૫૦૩ - રામપુરમાં ચાર દિવસ રહ્યા

0:000:00

બાપાશ્રી રામપુરના મંદિરમાં પહોંચ્યા ત્યાં તો ચોકમાં ચંદની નીચે ચાળીસ જેટલા સંતો અને હરિભક્તોની મોટી સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. ત્યાં જઈ બાપાશ્રીએ દર્શન કર્યા તેથી સહુ રાજી થયા; પછી દેવરાજભાઈએ ઘોડી બંધાવી ને પોતે સભામાં બેઠા. એ કથામાં ભૂજના બ્રહ્મચારી નિર્ગુણાનંદજી આવેલા, તે તો સાવ નિર્ગુણ મુક્ત. એટલે એને તો બાપાશ્રીને જોઈને પોતાને ભંડારે થાળ જમાડવાના મનોરથ કરતાં હરિભક્તો પાસે જોઈતી સામગ્રી મગાવવા માંડી. પછી જ્યારે કથાની સમાપ્તિ થઈ ત્યારે બાપાશ્રીને દંડવત્ કરી સૌ મળ્યા. ત્યાર પછી મુક્તરાજ ધનબાએ બાપાશ્રીને પોતાની પાસે બોલાવી ‘જય સ્વામિનારાયણ’ કરી કહેવા માંડ્યું જે, ‘ભાઈ! તમે વહેલામોડા પણ આવ્યા તેથી હું રાજી થઈ. તમને શરીરે ‘વા’ આવ્યો હતો તે કેમ છે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘હવે સહેજ ઠીક છે. હજી બહાર નીકળાય એવું તો નથી, પણ તમે દેવરાજભાઈને તેડવા મૂક્યા એટલે તાણ કરીને આવ્યો છું. હવે અવસ્થાનાં કામ તો એવાં જ!’ ત્યારે ધનબા કહે, ‘ભાઈ! તમે મને મંદવાડમાં દર્શન દેવા આવ્યા ત્યારે કહેતા હતા કે, પાંચ દિવસ રાખવાની મહારાજની મરજી છે તે પાંચ દિવસ તમારા કોણ જાણે ક્યારે પૂરા થશે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘આપણે તો એમ જાણવું જે, મહારાજ ભેળા સદાય છીએ. બીજા ઠરાવ મૂકી દેવા અને આ લોકમાં એ મૂર્તિ વિના બીજો સંકલ્પ ન થાય એવું કરી નાખવું.’ એમ કહી મંદિરમાં આવ્યા. પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ બાપાશ્રીને થાળ જમાડવાનું પોતાને ભંડારે રાખેલ હોવાથી હેતે સહિત જમાડ્યા પછી તો બાપાશ્રી રામપુરમાં ચાર દિવસ રહ્યા ત્યાં સુધી રોજ સવારમાં વહેલા નાહી પૂજા કરી લે ને સવાર-સાંજ સભામાં બેસે, નાહવા જાય કે આસને આવે, પણ ક્યારેય પોતે સંત-હરિભક્તો વિના એકલા ન હોય અને જ્યાં કોઈ વાતનો પ્રસંગ નીકળે ત્યાં મહારાજના દિવ્ય સુખની ચમત્કારી વાતો કરે, તેથી સંત-હરિભક્તો ઘણા રાજી થતા. એમ કરતાં કથાની સમાપ્તિ થઈ રહી તે દિવસ બપોરે મુક્તરાજ ધનબાને રાજી કરી, સંતો પાસે રજા લઈ ચાલવાનું કર્યું, તે વખતે સ્વામી ભક્તિપ્રિયદાસજી તથા બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ ભૂજ પધારવા ઘણી તાણ કરી ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘હમણાં તો નહિ અવાય, પણ અન્ન્કૂટ વખતે અવાશે તો આવી જઈશ.’