૪૯૫ - પ્રાર્થનાપત્રનો પ્રત્યુત્તર લખાવ્યો

0:000:00

ત્યાર પછી જેઠ માસમાં અસલાલીવાળાં કંકુબા જેતલપુરમાં રહેતાં હતાં, તેમને શરીરે મંદવાડ વધી જતાં તેમનાં શિષ્ય મોંઘીબા પાસે બાપાશ્રીને તેમણે પ્રાર્થનાભરેલો પત્ર લખાવ્યો જે, ‘તમે હવે મહારાજને લઈને વહેલા પધારજો. અંતર્વૃત્તિએ તો અખંડ સંભાર્યા કરું છું, પણ પ્રત્યક્ષ દર્શનની વાત જુદી છે. તમે અંતર્યામી ને મહા સમર્થ છો ને ખરે ટાણે જીવને મહારાજના સુખમાં લઈ જવાની ખબર રાખો છો. તેમ મારી સંભાળ લેશો.’ આવો પત્ર આવતાં બાપાશ્રીએ ઘણી પ્રસન્નતા બતાવી ને તે કાગળ હરિભક્તો પાસે બેત્રણ વાર વંચાવ્યો. પછી તેમને પોતે ધીરજનાં વચનો લખાવ્યાં કે, ‘મહારાજ આપણને જેમ રાખે તેમ રાજી રહેવું ને એમને અખંડ સંભાર્યા કરવા. આગળ મોટા મોટાને શરીરમાં ક્ષય, ઝાડા, તાવ, તણખિયા વા વગેરે રોગ જણાતા, પણ એ પરની સેવાને અર્થે હતા; કેમ જે કેટલાયને એ નિમિત્તે સેવા મળે. વળી ઔષધિ કે ફળફૂલ જે કાંઈ મોટાના ઉપયોગમાં આવે તેનું રૂડું થાય. માટે શરીરમાં વ્યાધિ જણાતી હોય તોય ધીરજ રાખવી ને દેહદૃષ્ટિ બદલાવી મૂર્તિઆકારે વૃત્તિ કરી દેવી, પણ કોઈ રીતે મૂંઝાવું નહિ. ટાણું થશે એટલે મહારાજ ને મુક્ત આવીને ઊભા રહેશે.’ આવો પત્ર પહોંચતાં તેમને ઘણી શાંતિ થઈ.