૬૮૨ - પારાયણ-પ્રારંભ અને મર્મવચન

0:000:00

બીજે દિવસ પારાયણ બેસવાની હતી, તેથી સવારમાં સંત-હરિભક્તો ત્રણ વાગ્યે ઊઠી નાહી-ધોઈ પૂજા કરવા લાગ્યા ને મંગળાઆરતી થઈ, એ વખતે મંદિરને દરવાજે ચોઘડિયાં વાગવા માંડ્યાં. સંત-હરિભક્તો હર્ષભર્યા આવેજાય ને મહારાજ તથા બાપાશ્રીનાં દર્શન કરે. એ ટાણે બાપાશ્રી પણ સહુની સાથે વહેલા નાહી, પૂજા કરી તૈયાર થઈ ગયા. પછી સંતોને મળી ઘેર જઈ પોતાના પુત્રાદિકને સભામાં આવવાની ભલામણ કરતા આવ્યા. ત્યાં તો અહીં સભામંડપમાં કથાની પાટ પાસે ચંદન, કુંકુમ, શ્રીફળ, સોપારી, અક્ષત, ધૂપ, દીપ, દહીં, દૂધ, સાકર વગેરે વિધિમાં જોઈએ તે સામગ્રી સંતોએ તૈયાર રાખી હતી, અને મહારાજની મૂર્તિને ગુલાબ તથા મોગરાના હાર પહેરાવેલ તથા આગળ ઘીના દીવા ને અગરબત્તીના ધૂપથી સભામંડપમાં સુગંધ સુગંધ થઈ રહ્યો હતો. એ વખતે સંત-હરિભક્તો સભામાં આવી ગયા ને બાપાશ્રી તથા તેમના પુત્ર-પૌત્રાદિક પણ મહારાજની સન્મુખ આવી બેઠા. બન્ને પુરાણી તો પ્રથમથી જ હાજર હતા. ત્યાં વિપ્ર દેવશંકરે પૂજાવિધિ શરૂ કરી ને મહારાજનું ધ્યાન કરતાં શ્લોક બોલી બાપાશ્રીને કાંડે મંગળસૂત્ર બાંધવા માંડ્યું, તે વખતે પોતે એમ બોલ્યા જે, ‘ગોર મહારાજ! કાંડાને બરાબર બાંધજો, આ મૂર્તિ ઊડી જાય એવી છે.’ આવા વચનથી સહુને અનેક જાતના તર્ક થયા, પણ એ મર્મવચન કોઈ સમજી શક્યા નહિ. પછી તો તે વિપ્રે બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિ સહુની ચંદન-પુષ્પથી પૂજા કરી. તે પછી બન્ને પુરાણીએ ઊઠીને પ્રથમ બાપાશ્રીને ચંદન ચર્ચી કુંકુમના ચાંદલા કરી હાર પહેરાવ્યા. ત્યારે બાપાશ્રીએ પણ તે બન્ને પુરાણીની પૂજા કરી માથે હાથ મૂક્યા ને આજ્ઞા કરી જે, ‘પુરાણી! મૂર્તિ ધારીને કથા કરજો.’ પછી એ બન્ને સંતો પાટ પર આવીને બેઠા. ત્યારે બાપાશ્રીએ તથા પુત્ર-પૌત્રાદિકે મળી, મહારાજ તથા પુસ્તક અને પુરાણીની ચંદન, કંકુમ ને ફૂલના હારથી પૂજા કરી થાળીમાં વાટો પ્રગટાવી આરતી ઉતારી. એ વખતે સંત-હરિભક્તોની ભીડ એવી હતી જે, કોઈ ઠેકાણે જરાય ખાલી જગ્યા જોવામાં આવે નહિ. આરતી થઈ રહી એટલે સૌએ ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલાવી.