૬૨૪ - બાપાશ્રી કરાંચી પધારતાં હરિભક્તોનાં હેત
માંડવીથી તાર કરી ખબર આપેલા હોવાથી ઘણા હરિભક્તો આગબોટ પર મોટરો લઈ સામા આવેલા તે સૌને આ અનાદિ મુક્તરાજ બાપાશ્રીનાં દર્શન થતાં રાજી રાજી થઈ ગયા. બાપાશ્રી સાથે એ વખતે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી, હરિજીવનદાસજી, કુબેર ભક્ત, આશાભાઈ, મોતીભાઈ, બાપાશ્રીના પૌત્ર માવજીભાઈ, નારાયણપુરવાળા ખીમજીભાઈ તથા ધ્રાંગધ્રાવાળા શિવલાલભાઈ અને હળવદના મોહનભાઈ એટલા હતા. આ બધા દિવ્ય સમૂહને જોઈ સૌ દંડવત્ કરી મળ્યા; પછી બાપાશ્રી તથા સંત-પાર્ષદોની ચંદન-કુંકુમ ને ફૂલહારથી પૂજા કરી, મોટરમાં બેસારી, શહેર વચ્ચે મોટું ટાવર છે ત્યાં હરિભક્તો ઉત્સવ-મંડળીઓ સાથે ફૂલના હાર લઈ ઊભા હતા ત્યાં લાવ્યા. બાપાશ્રી તથા સંતોને જોઈ હરિભક્તો સહુ ઘેરી વળ્યા, તે વખતે બાપાશ્રી સંતોને કહે, ‘તમે પહેલાં મંદિરમાં પધારો, ઘણા મનુષ્યની ભીડ છે તેથી તમને નહિ ફાવે,’ એમ કહી તેમને ત્યાંથી જ મોકલ્યા. પછી બાપાશ્રીનાં દર્શન કરતા હરિભક્તોથી તે ટાવર પાસે રસ્તાઓ રોકાઈ જતાં સૌ ઉતાવળથી હાર પહેરાવી પગે લાગવા મંડ્યા અને ચારેકોર માણસોની ભીડથી ગાડી, મોટરો ને ટ્રામ વગેરે અટકી જતાં માર્ગ ખુલ્લો કરવા સૌ લાઈનબંધ ગોઠવાઈ ગયા; પછી ઉત્સવ-મંડળીઓએ ઉત્સવ કરવા માંડ્યો અને હરિભક્તો તથા નાનાં બાળકો કીર્તન બોલતા આગળ ચાલ્યા. માર્ગમાં પણ કેટલાક હરિભક્તો બાપાશ્રીને હાર પહેરાવતા આવે, કોઈ છૂટાં ફૂલ ઉછાળે, તો કોઈ ગુલાલ નાખે, કેમ કે એ દિવસ ફૂલડોલનો હોવાથી હરિભક્તો પર તથા ઉત્સવ-મંડળીઓ પર પણ ગુલાલના છંટકાવ થઈ રહ્યા હતા. સૌ ધીરે ધીરે ચાલતા તડકાને લીધે તાપ વધુ લાગવાથી બાપાશ્રીનું જાડું કેડિયું તો પરસેવે પલળી રહ્યું હતું. આથી હરિભક્તોએ બાપાશ્રી પર મોટી શાલ બેય કોરથી ઝાલી રાખવા માંડી, એ જોઈ પોતે હરિભક્તોને કહ્યું, ‘આ લૂગડું આડું ન રાખો, કેટલાક મેડી ઉપર રહેતા હશે તેને દર્શન નહિ થાય.’ એમ રાજીપો જણાવી સહુના પર કૃપાદૃષ્ટિ કરતા તથા પાસે આવી પગે લાગનાર મુમુક્ષુઓ કે હરિભક્તો ઉપર હાથ મૂકતા, કોઈને કંઠમાંથી ઉતારીને હાર પહેરાવતા, શહેરના મોટા રસ્તાઓમાં ફરી અનેકને દર્શન આપી ગાજતેવાજતે બાપાશ્રી અગિયાર વાગ્યાના સુમારે મંદિરના દરવાજે આવ્યા ત્યાં તો ચોકમાં તથા બહાર રસ્તા ઉપર મનુષ્યની બહુ જ ભીડ થઈ રહી, તે વચ્ચે પોતે ભાલમાં ચંદન ચર્ચેલ તથા કંઠમાં ઘણા ફૂલહાર ને ગુલાલવર્ણાં વસ્ત્રોએ સહિત શોભી રહેલા સૌને ‘જય સ્વામિનારાયણ’ કરતા મંદિરમાં પધાર્યા.