૬૦૪ - યજ્ઞ-પરિયાણ તથા સંતોને આમંત્રણ

0:000:00

સ્વામીશ્રી આદિ સંતોને ગુજરાતમાં મોકલ્યા પછી પોતે યજ્ઞ કરવા ધાર્યું, પણ એ વાતની ગોઠવણ કરવામાં ફક્ત પોતાના પુત્રાદિને ખબર અને બીજું ધનજીભાઈનું કુટુંબ જાણે, પણ બીજા કોઈને વાત કરેલ નહિ. તોપણ હળવે હળવે સામાન ભેળો કરતાં ગામના હરિભક્તોને એમ થયું જે, ‘હમણાં બાપાશ્રી આટલો બધો સામાન શા માટે ભેળો કરતા હશે?’ એમ કરતાં એ વખતે સુખપુરમાં પાછી સાત દિવસની વચનામૃતની પારાયણ બેઠી, ત્યાં પોતે સમાપ્તિને દિવસે પધાર્યા ને સહુને દર્શનદાને રાજી કરી સંતો ભેળા ભૂજ ગયા. ત્યાં સ્વામી ભક્તિપ્રિયદાસજી આદિ સંતમંડળ તથા ભોગીલાલભાઈ, ધનજીભાઈ, સોની મોતીભાઈ આદિ હરિભક્તોને ભેળા કરી પોતાનો વિચાર જણાવ્યો ને કહ્યું જે, ‘તમે સંતો સૌ રાજી થઈને હા પાડો ને કથાનો નિર્ણય કરી આપો તો એક પારાયણ કરી સહુ મુક્તોને જમાડીએ.’ એમ કહી સત્સંગના મહિમાની પોતે ઘણીક વાતો કરી, તેથી સંતોએ રાજી થઈને હા પાડી ને ચૈત્ર સુદ ચૌદશથી વદ આઠમ સુધીની કથા કરવી, -તેમાં સદ્‍ગુરુઓ તથા મૂળીના સંતોને તેડાવવા એવો નિર્ણય કરી તાર કરાવ્યા તેમ જ મોતીભાઈ પાસે કાગળો પણ લખાવ્યા ને ધનજીભાઈને કહીને જામનગરથી કંકોત્રીઓ છપાવી લીધી. આમ બધી તૈયારી કરી ઉતાવળે યજ્ઞની વાત પ્રસિદ્ધ કરી. એ વખતે માંડવીવાળા મપારા દેવજીભાઈ ભૂજમાં દર્શને આવેલા તેમને બાપાશ્રી કહે, ‘આપણે કથા બેસારવી છે,તેમાં અઢીસો મણ ઘી હજુ જોશે ને સાતસો મણ ગોળ પણ લેવો છે; ખાંડ માટે કરાંચી લખ્યું છે તે આગબોટમાં આવી જશે.’ ત્યારે દેવજીભાઈ કહે, ‘બહુ સારું; જે જોઈએ તે કાગળ લખી હરિભક્તોને મોકલજો.’ આ રીતે યજ્ઞનું કામ બધું નક્કી કરી બાપાશ્રી વૃષપુર આવ્યા અને ત્યાં નાતના મોટા મોટા હરિભક્તોને બોલાવી તેમને પણ ‘અમો ભૂજમાં જઈને આ તિથિ નક્કી કરી આવ્યા છીએ,’ એમ જણાવી દીધું.

પછી આ યજ્ઞની વિગત તાર તથા કાગળથી જાણી સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતો તથા મૂળીના પુરાણી ધર્મકિશોરદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, દેવજીવનદાસજી આદિ સહુ હરિનવમીનો સમૈયો કરી તુરત વૃષપુર આવી પહોંચ્યા ને યજ્ઞની સેવામાં તત્પર થઈ ગયા. દેશાવરમાં કંકોત્રીઓ તો પોતે મોતીભાઈને બોલાવી લખાવી નાખી હતી અને આસપાસ બીજે લખવા જેવી હતી તે સ્વામીશ્રી આવતાં લખાવી. પછી મંદિરના ચોકમાં ચંદની બંધાવી વચ્ચે કથાની પાટ ને ઠાકોરજીનું સિંહાસન વગેરે શોભાયમાન કર્યા, તેમ જ હરિભક્તોનાં કેટલાંક ઘરોમાંથી આવવા-જવાના રસ્તાઓ કર્યા. ભીંતો અથવા વંડીઓ પાડી સૌને મંદિર ઢૂકડું પડે તેવી સગવડતાઓ કરાવી. સાધુઓ માટે પણ સરખી વ્યવસ્થા કરી અને હરિભક્તોને જમાડવા માટે રસોઈ કરવાની પાકશાળા તૈયાર કરાવી. પછી તો ઘઉંના ગાડાં ભરી દળાવી લોટ તૈયાર કરાવવા માંડ્યો. ગામડેથી બળતણ વગેરેનાં ગાડાં આવવા લાગ્યાં, તેમ જ ચોખા, દાળ વગેરે સામગ્રી જોવરાવી લીધી. ગોળ, ઘી, ખાંડ વગેરે પણ આવી ગયાં અને થોડા દિવસે કંકોત્રીઓ પહોંચતા બહારગામથી સંત-હરિભક્તો ઘણા આવતાં વૃષપુરમાં મોટો સમૈયો બની ગયો.

ચૌદશને દિવસે સવારમાં પારાયણનાં મંગળાચરણ પહેલાં પૂજાવિધિ થયો ત્યારે બાપાશ્રી તથા તેમના પુત્રોએ પુસ્તક, પુરાણી તથા સંતોની પૂજા કરી એટલે કથાયજ્ઞ ચાલતો થયો. પુરાણી કેશવપ્રિયદાસજી તો કથા વાંચે ને બાપાશ્રીના કરુણાએ ભરેલા મુખ સામું જોઈ રાજી થતા જાય; કેમકે તેમને બાપાશ્રીનો દિવ્યભાવ ઘણો, તેમ બાપાશ્રીએ પણ બ્રહ્મચારી નિર્ગુણાનંદજી સાથે તેમની જોડ બાંધી, ચંદન-પુષ્પથી પૂજા કરી માથે હાથ મૂક્યા હતા તે દિવસથી તેમને એ કૃપાનો પૂરતો અનુભવ થયો હતો. આ પારાયણમાં બાપાશ્રી ઘણી વાર મહારાજના સુખભોકતા મુક્તની સ્થિતિનું વર્ણન કરતા તેમ જ સદ્‍ગુરુઓ પણ કથાપ્રસંગે વાતો કરતા. સમાપ્તિ થયા પછી સંત-હરિભક્તો જમે, રમે. વળી બપોરના કથા બેસે તે સાંજ સુધી ચાલે. પછી હરિભક્તો જમવા જાય. સાંજે આરતી વખતે સંત-હરિભક્તોના સમૂહથી મંદિર તો ઊભરાતું જ હોય. બાપાશ્રી એ સૌની વચ્ચે ઊભા રહી આરતી-ધૂન્ય કરે, પાછી સભા ભરાઈ જાય ને સંતો મૂર્તિના સુખની વાતો કરે. આમ સૌને આનંદ વર્તતો હતો. બાઈઓમાં બાઈઓ કથાવાર્તા કરતાં તેમ જ યજ્ઞની સામગ્રી તૈયાર કરતાં તેથી ત્યાં પણ સહુ મહારાજને સંભારી સુખિયાં રહેતાં.

પછી સમાપ્તિને એક દિવસ રહ્યો ત્યારે ગામોગામથી મંડળીઓ આવી એટલે ગામમાં ઠાકોરજીની પાલખી નીકળી, ત્યારે તો જાણે વૃષપુર અક્ષરધામ જ બની ગયું હોય તેમ શેરીએ શેરીએ ફરતા મહાપ્રભુ પાસે ઉત્સવની ઝીક વાગતી અને છત્ર, ચમર ને છડીવાળા ‘જય જય, ઘણી ખમા’ બોલતા ને કેટલાક હરિભક્તો ગુલાલ ઉડાડતા ગામ વચ્ચે સલોકા બોલી આનંદ કરી રહ્યા હતા. એ જ રીતે વાડીઓમાં ગરબીઓ ગવાતાં હરિભક્તોના સમૂહમાં આખી રાત આનંદ આનંદ થઈ રહ્યો હતો. બીજે દિવસ સવારના સાડા ત્રણ વાગ્યા ત્યાં તો જ્યાં ને ત્યાં સહુ નાહીને પૂજાઓ કરવા લાગ્યા. પછી ઠાકોરજીની મંગળાઆરતી થઈ, ત્યારે બાપાશ્રીના ઘેરથી ઠાકોરજીને ભેટો આપવા છાબો તૈયાર થઈ તે પોતાના પુત્રોએ ઉપાડી એટલે ઉત્સવિયા હરિભક્તો ગાજતેવાજતે કીર્તન બોલતા બોલતા મંદિરમાં લાવ્યા, ત્યાં થોડી વારે કથા થઈ રહ્યા પછી સમાપ્તિ થઈ ત્યારે પુસ્તક, પુરાણી અને સંતોની પૂજાઓ ચાલી. હરિભક્તો પણ સેવાઓ કરતા, બાપાશ્રીની ચંદન-પુષ્પથી પૂજાઓ કરી તેમને પાઘડીઓ બંધાવવા લાગ્યા. તે ટાણે ગામધણી આયાસ બાવે પણ બાપાશ્રીને પાઘડી બંધાવી તથા પુત્ર-પૌત્રાદિકને પાઘડીઓ બંધાવી ફૂલના હાર પહેરાવ્યા. તે વખતે બાપાશ્રીએ તેમને હાર પહેરાવી બહારગામથી આવેલા કેટલાક મોટા મોટા હરિભક્તોને ઓળખાવ્યા, તેથી તે બહુ રાજી થયા.

પછી હરિભક્તોને જમાડવા પોતાના વંડા પાસે પાકશાળામાં સુખડી તૈયાર કરાવી અરજણભાઈના બે ઓરડા ભરાવેલા તથા વંડામાં શીરાના હોજ ભરાવી રાખેલા તે તથા શાક, ખીચડી વગેરે પકવાન મહારાજને જમાડવા સંતોને સાથે લઈને બાપાશ્રી આવ્યા ને પ્રથમ સુખડીના ઓરડે ઠાકોરજીને પધરાવી જમાડ્યા ને જળપાન કરાવ્યું, ત્યાંથી પછી શીરાના હોજ પર જઈ ઠાકોરજીને બિરાજમાન કરી જમાડ્યા; પછી સહુ મંદિરમાં પધાર્યા.

હવે જે વાડીમાં સૌને જમાડવાની ગોઠવણ કરવામાં આવી હતી એ ઘનશ્યામ વાડીમાં હજારો હરિભક્તોની મોટી મોટી પંક્તિઓ જ્યારે જમવા બેઠી ત્યારે સહુને દર્શન દેવા પોતે હરિભક્તોએ સહિત ફરતા ને સૌને રાજી કરતા. કોઈને માથે હાથ મૂકતા, કોઈને બોલાવતા. એમ સર્વેને જમાડી-રમાડી તૃપ્ત કર્યા; પછી પોતે હરિભક્તોએ સહિત આંબા નીચે આવીને બેઠા ત્યાં સહુ જમી જમીને આવતાં મોટી સભા થઈ ગઈ. એ વખતે પોતે આગેવાન હરિભક્તોને પાઘડીઓ બંધાવી, ત્યારે હરિભક્તોએ પણ એવી જ રીતે બાપાશ્રીને પાઘડીઓ બંધાવી. પછી સહુ મંદિરમાં આવ્યા; ત્યાર પછી બાપાશ્રી પણ ઘેર જઈને ઠાકોરજીને જમાડી આવ્યા. પછી તો દેશદેશના તથા ગામડાંઓના હરિભક્તો પોતપોતાના ગામ જવા વખતે પ્રાર્થનાઓ કરી ચંદન-પુષ્પથી પૂજાઓ કરવા લાગ્યા. તે સહુને મળી પોતે આશીર્વાદ આપતા તો કોઈને છેટે સુધી વળાવવા જતા, એમ ત્રણચાર દિવસ એ પૂજાવિધિ ચાલ્યો. સંતો વિદાય થાય ત્યારે પોતે ચંદન ચર્ચી હાર પહેરાવે, મળે, દંડવત્ કરે ને બળધેશ્વર કે વાડીના નાકા સુધી વળાવવા જાય. એમ એ વખતે સહુને સુખિયા કરી વિદાય કર્યા, તે સાથે સદ્‍ગુરુઓને પણ રજા આપી કહ્યું કે, ‘આ ફેરે તમને ઓચિંતાના તેડાવ્યા છે તે હવે પાછા પધારો, કેમ કે તમારે માથે મંદિરના વ્યવહાર. અમારે તો યજ્ઞનો વિચાર થયો એટલે ‘ધર્મ સંબંધી કારજ તત્કાળ કરવું’ – એમ મહારાજે કહ્યું છે, તે પ્રમાણે તમને તેડાવ્યા ને સંકલ્પ પૂરો કર્યો.’ – એમ કહી તેમને પણ વિદાય કર્યા. આ રીતે બાપાશ્રીએ વાતની વાતમાં મોટો યજ્ઞ કર્યો.