૩૮૨ - ડાહ્યાભાઈને ધામમાં તેડી જવાનું વરદાન
એક દિવસ રાત્રે બાપાશ્રી આસને સૂતા હતા, ત્યાં મિસ્ત્રી ડાહ્યાભાઈ આવીને બેઠા, એટલે પાધરું જ બાપાશ્રીએ પૂછ્યું જે, ‘ડાહ્યાભાઈ! તૈયાર છો કે નહિ? તમને ધામમાં તેડી જવા છે.’ આ વચન સાંભળી તે તો વિચારમાં જ પડી ગયા ને થોડો વખત રહેવાની ઇચ્છા બતાવી પ્રાર્થના કરી કે, ‘બાપા! હજી મારે ત્રણ વર્ષ રહેવાની ઇચ્છા છે તે રાખો તો સારું.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે! રાખશું, પણ ત્રણ વર્ષે પરવારી લેજો; પછી વધુ કહેશો તો નહિ રાખીએ.’
આ પારાયણમાં સવાર-સાંજ બાપાશ્રી સભામાં વાતો કરતા ને ક્યારેક સદ્ગુરુઓ વાતો કરતા. કથાની સમાપ્તિ થયે રોજ કીર્તન બોલાય, પછી જમવાનો સાદ પડે એટલે હરિભક્તો જમવા જાય. મુક્તરાજ ધનબા સાથે તેમના સેવક કાનબા તથા બાપાશ્રીનાં પુત્રી વગેરે આવેલાં હોવાથી બાપાશ્રીને જમાડવાનું તેઓ તેમની પાસે જ કરતા.