૪૫૮ - મુક્તરાજ મૂળીએ પધારતાં આચાર્યશ્રીને આમંત્રણ
મૂળીએ સહુ વાટ જોઈ રહ્યા હતા ને મોટા મોટા હરિભક્તોએ સહિત બાપાશ્રી પધાર્યા તે જોઈ સંત-હરિભક્તો ઘણા રાજી થયા ને સૌને એમ જ થઈ ગયું કે, હવે કોઈ જાતની હરકત નહિ આવે. આચાર્યશ્રી તથા સંત-હરિભક્તોનાં મન નોખાં પડી ગયાં છે, તે આવા મહા મુક્તરાજની કૃપાથી ભેળાં થઈ જશે. પછી સૌએ મળી નિર્ણય કર્યો કે, 'બાપાશ્રી તથા આચાર્ય મહારાજ અહીં ભેળા થાય તો મોટા મોટા સંત-હરિભક્તોના સમૂહમાં જે જે વાત થાય તેનો તુરત નિવેડો આવી જાય.’ આ વિચારે ભૂજ રાજ્યના હજૂરી ઘેલાભાઈ, કોટવાળ ધનજીભાઈ તથા નારાયણપુરવાળા ધનજીભાઈ અને બીજા બે હરિભક્તોને આચાર્યશ્રીને મૂળીએ તેડી લાવવા અમદાવાદ મોકલ્યા. તેઓ ત્યાં પહોચ્યાં પછી પ્રથમ ઠાકોરજીનાં દર્શન કરી આચાર્ય મહારાજ પાસે જતાં જરા વાર લાગી તેટલામાં તો વિરુદ્ધ પક્ષના રાગદ્વેષવાળા માણસો તરફથી આચાર્યશ્રીને એવું સમજાવવામાં આવ્યું કે, 'આ ટાણે તમને આ લોકો તેડવા આવ્યા છે, પણ ત્યાં જઈને કોઈ તમારું સામૈયું વગેરે સન્માન ન કરે તો કેટલું ખોટું દેખાય! માટે અત્યારે તો ત્યાં જવું એ ઠીક જણાતું નથી, પછી આપની મરજી.' આવાં વચનો પ્રથમ તેમને કાને પડી જવાથી આ હરિભક્તોએ આચાર્યશ્રી પાસે જે જે પ્રાર્થનાઓ ને સમજાવટ કરી તે સર્વે ફોગટ ગઈ. ભૂજ રાજ્યના હજૂરી ઘેલાભાઈ તથા કોટવાળ ધનજીભાઈ વગેરે વ્યવહારકુશળ ને મહિમાવાળા હરિભક્તોએ ઘણાં વિનયવચનોથી સમજાવવા બહુ મહેનત લીધી ને કહ્યું કે, 'મહારાજ! એક વાર અમારું માનીને જુઓ તો ખરા! તમારા સાથે કોઈને ભિન્નભાવ નથી. અનાદિ મુક્તરાજ બાપાશ્રી કચ્છમાંથી મૂળી સુધી આપને મળવા સારુ આવ્યા છે ને એમના કહેવાથી આપને તેડવા અમે આવ્યા છીએ તો તમારે પણ મૂળીએ આ વખતે જરૂર પધારવું જોઈએ. મોટા મોટા હરિભક્તો સમૈયામાં આવ્યા છે તે પણ સૌ વાટ જોઈ રહ્યા છે, તેથી પરસ્પર એકબીજામાં જે કાંઈ અસંતોષ જણાય છે તે મટી જશે. બાપાશ્રી મહા સમર્થ મુક્તરાજ છે અને તેમની તમારા પર પૂરતી લાગણી છે. તમે પણ મહારાજનું સ્વરૂપ કહેવાઓ, એટલે બંને પરસ્પર ભેળા થાઓ તો જે વાતની ગૂંચ નડતી હોય તે નીકળી જાય. જો આપને ત્યાં પધારવા મરજી ન હોય તો એમને અહીં બોલાવીએ.' એવાં એવાં ઘણાં વચનો કહ્યાં, પણ એકે વાતનો ખુલાસો ન કરતાં એટલું બોલ્યા કે, 'જે કાંઈ થાય છે તે ભગવાનની ઇચ્છાથી થતું હશે. તમારે જવું હોય તો જજો ને મારા સૌને 'જય સ્વામિનારાયણ' કહેજો.' આવો જવાબ મળતા કોટવાળ ધનજીભાઈ તથા હજૂરી ઘેલાભાઈ આદિ હરિભક્તો નિરાશ થઈને પાછા મૂળીએ આવ્યા.