામાં સૌને શાંતિ શાંતિ થઈ જતી. કાજરડાની સીમમાં સમાધિ થઈ હતી, એ વાત સંત-હરિભક્તોના જાણવામાં આવવાથી આ સમાધિવાળા છે એમ જાણી સૌનું લક્ષ તેમના તરફ સહજસ્વભાવે રહેતું. ભાઈશ્રી જયાં બેઠા હોય ત્યાં જાણે ધ્યાનમાં જ બેઠા હોય, એવું જોઈ મોટા સંત-હરિભક્તો ઘણા રાજી થતા. એક વખત સંતોએ ભાઈશ્રીને કહ્યું જે, ‘સભાને આપનાં બે વચન સાંભળવા ઇચ્છા રહે છે, તો આજ સૌને રાજી કરો.’ તે વખતે મુક્તરાજ કેસરાભાઈએ પણ કહ્યું, ત્યારે પોતે વાતો કરવા લાગ્યા જે, ‘આપણે મહારાજ તથા તેમના લાડીલા મુક્તને પળમાત્ર મૂકવા નહિ ને બીજે ક્યાંય ભાગ ન કરવો. આવી દિવ્ય સભા અહીં બેઠી છે ને કેટલાક વાટ જુએ જે, ‘ક્યારે મહારાજ તથા મોટાનાં દર્શન થશે?’ તે તો અજ્ઞાની કહેવાય. આજ શ્રીજીમહારાજ સભામાં પ્રત્યક્ષ બિરાજે છે. જુઓને! આવી સભા અક્ષરધામ વિના બીજે ક્યાંય છે? મૂર્તિમાંથી તેજ ઝળઝળાટ થઈ રહ્યું છે. આવી સભાનાં દર્શન બહુ દુર્લભ છે. આ તો મહારાજ દુર્લભ હતા તે સુલભ થયા છે. આંખો મીંચીએ તોય મહારાજ દેખાય, ને આંખો ઉઘાડીએ તોય આ દિવ્યસભા દેખાય. માટે બહુ જબરી પ્રાપ્તિ થઈ છે એમ જાણજો, ચિંતામણિ મળી પછી શું બાકી રહે? મહારાજની મૂર્તિ એવી છે. આ વાત જે જાણતા હશે તેને તો સદાય આનંદ ને આનંદ હશે, માટે અધરવૃત્તિ ન રાખવી. આ સભામાં મહારાજ, મુક્ત ને અક્ષરધામ બધુંય છે; આવી વાત કરી, તેથી સંત-હરિભક્તો આનંદમાં ગરકાવ બની ગયા ને કહેવા લાગ્યા જે, ‘આવી અલૌકિક વાતો ભાઈશ્રી કરે છે!’ પછી તો સવારે, સાંજે ને રાત્રે સભામાં તેમની વાતો સાંભળવા કેટલાક બેસી રહેતા, પણ તેમને બોલવાનું ઓછું તેથી દર્શન કરી સંતોષ વાળતા.