૬૪૮ - દહીંસરામાં દર્શન આપ્યાં

0:000:00

પછી સંતોને કહ્યું હતું તે પ્રમાણે તેઓ બે દિવસ માનકૂવે રહીને દહીંસરે ગયા. ત્યાં પણ બાપાશ્રી ઘોડીએ બેસી સેવક આશાભાઈ સાથે સવારમાં આવી પહોંચ્યા, તેથી સંતો તથા તે ગામમાં રહેતા મુક્તરાજ કેસરાભાઈના પુત્રો દેવજીભાઈ તથા ખીમજીભાઈ આદિ હરિભક્તો બહુ રાજી થયા. ત્યાં પણ સંતો સાથે પોતે બે દિવસ રહ્યા. ત્યાં સુધી હરિભક્તો ઘરનાં કે વાડીઓનાં કોઈ કામકાજ ન કરતા પાસે ને પાસે આવી બેસી રહેતા, તેથી સભા તો ભરી ને ભરી જ રહેતી. વળી હરિભક્તોને વચનામૃતનો અનુભવ બહુ સારો હોવાથી સ્વામીશ્રી સભામાં એવા પ્રસંગો કાઢતા કે હરિભક્તો રાજી રાજી થઈ જતા.

એક દિવસ બાપાશ્રીએ વાત કરી જે, 'કઈક જીવના કાષાય કાઢી નાખે એવા શ્રીજીમહારાજ આપણને મળ્યા છે. તે મૂર્તિમાં રસબસ થઈ રહેવું. મહારાજ તો કેવળ કૃપાસાધ્ય છે, તે કૃપા કરીને જીવોના ઉદ્ધાર કરે છે.' પછી એમ બોલ્યા જે, 'આજ શ્રીજીમહારાજ સત્સંગમાં રોઝે ઘોડે બેસીને ફરે છે, તે જે આજ્ઞા લોપશે તેને ફડાક ફડાક મારશે.' એ વખતે વીરમગામથી ડૉક્ટર નાગરદાસભાઈ રાત્રે આવેલા તે સંબંધી સંતો એકબીજામાં વાતો કરતા હતા, તે સાંભળી પોતે એમ કહ્યું જે, 'એક હરિભક્તને બહુ દુઃખ હતું, તે માટે એ પ્રાર્થના કરવા આવ્યા હતા, તે એનું કેવું હેત કહેવાય? એને આપણો વિશ્વાસ છે, તેથી પાંચસો ગાઉનો ધક્કો ખાધો. એમને મહારાજ તથા તેમના મુક્ત વિના બીજા કોઈને રક્ષાના કરનારા જાણ્યા નથી. એવો મહિમા સમજનારા થોડા.' પછી દેવજીભાઈ તથા ખીમજીભાઈએ બાપાશ્રીને હરિભક્તોને ઘેર પધારવાની પ્રાર્થના કરી. તેથી ગામમાં પોતે હરિભક્તો સાથે ઘેર ઘેર દર્શન દેવા પધાર્યા.

બીજે દિવસે રામપુરથી દેવરાજભાઈ તેડવા આવ્યા, એટલે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, 'આ ગોડપરના હરિભક્તો આવ્યા છે તે તેમને ગામ લઈ જવાનું કહે છે, ત્યાં તો આ દેવરાજભાઈ રામપુર તેડી જવા આવ્યા, તે હવે એનું કેમ કરશું?' ત્યારે સ્વામીશ્રી કહે, 'પહેલાં આપણે રામપુર જઈ આવીએ ને પછી ગોડપર જઈએ તો ઠીક.' આ રીતે નક્કી કરી કથાવાર્તા કર્યા પછી ઠાકોરજીને થાળ જમાડી બપોરના સહુ રામપુર જવા નીકળ્યા, તે ટાણે હરિભક્તો ઘણા વળાવવા આવ્યા અને કેટલાક તો ગંગાજીએ નાહવા ભેળા ચાલ્યા.