૫૪૬ - ધીરજનાં વચનો તથા ગુણનું વર્ણન
ત્યાં જઈ સૌ ભાઈઓને ‘જય સ્વામિનારાયણ’ કરી કેટલાંક ધીરજ રાખવાનાં વચનો કહેતાં બાપાશ્રી બોલ્યા જે, ‘સહુ હવે એમનું વૃત્તાંત સંભારી એમને ચીલે ચાલજો. એ તો મહારાજ પાસે જઈને બેઠાં ને જ્યાં સુધી અહીં રહ્યાં ત્યાં સૂધી એક રે`ણીએ રહ્યાં. એમના નિયમ પણ એવા! સવારમાં ઊઠીને પહેલાં ધ્યાન કરે, પછી મોટા મોટા સંતો, બ્રહ્મચારી, પાર્ષદ તથા બાઈઓ વગેરેને સંભારીને નામ લે. રોજ પાંચસો માળા ફેરવે, ચાર વાગ્યામાં પૂજા કરીને કથા વંચાવે તે આઠ વાગ્યા સુધી બેઠાં હોય. પછી કોઈ આવે તેને વાતો કરે, કોઈને મંદિરની કે સંત-હરિભક્તની સેવા કરતા દેખે તો ઘણાં રાજી થાય ને કહે જે, ‘તમારો અને અમારો સેવામાં સરખો ભાગ ને સરખું કલ્યાણ.’ પોતે જ્યારે યજ્ઞ કરતાં ત્યારે પ્રથમ થોડું પરિયાણ કરતાં હોય એવું લાગે, પછી તો દેશતેડાં જેવું મોટું કરી નાખે. પંક્તિમાં સહુના પર પાણી છાંટે ત્યારે મહારાજ તથા મોટાને સંભારીને કહે જે, ‘આ છાંટા જેના પર પડશે તેનું મહારાજ કલ્યાણ કરશે.’ વળી એક યજ્ઞ-પારાયણ થઈ રહે ત્યારે બીજું કાંઈક નિમિત્ત કરી મારી પાસે આવીને કહે, ‘ભાઈ! આ હું એટલા સારુ કરું છું કે કોઈ નવા જીવ જન્મ્યા હોય તે તમારા જેવા મોટાની દૃષ્ટિમાં આવે તો તેનાં કલ્યાણ થાય.’ વળી કોઈ હરિભક્ત બાઈ-ભાઈ દુઃખિયાં હોય તેને દ્રવ્ય કે બીજું કાંઈ જોતું-કારવતું આપે, પણ તે વખતે તેને એમ કહે જે, ‘આમાં મારું કાંઈ નથી, ઠાકોરજીનું છે, તેથી તમારો સારો વખત હોય ત્યારે ઠાકોરજીને અર્થે વાપરજો.’
વળી બાઈઓમાં કોઈને ધર્મનિયમમાં ફેર દેખાય તો સારી પેઠે વઢે ને કહે જે, ‘તમે આમ વચન લોપશો તો મહારાજ કલ્યાણ કેમ કરશે? પછી અમેય શાનાં રાજી થાશું! આ અમે તમારા કલ્યાણ સારુ વઢીએ છીએ, બીજો કોઈ મતલબ નથી. ‘એમ કહી મારી પાસે આવી આવીને વાત જણાવે ને પ્રાયશ્વિત્ત પૂછી જાય; કાં તો ભૂજમાં સાધુને પૂછાવી પ્રાયશ્ચિત્ત કરાવે. ઠાકોરજીની સેવા કરાવવાના કામકાજમાં તો પોતાને જે પવિત્ર જણાય તેને જ રાખે.
કોઈ અસદ્દગતિને પામેલ હોય અને તેના સંબંધી આવીને પ્રાર્થના કરે તો મારી પાસે આવીને કહે જે, ‘એનું સારું કરો. ‘ પછી આપણે તો મહારાજને સંભારીને કહીએ એટલે તેનું ઠેકાણું મહારાજ પાડે. કોઈ વાર મહારાજે તેમને દર્શન આપીને કહ્યું હોય કે, ‘આ વર્ષ સારું નહિ આવે,’ તો હરિભક્તોને પોતે ભલામણ કરે કે, ‘આ વર્ષમાં અનાજ, ચાર, પૂળાનો સંગ્રહ કરજો.’
આવું તેમનું દૃઢ અંગ તથા સત્સંગનો પક્ષ તેણે કરીને તેમના ઉપર મહારાજ તથા મોટા મુક્તની બહુ દયા હતી.
આવાં મોટાં હતાં તોય કથાવાર્તા વિના ઘડીયે ન રહેતાં. એવા એમના ગુણ સંભારીને આપણે પણ આ દેહે મહારાજને રાજી કરી લેવા. એ ધામમાં પહોંચ્યાં ને આપણે સહુને જવું છે, એમ કહી સૌને ‘જય સ્વામિનારાયણ’ કહેતા ઊઠ્યા ને મંદિરમાં આવ્યા. પછી સાંજે મોટા મોટા હરિભક્તો ભેળા થયા ત્યારે મુક્તરાજ ધનબાની પાછળ શું શું કરવું તે વિચાર કર્યો.