૧૬૩ - સર્પનું વેર તથા વાદીને ચમત્કાર
એક દિવસ ભાઈશ્રી વાડીમાં મૂર્તિમાં વૃત્તિ રાખી નીચું જોઈ ચાલ્યા જતા હતા, ત્યાં જે સર્પ આયસ બાવાની વેઠે જતાં કરડ્યો હતો, તે જ સર્પ રીસમાં સામો આવીને કરડ્યો. તે જોઈ પોતે ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ એમ ધૂન્ય કરવા માંડી, તેથી વાડીમાં પોતાનાં પુત્રપુત્રીઓ તથા કામ કરનારા સૌને ખબર પડી ગઈ. સર્પ તો એ જ વખતે ઉતાવળો ચાલ્યો ગયો ને ભાઈશ્રીને બધા ઘેરીને ઊભા. કોઈ કાંઈ બોલે ને કોઈ કાંઈ બોલે. તે સૌને આ મુક્તરાજે ધૂન્ય કરવા કહ્યું. ને પોતે સૂઈ ગયા. થોડી વાર થઈ ત્યાં ઝેર ચડવા માંડ્યું, પણ પોતે મૂર્તિ ધારી ઝેરને એક કોરે શરીરમાં રાખી મૂક્યું, તેથી સૌએ જાણ્યું જે, ‘ઝેર ઊતરી ગયું.’ થોડી વારમાં તો આ વાત ગામમાં પણ ફેલાઈ ગઈ કે, ‘ભાઈશ્રીને સર્પ દોડીને કરડ્યો ને ઝેર ન ચડ્યું.’ આ વખતે એક વાદી ગામમાં હતો, તેના જાણવામાં આ વાત આવતા તે વાડીએ આવ્યો ત્યાં તો ભાઈશ્રી પોઢી ગયા હતા, તેથી વાડીના માણસોને પૂછ્યું, ‘અહીં મોટા ભગત અબજીભાઈ કહેવાય છે તે ક્યાં છે?’ પછી માણસોએ ભાઈશ્રીને બતાવ્યા. ત્યારે પોતાની મંત્રવિદ્યા વડે જોયું તો શરીરમાં ઝેર છે, પણ ચડવા દીધું નથી, એમ તેના જાણવામાં આવ્યું, તેથી તે પાસે બેઠો. ત્યાં તો આ મુક્તરાજ જાગ્યા. ત્યારે હાથ જોડીને પૂછ્યું જે, ‘તમારી પાસે સર્પ ન ચડે તેવી બુટ્ટી કે કોઈ ચમત્કારી મંત્ર છે, -એમ જાણી હું આવ્યો છું, તો મને એ બુટ્ટી કે મંત્ર આપો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘અમારે તો સ્વામિનારાયણ ભગવાન એ જ મંત્ર ને એ જ બુટ્ટી છે.’ પછી તે વાદીએ જાણ્યું જે, ‘મને આ કાંઈ સાચી વાત કરતા નથી, તેથી ફરી વાર પોતાની મંત્રવિદ્યાથી ભાઈશ્રીને તેણે ઝેર ચડાવવા માંડ્યું. એ જોઈ પોતે ઊંડા ઊતરી ગયા. વાદીએ જાણ્યું જે, 'હવે એ શું કરશે?’ -એમ વિચારી પાસે બેસી રહ્યો, ત્યાં તો થોડી વારે આ મુક્તરાજ આળસ મરડી બેઠા થયા. તે જોઈ એ વાદી આશ્ચર્ય પામી ગયો ને જાણ્યું જે, ‘આ મંત્ર, જંત્ર કે જડીબુટ્ટીવાળા નથી. આ તો કોઈ ચમત્કારી મોટા પુરુષ છે.’ એમ જાણી પગમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો જે, ‘મારો ગુનો માફ કરો. મેં તમને ઝેર ચડાવી દુઃખ દીધું.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘અમને તો કાંઈ દુઃખ જ નથી, તમે જ્યાં જતા હો ત્યાં જાઓ.’ પછી તે પગે લાગી ચાલ્યો ગયો. આ સર્પ પાછો ત્રીજી વખત આવી જ રીતે ભાઈશ્રીને કરડ્યો. ત્યારે પણ ઘણાને જાણ થઈ હતી ને ગામધણી પાણી મંત્રીને પાવા લાવેલા. તે જોઈ ભાઈશ્રી કહે, ‘ઘડીક પાણી રાખી મૂકો, કેમ થાય છે તે જોયા પછી વાત!’ ‘એમ કહી ઝેર જ ચડવા દીધું નહિ. તે વખતે કોઈએ પૂછ્યું જે, ‘ભાઈ! આ સર્પને શું વેર હશે?’ ત્યારે પોતે વાત કરી જે, ‘એ સર્પને પ્રથમ આ ગામનો કણબી હતો ને તેની સ્ત્રીને ભગવાન ભજવા દેતો નહિ, ને બહુ દુઃખ દેતો, તેથી એ બાઈને અમે ત્યાગી બાઈઓ ભેળી મોકલી દીધી, તેનું વેર જીવમાં રાખી રહ્યો હતો, તે મૂઆ પછી આ સર્પ થઈને અમને ત્રણ વાર કરડ્યો, ત્યારે એને નિરાંત થઈ.’ આવું જીવને અજ્ઞાન છે, તે મૂઆ પછી પણ વેર રાખે. આ કરતા હેતપ્રીત રાખી ભગવાન ભજતા હોય તો કેવું બ્રહ્મમહોલમાં જવાય? પણ જીવને શું કહેવું? જીવ તે જીવ જ.’ એમ બોલ્યા.