૩૧૨ - ઘોડી પરથી પડી ગયા

0:000:00

આમ થોડો સમય વીત્યા પછી એક દિવસ બાપાશ્રી ઘોડી પર બેસી ભૂજ દર્શને જવા નીકળ્યા. માર્ગમાં ઘોડી ધીમે ધીમે ચાલી જતી હતી ને પોતે પાઘડી માથે ધોતિયાનું બોકાનું વાળી મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખી બેઠા હતા. એ વખતે ઓચિંતાના સાતઆઠ બાવાઓ ઉતાવળા ચાલતા એ માર્ગે નીકળ્યા. બાપાશ્રી તો પોતાના ધ્યાનમાં હતા ને ઘોડી ભડકી, તે ચારેય પગે ઊલળીને ભાગી, પણ તે બાવાઓએ તો પાછું વાળી જોયું નહિ ને આ અનાદિ મુક્તરાજ તો ઘોડીથી હેઠા પડી ગયા, એટલે ઘોડી ત્યાં જ ઊભી થઈ રહી. જમીન કઠણ હોવાથી મૂઢમાર ઘણો થયો ને પોતાની મેળાએ ઉઠાયું નહિ, તેથી ત્યાં જ સૂતા રહ્યા. ચાર-પાંચ કલાક થયા હશે, ત્યારે માર્ગમાં ગાડાંવાળા નીકળ્યા ને પાસે જઈ જોયું તો અબજી બાપા! પછી આમ કેમ થઈ ગયું વગેરે વાત પૂછી. બે જણે જઈને માંડ માંડ ઉપાડી ગાડામાં બેસાર્યા ને ઘોડી ગાડા વાંસે બાંધી ધીરે ધીરે ભૂજ મંદિરમાં લાવ્યા. સંત-હરિભક્તોને બાપાશ્રીની આવી હાલત જોઈ ઘણું દુઃખ થયું ને આસનમાં હળવેથી સૂવાર્યા, આંબાહળદર વગેરે ભરી શેક ચાલતો કર્યો.

આ વખતે બાપાશ્રીના અનન્ય સેવક કણભાવાળા આશાભાઈ ભૂજમાં આગળથી આવેલા હતા, તેણે તો બાપાશ્રીની આવી સ્થિતિ જોઈ રોવા જ માંડ્યું તે કેમ ય છાના ન રહે. એ જોઈ બાપાશ્રીએ તેમના પર હાથ ફેરવી સૂતાં સૂતાં ધીરજનાં વચનો કહ્યાં, ત્યારે માંડ છાના રહ્યા, પણ સહુના સાંભળતા ઘોડી પર રીસ કરી બોલ્યા જે, ‘બાપા! તમને ઘોડીએ આવું લગાડ્યું, તે એના કલ્યાણમાં વાંધો નહિ આવે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘આશાભાઈ! એમાં એનો શું વાંક? બિચારી એ તો મને ઉપર બેસારીને અહીં લાવતી હતી, પણ ઓચિંતાની એ ઘોડી ભડકી ને મારું શરીર હાથ ન રહ્યું, તેમાં એ શું કરે? હશે! તમારે તેનો ઉપકાર માનવો જોઈએ, કેમ કે હવે તમને વધુ સેવા કરવાનું મળશે. જો ઘોડીએ આમ ન પાડ્યા હોત તો તમને આવી સેવા ક્યાંથી મળત?’ ત્યારે આશાભાઈ કહે, ‘બાપા! આવી સેવા કાંઈ હોય! આમાં તો અમને દુઃખ થાય, સારું ન લાગે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘આગળ મોટા મોટા થઈ ગયા તેની તમે વાત તો વિચારો! એ બધા દેહનાં કષ્ટને કેવા ખમતા! આપણે તો એમ જાણવું જે, જેમ શ્રીજીમહારાજની મરજી હશે તેમ થયું હશે. એમાં કોઈનું ડહાપણ કામ ન આવે.’ આવાં વચન સાંભળી આશાભાઈને કાંઈક શાંતિ આવી. પછી સંત-હરિભક્તોએ સવાર-સાંજ ઘણો શેક કર્યો. તેથી પાંચમે દિવસે ધીમે ધીમે ચલાય એવું થયું. એ વખતે જે જે સંત-હરિભક્તોએ સેવા કરેલી તેના પર આ અનાદિ મુક્તરાજ બાપાશ્રી ઘણા રાજી થયા ને કહ્યું જે, ‘તમે મારી આ ફેરે ઘણી સેવા કરી છે, તેનો બદલો તમને શ્રીજીમહારાજ આપશે.’ પછી પોતે ઘેર જવા ઇચ્છા કરી, તેથી સંતોએ મંદિરનો સિગરામ જોડાવી વૃષપુર મોકલ્યા. સાથે આશાભાઈ પણ ગયા ને ત્યાં જઈ થોડા દિવસ વધુ તાપશેક કરી ઘણી સેવા કરી. થોડા દિવસ પછી તેમને દેશમાં જવાનું કહ્યું, ત્યારે પણ થોડો વખત રહેવા માટે બહુ આગ્રહ જણાવ્યો, તેથી પંદર દિવસ વધુ રાખી પછી રજા આપી.